મારા દેખાવને કારણે શો-બિઝનેસમાં ક્યારે પણ આવવાનું વિચાર્યું નહોતું : રિતેશ દેશમુખ

27 October, 2014 05:27 AM IST  | 

મારા દેખાવને કારણે શો-બિઝનેસમાં ક્યારે પણ આવવાનું વિચાર્યું નહોતું : રિતેશ દેશમુખ




Fitness Funda

તાજેતરમાં ‘બૅન્ક ચોર’ નામની ફિલ્મમાં કપિલ શર્માને રિપ્લેસ કરનારા રિતેશ દેખમુખે પોતાની બૉડીમાં જડમૂળથી પરિવર્તન લાવ્યું છે. આપણા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના દીકરા રિતેશે પોતાના દેખાવને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તે ક્યારેય પણ આવશે એવું તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું. શો- બિઝનેસમાં આવવા માટે, પોસ્ટર બૉયની ઇમેજ મેળવવા માટે તેણે કેટલી મહેનત કરી છે એ જાણીએ તેની પાસેથી.

એકદમ પાતળો

૧૯ વર્ષની ઉંમરે રિતેશનું વજન ૫૦ કિલો હતું. તે જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાનું અવૉઇડ કરતો, કારણ કે પોતાના પાતાળા દેખાવને કારણે લોકો તેની મજાક ઉડાવશે એવો ડર તેને સતત મનમાં રહ્યા કરતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘હું જન્મ્યો ત્યારથી જ એકદમ સુકલકડી હતો. નવમા ધોરણમાં હતો ત્યારે મારું વજન માત્ર ૪૫ કિલો હતું. કેટલું પણ ખાતો એ ક્યારેય મારી બૉડી પર નહોતું દેખાતું. હું કેટલી રોટલી ખાઉં છું એના પર મારી હેલ્થનું મેઝરમેન્ટ થતું હતું. કૅલરી કે મોટાબોલિઝમનું કોઈ જ્ઞાન ત્યારે નહોતું. હું ક્રિકેટ રમતો હતો અને ક્યારેક ફૂટબૉલ રમતો. શરીર દેખાડવું પડે એવી રમતથી હું મોટે ભાગે દૂર રહેતો, જેમ કે સ્વિમિંગ કે કુસ્તી જેવી સ્પોર્ટ્સથી મેં હંમેશાં ડિસ્ટન્સ રાખ્યું છે; કારણ કે ઉઘાડા શરીરને જોઈને લોકો મારી મજાક ઉડાવતા.  ઘણી વાર લોકોની ઠેકડીનો ભોગ બન્યો છું.’

એક્સરસાઇઝ તરફ

કૉલેજમાં માત્ર હેલ્થ બનાવવાના આશયથી હેલ્થ ક્લબ જૉઇન કરી હતી. એ વખતે શો-બિઝનેસમાં જવાનો આશય નહોતો, પણ લોકો પાસેથી મળેલી નેગેટિવ કમેન્ટને દૂર કરવી હતી. એ વખતે મારા ફિટનેસ ટ્રેઇનરે બહુ મોટું યોગદાન આપ્યું છે એમ જણાવીને રિતેશ ઉમેરે છે, ‘મારા મેકઓવરમાં મારી ટીકા કરનારા લોકોનો બહુ મોટો હાથ હતો. વર્કઆઉટની શરૂઆત કરી એની પહેલાં મેં મારી બૉડી ટાઇપ ચેક કરી. વર્કઆઉટ કરતાં પહેલાં તમારી બૉડી ટાઇપ ચેક કરવી બહુ જરૂરી છે.’

વર્કઆઉટ

સૌથી પહેલાં તમારે શું જોઈએ છે એ તમારે નક્કી કરવાનું અને એમાં તમને તમારી મર્યાદાઓ વિશે ખબર હોવી જોઈએ એવું રિતેશ દૃઢતાથી માને છે. તે કહે છે, ‘મેં જ્યારે મસલ્સ બનાવવાની શરૂઆત કરી ત્યારે અઠવાડિયાના પાંચ દિવસ હું વર્કઆઉટ કરતો હતો. શરૂઆતમાં તમને બહુ ફાસ્ટ રિઝલ્ટ મળે છે. એક વસ્તુ મં મહેસૂસ કરી છે કે જ્યારે તમને અંદરથી તમારામાં પરિવર્તન લાવવાની ઇચ્છા જાગી હોય ત્યારે ટાસ્ક આસાન બને છે. જોકે એમ છતાં તમને મોટિવેટ કરતા રહે એવા લોકોની આસપાસ રહેવું જોઈએ. વર્કઆઉટ પાર્ટનર તમને કંટાળો કે થાક નહીં આવવા દે તેમ જ બૉડી-બિલ્ડિંગમાં ટ્રેઇનરનો બહુ મોટો રોલ છે. તમે ૧૦ પુશઅપ્સ તમારી રીતે કરી શકો છો, પરંતુ અગિયારમા પુશઅપ્સ વખતે જ્યારે તમને લાગે કે હવે તમે નહીં કરી શકો ત્યારે ટ્રેઇનર તમને મોટિવેટ કરે છે. ક્યારેક સ્ટ્રિક્ટ થઈને તમને બેઠા કરે છે.’

ફૂડ ક્રેવિંગ અને ડાયટ

વર્કઆઉટ જેટલું જ આ પ્રોસેસમાં ડાયટનું મહત્વ છે એમ જણાવીને રિતેશ કહે છે, ‘હું તો કહીશ કે ૭૦ ટકા તમારી મહેનતનો મદાર તમારા ડાયટ પર છે. વજન વધારવું છે કે વજન ઘટાડવું છે, બન્નેમાં ડાયટનું મહત્વ છે. મસલ્સ બનાવતી વખતે ડાટરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવું જોઈએ. સાથે સંતુલિત માત્રામાં કાબોર્હાઇડ્રેટ પણ લેવાવું જોઈએ.’