ડિસિપ્લિન અને નો એક્સક્યુઝ આ બાબતો જરૂરી છે ફિટનેસ માટે

25 November, 2014 04:54 AM IST  | 

ડિસિપ્લિન અને નો એક્સક્યુઝ આ બાબતો જરૂરી છે ફિટનેસ માટે




લાઇફ-સ્ટાઇલ - રુચિતા શાહ

ગઈ કાલથી ‘લાઇફ ઓકે’ પર શરૂ થયેલી વિપુલ અમૃતલાલ શાહની ‘પુકાર’ નામની આર્મીમૅનની સિરિયલનો લીડ ઍક્ટર રણવિજય સિંહ જો ટેલિવિઝન સાથે સંકળાયેલો ન હોત તો ચોક્કસ આર્મીમાં જ હોત. તેની છ પેઢીઓ આર્મીમાં હતી અને તે અનાયાસ જ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બની ગયો. આર્મીનું બૅકગ્રાઉન્ડ ધરાવવાને કારણે રણવિજય પહેલેથી જ ફિટનેસને લઈને ખૂબ ડિસિપ્લિન્ડ રહ્યો છે. આર્મીમાં સામેલ થવા માટે જરૂરી એવી મેડિકલ ટેસ્ટ અને ફિટનેસ ટેસ્ટ પણ તે આપી ચૂક્યો છે. જોકે એ સમયે બનાવેલી હેલ્થને તેણે સમય સાથે સતત મેઇન્ટેન રાખી છે અને એટલે જ નવી સિરિયલમાં આર્મીમૅનનો રોલ કરવા માટે તેણે ખાસ મહેનત નથી કરવી પડી. ફિટનેસની બાબતમાં ખૂબ જ ઍક્યુરેટ અને શિસ્તબદ્ધ એવા રણવિજયનો ફિટનેસ ફન્ડા જાણીએ તેના જ શબ્દોમાં.

ખૂબ ચોક્કસ

મારું પોતાનું આર્મીનું બૅકગ્રાઉન્ડ રહ્યું છે. મારા પિતા, મારા અંકલ ઑલમોસ્ટ બધા જ અમારી ફૅમિલીમાં આર્મીમાં હતા. હું પોતે પણ એમાં જ જવાનો હતો. પપ્પા આર્મીમાં હોવાને કારણે વારંવાર તેમનું પોસ્ટિંગ બદલાતાં મેં લગભગ નવ સ્કૂલો બદલી હતી. જોકે એ બધામાં કુદરતી રીતે ફિટનેસની બાબતમાં સતર્કતા બાળપણથી રહી છે. હું આઉટડોર સ્પોર્ટ્સ પણ રમતો હતો. માર્શલ આર્ટ્સ શીખ્યો હતો. અત્યારે ફરી મેં માર્શલ આટ્ર્‍સ શીખવાનું શરૂ કર્યું છે. જિમમાં જઈને હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરું છું. બહાર રનિંગ કરવા જાઉં છું. બીચ પર જઈને સ્કિપિંગ કરું છું. મોકો મળે ત્યારે આઉટડોર જઈને ફ્રીહૅન્ડ એક્સરસાઇઝ કરું છું. શરીરની સક્રિયતા માટે શરીરના દરેક ભાગને એક્સરસાઇઝ મળવી જ જોઈએ અને એના માટે ઘણીબધી બાબતોમાં જિમ પણ જરૂરી હોય છે. હું મારા કોર મસલ્સ પર ખૂબ મહેનત કરું છું. તમારામાં સ્ટ્રેન્ગ્થ અને સ્ટૅમિના હોવાં અતિશય જરૂરી છે.

ઈટિંગ ઇમ્પોર્ટન્ટ

તમે શું ખાઓ છો એના પર તમારી હેલ્થનો બહુ મોટો મદાર રહેલો છે. પહેલેથી જ હું ખાવાની બાબતમાં ખૂબ સતર્ક રહ્યો છું. અગેઇન, એમાં પણ મારો આર્મીનો વારસો કારણભૂત છે. ફ્રાઇડ ફૂડ, ફૅટવાળું ફૂડ અવૉઇડ કરું છું. ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, સૅલડ વગેરે પુષ્કળ ખાઉં છું. પાણી પુષ્કળ પીઉં છું. ખાવાનો શોખીન છું, પરંતુ એમાં પણ ડિસિપ્લિન જાળવી શકું છું.

નો એક્સક્યુઝ

ફિટનેસ મેળવવી ઈઝી નથી, એની આદત પાડવી પડે. આજે કંટાળો આવે છે એટલે દોડવા ન ગયો, આજે વરસાદ હતો તો માંડી વાળ્યું જેવાં એક્સક્યુઝ ફિટનેસ મેળવવામાં નથી ચાલતાં. એવો ઍટિટ્યુડ રાખ્યા વિના એક વાર બનાવેલા શેડ્યુલને વળગી રહેવું જોઈએ.

તમારા માટે તમે આટલું ન કરો?

દરેક માણસે પોતાના જીવનમાં થોડાક પ્રમાણમાં શરીરની જાળવણી કરવી જોઈએ. તમે બૉડી-બિલ્ડિંગ ન કરો, પરંતુ થોડાક કૅરફુલ રહો એ જરૂરી છે. ભલે કહેવાતું હોય કે પૈસો છે તો બધું જ છે, પરંતુ પૈસો આવ્યા પછી પણ લાઇફને એન્જૉય કરવા જેટલી સ્ટેબિલિટી તમારામાં નહીં હોય તો એ પૈસાનું શું કરવાનું? બૉડીને થોડીક એક્સરસાઇઝ આપો. જરૂરી નથી કે જિમમાં જાઓ. તમને ગમતી આઉટડોર સ્પોર્ટ્સ રમો. બાળકો સાથે ગાર્ડનમાં રમો. ક્યારેક દોડવું પડે તો તમે દોડી શકતા હો, તમારામાં બેસિક સ્ટ્રેન્ગ્થ તો હોવી જોઈએને. ભાવતું ફૂડ જરૂર ખાઓ, પણ એમાં પણ એક બૅલૅન્સ રાખવાની કોશિશ કરો. જેમ કે આજે પીત્ઝા ખાઈ લીધો હોય તો બીજે દિવસે ન્યુટ્રિશન્સવાળો હેલ્ધી ખોરાક લઈને એને બૅલૅન્સ કરતા રહો.