૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં રેડિયમ ટૅટૂ છે ઇન

26 December, 2014 05:04 AM IST  | 

૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં રેડિયમ ટૅટૂ છે ઇન










કૃપા પંડ્યા

૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે અને એની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ હશે. ૩૧ ડિસેમ્બરની પાર્ટીમાં કયાં કપડાં પહેરવાં, કઈ હેરસ્ટાઇલ કરવી, કેવો મેક-અપ કરવો વગેરેની તૈયારી તમારા મગજમાં ચાલતી જ હશે. અને એ સાથે એની પણ ચિંતા હશે કે આ વખતે પાર્ટીમાં એવું શું કરવું જેનાથી હું કંઈ અલગ દેખાઉં. સાચે જ થાય છેને આવી ચિંતા? તો તમારી ચિંતા દૂર કરવા હાજર છે એક હટકે અને નવો સ્ટાઇલ ફન્ડા. એ છે રેડિયમ ટૅટૂ.

રેડિયમ ટૅટૂના નામમાં જ રેડિયમ છે. એટલે જેમ રેડિયમ અંધારામાં કે અમુક પ્રકારની લાઇટ પડવાથી ચમકે છે એવું જ રેડિયમ ટૅટૂનું પણ છે. એ પણ અંધારામાં કે અમુક લાઇટ પડવાથી ચમકે છે. રેડિયમ ટૅટૂ કરવાથી અંધારામાં તમને માત્ર ટૅટૂ જ દેખાશે, માણસ નહીં. આવા પ્રકારનાં ટૅટૂ પાર્ટી કે ડિસ્કોથેકમાં જવા માટે ઘણા યંગસ્ટર્સ કરતા હોય છે, જે અત્યારે ૩૧ ડિસેમ્બરની પાર્ટીનું આકર્ષણનું કેન્દ્ર છે. રેડિયમ ટૅટૂ છેલ્લાં બે વર્ષથી ભારતમાં પ્રચલિત થયાં છે, પણ બીજા દેશોમાં એ ઘણાં પ્રચલિત છે. આ ટૅટૂ સામાન્ય ટૅટૂની જેમ જ થાય છે, પણ આમાં વપરાતી જે ઇન્ક છે એ રેડિયમ ઇન્ક હોય છે. આ ટૅટૂ મોટે ભાગે પાર્ટીપ્રેમીઓ કરાવે છે. આ ટૅટૂ તમને સવારના દેખાતાં નથી, પણ રાત્રે ગ્લો કરે છે.

રેડિયમ ટૅટૂના બે પ્રકાર છે.

૧. ગ્લો ઇન ડાર્ક ટૅટૂ : ગ્લો ઇન ડાર્ક ટૅટૂમાં ફૉસ્ફર (Phospher) નામનું કેમિકલ હોય છે. આ કેમિકલને રેડિયમ ટૅટૂ માટે વાપરવામાં આવે છે, જેના લીધે એ ટૅટૂ પર લાઇટ પડવાથી ફૉસ્ફર કેમિકલને એનર્જી મળે છે. એ સિવાય ડાર્કનેસમાં એ ટૅટૂ વધારે ગ્લો કરે છે.

૨. બ્લૅક લાઇટ ટૅટૂ : બ્લૅક લાઇટ ટૅટૂ પર્મનન્ટ પણ હોય છે અને ટેમ્પરરી પણ. આમાં જે કલર વપરાય છે એ ટૅટૂ માટેના કલર નથી હોતા. એ પેઇન્ટ કલર હોય છે, જેનાથી તમે પેઇન્ટ પણ કરી શકો છો. આ ટૅટૂ પર ટ્યુબલાઇટ જેવી અલ્ટ્રાવાઇટ રેડિયેશન લાઇટ પડવાથી ટૅટૂ ગ્લો કરે છે.

ગ્લો ઇન ડાર્ક ટૅટૂ કરતાં આજકાલ બ્લૅક લાઇટ ટૅટૂ બધાના આકર્ષણનું કેન્દ્ર છે, કેમ કે ગ્લો ઇન ડાર્ક ટૅટૂમાં વપરાતું કેમિકલ સ્કિન-ફ્રેન્ડ્લી નથી હોતું.

વર્સોવામાં ટૅટૂ-સ્ટુડિયો ચલાવતો એરિક કહે છે, ‘રેડિયમ ટૅટૂને ઍડ્વાન્સમાં લગાવવામાં નથી આવતું. આ ટૅટૂ ફંક્શનમાં કે પાર્ટીમાં જવાના એક કલાક પહેલાં જ કરવામાં આવે છે. અમારી પાસે ૩૦ અને ૩૧મીના દિવસે ૧૦-૧૫ વ્યક્તિઓ રેડિયમ ટૅટૂ કરાવવા આવે છે. આ રેડિયમ ટૅટૂ પર્મનન્ટ નથી હોતાં. આને પાણીથી ધોવામાં આવે તો નીકળી જાય છે. રેડિયમ ટૅટૂ ૧૬ વર્ષથી ૨૫ વર્ષના એજ-ગ્રુપમાં ઘણાં લોકપ્રિય છે. છોકરીઓમાં રેડિયમ ટૅટૂ પીઠ અને ગળા પર કરાવવાનો ક્રેઝ છે, જ્યારે છોકરાઓમાં હાથ અને બાયસેપ્સ પર કરાવવાનો ક્રેઝ છે.’

કેવા કલર્સ ઇન?

રેડિયમ ટૅટૂ માટે વધારે પડતાં ફ્લોરોસન્ટ કલર વપરાય છે જેમાં ફ્લોરોસન્ટ યલો સૌથી વધારે ધૂમ મચાવે છે. એના સિવાય ફ્લોરોસન્ટ રેડ, ફ્લોરોસન્ટ ગ્રીન, ફ્લોરોસન્ટ બ્લુ, ફ્લોરોસન્ટ ઑરેન્જ વગેરે કલર પણ વપરાય છે. ૧૦૦૦થી લઈ ૩૦૦૦ રૂપિયા સુધીની રેન્જનાં રેડિયમ ટૅટૂ સ્કિનની ઉપર જ કરવામાં આવે છે તેથી એનાથી સ્કિન પર કોઈ રીઍક્શન નથી થતું. જે લોકોને ટૅટૂ વિશે નૉલેજ હોય છે એ પર્મનન્ટ ટૅટૂ નથી કરતા, કેમ કે એ સ્કિન માટે સેફ નથી. ટેમ્પરરી ટૅટૂથી સ્કિન પર કોઈ રીઍક્શન નથી થતું. આમાં છોકરીઓ માટે બટરફ્લાય, ફેરી અને છોકરાઓ માટે આદિવાસી અને ઍબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન ઇન છે.