પાવર ફેશ્યલ કરાવો તો ઉંમર દસ વર્ષ ઘટી જાય

15 December, 2014 07:12 AM IST  | 

પાવર ફેશ્યલ કરાવો તો ઉંમર દસ વર્ષ ઘટી જાય



લાઇફ-સ્ટાઇલ- રુચિતા શાહ

વેડિંગ સીઝન અત્યારે માથા પર છે. દરેક સ્ત્રીને લગ્નમાં શ્રેષ્ઠ દેખાવાનો અભરખો હોય છે. અનેક પ્રકારની સર્જરી અને બ્યુટી-ટ્રીટમેન્ટ્સની ભરમાર છે ત્યારે કઈ બ્યુટી-ટ્રીટમેન્ટ તમારા માટે શ્રેષ્ઠ છે અને કઈ વધુ ઇફેક્ટિવ સાબિત થશે એ વિશે કનફ્યુઝન હોય તો પાવર ફેશ્યલ અત્યારના સમયમાં શ્રેષ્ઠ ઑપ્શન સાબિત થઈ શકે છે. છેલ્લા છ મહિનાથી હૉલીવુડ અને બૉલીવુડની હિરોઇનોમાં સુપરહિટ સાબિત થઈ રહેલી આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની સર્જરી કે ઇંજેક્શનના ઉપયોગ વિના ચહેરાના અંદરના અને બહારના લેયરને ખૂબસૂરત બનાવતા આ અલ્ટ્રા-ઇફેક્ટિવ ડર્મેટોલૉજી ફેશ્યલ વિશે જાણીએ.

ફેશ્યલમાં હોય શું?

નૉર્મલ ફેશ્યલ કરતાં આ ફેશ્યલ કઈ રીતે અલગ છે એ વિશે જાણીતા ડર્મેટો-કૉસ્મેટોલૉજિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘છેલ્લા છ મહિનાથી આ ઇનથિંગ છે. આ ફેશ્યલની ત્વચાના દરેક લેયર પર અસર પહોંચે છે. ક્લેન્ઝિંગ, ત્વચા પરના ડેડ સેલ્સ દૂર કરવાની એક્સફોલિએશનની પ્રોસેસ, એ પછી ઓક્સિજનેશન, દરેકની સ્કિનના પ્રૉબ્લેમ મુજબના સિરમનું સ્કિનમાં ઇન્ફ્યુઝન, માસ્ક અને લેઝર દ્વારા સ્કિન-ટાઇટનિંગ જેવી અનેક બાબતો આ ફેશ્યલમાં આવે છે. નૉર્મલ ફેશ્યલમાં માત્ર ક્લેન્ઝિંગ, એક્સફોલિએશન અને માસ્કનો જ સમાવેશ થાય છે, જ્યારે આમાં ઘણીબધી ટ્રીટમેન્ટને કમ્બાઇન કરવામાં આવી છે.’ 

ઇન્સ્ટન્ટ અને પેઇનલેસ

મેડિફિશ્યલ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ચહેરાને ૩૬૦ ડિગ્રીએ સુંદરતા બક્ષતા આ પાવરફુલ ફેશ્યલમાં કોઈ પણ જાતની પીડા વિના તાત્કાલિક ધોરણે પરિણામ મળે છે, જે ઇન્સ્ટન્ટ હોવા છતાં લૉન્ગ-લાસ્ટિંગ પણ છે. ડૉ. સ્વાતિ ઉમેરે છે, ‘ત્વચા પર મિરૅકલ કરે છે આ ફેશ્યલ એ વાતમાં શંકાને સ્થાન નથી, કારણ કે તમારી સ્કિનને જે પ્રૉબ્લેમ હોય એને ધ્યાનમાં રાખીને એમાં તમારા પ્રૉબ્લેમને અનુરૂપ સામગ્રી વાપરવામાં આવે છે. એને કારણે પરિણામ તરત જોઈ શકાય છે અને પરિણામ લૉન્ગ-લાસ્ટિંગ પણ છે, કારણ કે એ ડીપલી ત્વચાને ક્લીન અને રીજુવેનેટ કરે છે.’

ફાયદા અને ખર્ચ

પાવર ફેશ્યલમાં લગભગ બેથી અઢી કલાકનો સમય લાગે છે અને ૧૦ હજારથી ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ એમાં આવે છે. કોઈ પણ સામાન્ય બ્યુટી સૅલોંમાં આ ટ્રીટમેન્ટ હજી શરૂ થઈ નથી. આ ટ્રીટમેન્ટ ડર્મેટો-કોસ્મેટોલૉજિસ્ટ ડૉક્ટર્સ પાસે કરાવવી વધુ યોગ્ય છે. એના ફાયદાઓ વિશે ડૉ. સ્વાતિ કહે છે, ‘ત્વચાની કાળાશ દૂર કરે, સ્કિનનું ટોનિંગ કરે, આંખ પાસેના કાળા કુંડાળા દૂર કરે, ત્વચાનું લચીલાપણું વધારે, સ્કિનને નવચેતન કરે જેને કારણે સ્કિનનો નૅચરલ ગ્લો વધારે છે. ઇંજેક્શન કે સર્જિકલ ટ્રીટમેન્ટ સમાયેલી ન હોવાને કારણે એની કોઈ સાઇડ-ઇફેક્ટ્સ નથી. બહુ જ સેન્સિટિવ સ્કિન હોય તેમને થોડાક સમય માટે ત્વચા પર લાલાશ વર્તાઈ શકે છે. ત્રણ-ચાર મહિને એક વાર આ ટ્રીટમેન્ટ કરાવવાથી રિઝલ્ટને વધુ બહેતર બનાવી શકાય છે.’