શિયાળાની ફેશનમાં પિન્ક ઇઝ ઇન

23 November, 2011 08:48 AM IST  | 

શિયાળાની ફેશનમાં પિન્ક ઇઝ ઇન

 

ભલે લાલ રંગ ટ્રેડિશન છે, પણ હવે લોકો પિન્કને લાલ કરતાં વધુ પ્રમાણમાં અપનાવતા થયા છે. ઓલ્ડ રોઝ, ફુશિયા અને બેબી પિન્ક આ બધા જ શેડ બ્રાઇડલ મેક-અપમાં ખાસ જોવા મળી રહ્યા છે. તો જોઈએ ચહેરાના કયા ભાગ પર કઈ રીતે આ રંગ સાથે રમી શકાય.

આંખો

કાજલ આજ-કાલ ખૂબ ટ્રેન્ડમાં છે અને શિયાળો કાજલ લગાવવા માટેનો બેસ્ટ સમય છે, કારણ કે આ સીઝનમાં કાજલ પ્રસરી જવાના ચાન્સિસ નહીં જેવા હોય છે. આ સાથે લાઇટ કલરનો મસ્કરા આંખોને વધારે સુંદર લુક આપે છે. મેક-અપને ફક્ત ચહેરા પર ફેલાવી ન દો, પણ ખૂબ જ ધ્યાનપૂર્વક લગાવો.

આઇ-બ્રોને ડિફાઇન કરવા માટે ખૂબ ડાર્ક પેન્સિલ ન વાપરવી. આઇ-શૅડોની વાત કરીએ ત્યાં ગોલ્ડ સાથે બ્રાઉન કે બરગન્ડી જેવા ડાર્ક શેડ મિક્સ કરી શકાય, પણ અહીં શૅડોનું બ્લેન્ડિંગ ખૂબ કુશળતાપૂર્વક થયું હોવું જોઈએ. પિન્ક શેડને લગાવવા માટે ડે મેક-અપ કૉપર માટે કૉપર કે ગોલ્ડ અને પિન્કને સાથે બ્લેન્ડ કરો. ઈવનિંગ મેક-અપ માટે સિલ્વર સાથે પિન્ક લઈ શકાય. બાકીનો મેક-અપ પિન્ક રાખતાં આંખો પર વેરિયેશન જોઈતું હોય તો ગ્રીન કે ડીપ બ્લુ જેવા શેડ પણ સારા લાગશે.

હોઠ

લિપ્સ્ટિકની ચૉઇસ પૂરી રીતે સ્કિનટોન અને કૉમ્પ્લેક્શનને આધારે થવી જોઈએ. ગોરી સ્કિન ધરાવતી યુવતીઓને સૉફ્ટ પીચ અને ઑરેન્જ ટોનવાળા શેડ ફ્રેશ બ્રાઇડલ લુક આપશે, જ્યારે થોડી ડાર્ક સ્કિન ધરાવતી યુવતીઓ બેજ અને બ્રાઉન શેડ પ્રિફર કરી શકે છે. જો ખૂબ ગોરી સ્કિન હોય તો ફુશિયા પિન્ક શેડની લિપ્સ્ટિક સારી લાગશે. થોડા વૉર્મ સ્કિનટોન પર બેબી પિન્ક લિપ્સ્ટિક સારી લાગશે. સિલ્વર ટિન્ટવાળો પિન્ક ગ્લૉસ ઈવનિંગમાં ખૂબ સારો લુક આપશે. લિપ્સનો શેપ ડિફાઇન કરવા માટે આજે પણ કેટલાક લોકો લિપ્સ્ટિક કરતાં એક શેડ ડાર્ક લિપલાઇનર વાપરે છે, જે ખોટું છે. લિપલાઇનર હંમેશાં એક શેડ લાઇટ અથવા સેમ શેડનું જ હોવું જોઈએ. ખૂબ પીળાશ પડતો કે ડાર્ક શેડ ટાળો.

ચહેરો

કોઈ ખૂબ જ ચમકીલું ગ્લિટરવાળું બ્લશ વાપરવાનું ટાળો, કારણ કે એ તમારા વેડિંગ પિક્ચર્સ બગાડશે અને ચહેરો ભીનો હોય એવું લાગશે. ડાર્ક રંગછટા ધરાવતી યુવતીઓ થોડો કૉપરિશ બ્લશ અને સાથે થોડું બ્રૉન્ઝર લગાવશે તો સારું લાગશે. જો ત્વચા ગોરી હોય તો દિવસના સમય માટે બેબી પિન્ક, સૉફ્ટ પિન્ક, પીચની છટાવાળો પિન્ક જેવા શેડ સારા રહેશે અને જો રાત કે સાંજના સમયનાં લગ્ન હોય તો થોડો ડાર્ક પિન્ક અને સાથે શિમર સારું લાગશે. નૅચરલ બ્લશિંગ બ્રાઇડવાળા લુક માટે પિન્કી પીચ કે રોઝના શેડવાળું બ્લશ ગાલ પર લગાવો. તૈલી ત્વચા માટે પાઉડર બેઝ બ્લશ બેસ્ટ રહેશે, પણ જો સ્કીન ડ્રાય થતી હોય તો શિયાળામાં એ વધુ ડ્રાય લાગશે માટે ક્રીમ બ્લશ બેસ્ટ રહેશે. એનાથી નૅચરલ ગ્લો મળશે.

નખ

નેઇલ આર્ટિસ્ટની મદદથી હવે ગોલ્ડ, પીચ, મરૂન જેવા કેટલાય નવા શેડથી એક્સપરિમેન્ટ કરી નખોને સુંદર બનાવી શકાય છે. જો તમારું આઉટફિટ પણ પિન્કના શેડમાં હોય તો શિમરિંગ પિન્ક અને સિલ્વર કે ગોલ્ડન સીક્વન્સનો વપરાશ કરીને નેઇલ આર્ટ કરી શકાય, પણ જે પણ રંગ વાપરો એ યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે વાપરવો.

થોડી પિન્કી ટિપ્સ

પિન્ક શેડ વધુપડતો ન લાગે એ માટે એને બીજા ન્યુટ્રલ રંગો સાથે કમ્બાઇન કરવો.

એ સૉફ્ટ પિન્ક હોય કે પછી ડાર્ક પિન્ક, પિન્કને એક સમયે ફક્ત ચહેરાના કોઈ ભાગ પર જ લગાવો.

જો ડાર્ક પિન્ક લિપ્સ્ટિક હોય તો પિન્ક બ્લશ ભૂલથી પણ ન લગાવવું, કારણ કે અહીં ન તો તમારા ગાલ હાઇલાઇટ થાય અને ન તો તમારા હોઠ અને બધું જ મિક્સ થઈ ગયું હોય એવું લાગશે.

પિન્ક સાથે બીજા રંગો સાવધાનીપૂર્વક વાપરવા. ગ્રે, બ્લૅક કે પછી કોઈ પણ ભૂખરો શેડ પિન્ક સાથે સૂટ કરશે.

પિન્ક સાડી કે પિન્ક ઘાઘરા-ચોળી હોય તો એની સાથે પિન્ક નહીં પણ મેટાલિક ગ્રીન કે પિકૉક બ્લુ શેડનો મેક-અપ વધુ સારો લાગશે. જો બધું જ પિન્ક હશે તો તમે બ્રાઇડ નહીં પણ બાર્બી ડૉલ લાગશો, જે પોતાનાં લગ્નમાં માન્ય નથી. એથી જ ક્યાં અને કેટલો પિન્ક વાપરવો એ તમારા હાથમાં છે.