શું છે ઑક્સિ ફેશ્યલ?

28 November, 2012 06:07 AM IST  | 

શું છે ઑક્સિ ફેશ્યલ?



ગોલ્ડ, ફ્રૂટ અને અરોમા જેવા જુદા-જુદા ફેશ્યલનો જમાનો હવે જાણે જૂનો થઈ ગયો છે. છેલ્લા થોડા સમયથી બ્રાઇડ્સ અને સામાન્ય યુવતીઓ પણ સ્પા તેમ જ બીજી પ્રોફેશનલ ટ્રીટમેન્ટવાળા ફેશ્યલ તરફ વળી છે. સ્કિન ટાઇપ અને જરૂરિયાત પ્રમાણે કરવામાં આવતી આ ટ્રીટમેન્ટ્સ પ્રોફેશનલ હોય છે તેમ જ લાંબા સમય માટે જોઈતું રિઝલ્ટ આપે છે. અત્યારે ખૂબ જ ડિમાન્ડમાં હોય તો એ છે ઑક્સિ ફૅશ્યલ. જાણી લો આ ટ્રીટમેન્ટ થાય છે કઈ રીતે.

શું છે ઑક્સિજન ફેશ્યલ?

આ પ્રકારના ફેશ્યલમાં પ્યૉર ઑક્સિજનને એક નિશ્ચિત પ્રેશર સાથે સ્કિનની અંદર ઉતારવામાં આવે છે. થિયરી એ છે કે પ્યૉર ઑક્સિજન સ્કિનને હાઇડ્રેટ કરવામાં તેમ જ મૉઇસ્ચરાઇઝ કરવામાં મદદરૂપ થાય છે. ઑક્સિજન સાથે જે ટ્રીટમેન્ટ કરાવવા માગતા હોય એ મુજબ વિટામિન, મૉઇસ્ચરાઇઝર, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને સિરમને સ્કિનમાં ઉતારવામાં આવે છે. ઑક્સિજન ફેશ્યલ મોટા ભાગે ઍન્ટિ-એજિંગ, ક્લેરિટી, તાજગી અને સ્કિનની બીજી તકલીફો માટે કરવામાં આવે છે.

એક્સપટોર્ના મત અનુસાર આ ફેશ્યલ એક ટ્રીટમેન્ટના ભાગરૂપે કરાવતા હો ત્યારે પહેલાં છ અઠવાડિયાં સુધી અઠવાડિયામાં એક વાર અને ત્યાર બાદ મહિનામાં એક વાર એમ કરાવવું જોઈએ. ઑક્સિજન ફેશ્યલ ચહેરાને યુવાન ચમક આપે છે. આ ફેશ્યલ કરાવ્યા બાદ ડર્મેટલૉજિસ્ટે કહ્યું હોય એ રીતે ચહેરાની સંભાળ લેવી અને પરેજીઓ પાળવી પણ જરૂરી હોય છે. જેનાથી ફેશ્યલનો ગ્લો લાંબા સમય સુધી કાયમ રહે.

ઝડપી રિઝલ્ટ


ઑક્સિજન કે ઑક્સિ ફેશ્યલની આ ટ્રીટમેન્ટ આટલી ડિમાન્ડમાં હોવાનાં કારણો પણ અનેક છે. આ ફેશ્યલ સ્કિનને ઇન્સ્ટન્ટલી લિફ્ટ કરે છે તેમ જ કરચલીઓને સ્મૂધ બનાવે છે. આ સિવાય ચહેરા પર જો કોઈ ડાઘ હોય તો એમાં પણ ઑક્સિ ફૅશ્યલ મદદરૂપ થાય છે. ખાસ કરીને બ્રાઇડ્સ માટે પ્રી-બ્રાઇડલ કૅર તરીકે ગ્લો મેળવવા માટે આ ટ્રીટમેન્ટ ખાસ સજેસ્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે કહેવાય છે કે ફેશ્યલ કરાવ્યા બાદ બીજા કે ત્રીજા દિવસે તેની સાચી અસર જોવા મળે છે, પરંતુ ઑક્સિ ફેશ્યલ મેક-અપ કરવાની ૨૦ મિનિટ પહેલાં પણ કરી શકાય છે.

ટેમ્પરર ઇફેક્ટ

ઑક્સિજન ફેશ્યલ ભલે ઇન્સ્ટન્ટ લિફ્ટ અને ઇન્સ્ટન્ટ ગ્લો આપવામાં માટે સારું ગણાતું હોય, પરંતુ ચહેરાના ડાઘ અને બીજા સ્કિન પ્રૉબ્લેમ્સ માટે આ લાંબા ગાળાનો ઉપાય નથી. આ ફેશ્યલ બાદ સ્કિન થોડી સૂજી ગઈ હોય એવી પણ લાગે છે, કારણ કે આ ટ્રીટમેન્ટ દરમ્યાન ઘણી વાર થોડા અંશે બળતરા થાય છે તેમ જ પ્યૉર ઑક્સિજન જ્યારે સ્કિનની લોહીની નસોમાં પ્રવેશે ત્યારે ત્વચા લાલ પણ થઈ જાય છે જેનાથી રોઝી ગ્લો મળે છે. પરંતુ આ ઇફેક્ટ ફક્ત થોડા કલાકો માટેની હોય છે. આ ફેશ્યલથી મળતા મૉઇસ્ચરાઇઝિંગ અને હાઇડ્રેટિંગ બેનિફિટ્સ થોડા ગૂંચવણભર્યા છે, કારણ કે કેટલાક ડર્મેટલૉજિસ્ટોને મતે આ ટ્રીટમેન્ટ ત્વચાને ક્લેન્ઝ જરૂર કરે છે પણ હાઇડ્રેટ કે મૉઇસ્ચરાઇઝ ન કરી શકે. એકાદ પાર્ટીમાં જવા માટે ઑક્સિજન ફેશ્યલ સારો ઉપાય છે, પરંતુ લૉન્ગ ટર્મ બેનિફિટ્સ માટે એ કામનું નથી.