જૂના ઘાઘરાનું કરો રીસાઇક્લિંગ

08 October, 2012 06:44 AM IST  | 

જૂના ઘાઘરાનું કરો રીસાઇક્લિંગ



અર્પણા ચોટલિયા

જો નવાં ચણિયાચોળી ખરીદવાની ઇચ્છા ન હોય તો ગયા વર્ષના થોડા સિમ્પલ એવા ઘાઘરાને નવોનક્કોર લુક આપવાના પણ ઘણા આઇડિયા છે. કોઈ પણ જૂની ચીજ પર થોડોઘણો ફ્રેશ ટચ આપીને એને નવી બનાવી શકાય. આ જ રીતે ચણિયાચોળી પર પૅચવર્ક અને ભરતની મદદથી એને ફ્રેશ લુક આપી શકાય. જોઈએ એ બાબતે ફૅશન-ડિઝાઇનર ખુશ્બૂ આર. મુલાણીની શું સલાહ છે.

ફ્રેશ લુક

જૂનાં ચણિયાચોળીને નવો લુક આપવાના બે રસ્તા છે. એમાંથી એકમાં ચણિયાચોળીને ઍડિશનલ ડેકોરેશન કરી નવા બનાવી શકાય અને બીજી રીતમાં જૂનાં ચણિયાચોળીના પૅચ અને બૉર્ડરનો ઉપયોગ નવા પ્લેન કાપડ પર કરીને નવાં ચણિયાચોળી ડિઝાઇન કરી શકાય. આવું કરવા માટે જૂના ચણિયામાંથી બૉર્ડર અને મુખ્ય પૅચ હોય એ કાઢી લો. બીજા પ્લેન ચણિયા પર આ પૅચ અને બૉર્ડર મૂકો. હવે જો અહીં પૅચ દસ હોય અને નવો ચણિયો ૨૦ કલીનો ઘેરદાર હોય તો ઑલ્ટરનેટ કલીમાં પૅચ મૂકો અને બાકીની કલીઓમાં સાદા કૉન્ટ્રાસ્ટ મટીરિયલની પટ્ટીઓ લગાવો. હવે જ્યાં પૅચ લગાવ્યા છે એની પાછળ ઘાઘરાનું કાપડ પ્લેન હશે એટલે એ ઊઠીને દેખાશે.

પ્લેન કે પ્રિન્ટેડ

ઘાઘરા પ્લેન જ મટીરિયલના હોય એ જરૂરી નથી. બાટિક, બ્લૉક કે કલમકારી પ્રિન્ટના ઘાઘરા પણ પહેરી શકાય. પ્રિન્ટેડ ઘાઘરા પર પૅચ લગાવો ત્યારે પૅચ પ્લેન કાપડની લાઇનિંગ સાથે મૂકવા તેમ જ તેની ફરતે સિલ્વર તુઇ લગાવવી. બૉર્ડર લગાવતી વખતે પણ આ જ ધ્યાનમાં રાખવું. આ રીતે પોતાના જ ડિઝાઇનર બનશો તો નવી સ્ટાઇલનો ઘાઘરો ડિઝાઇન કરી શકશો.

વર્ક વાઇઝ

કોડી અને ઊનનાં ફૂમતાં હવે કમ્પ્લીટ્લી આઉટ છે. આ વર્ષે કચ્છી ભરત અને આરી વર્ક હિટ રહેવાનું છે. આ બન્ને વર્ક કર્યા બાદ દેખાવમાં સુંદર લાગે છે. ફરક એટલો જ છે કે કચ્છી વર્ક કર્યા બાદ ગાર્મેન્ટનું વજન થોડું વધી જાય છે, જ્યારે આરી વર્ક હલકું-ફૂલકું હોય છે. આરી વર્ક કરાવી શકાય અથવા એના બૉર્ડર અને નેકના પૅચ તૈયાર પણ મળે છે જે ડાયરેક્ટ ચોલી પર લગાવી શકાય.

જો ટેલરને નેકની ડિઝાઇન બનાવતાં ન આવડે તો આ પૅચ લગાવતાં એ સુંદર લાગશે. આરી વર્કમાં ઝીણું મિરરવર્ક હોય છે અને કચ્છી વર્કમાં થોડી મોટી પૅટર્ન સાથેનું મિરરવર્ક હોય છે. રંગબેરંગી દોરાથી કરેલું કચ્છી વર્ક ઘાઘરા પર ખરેખર શોભી ઊઠશે.

ચોલી અને દુપટ્ટો


નવરાત્રિમાં ઘાઘરાનો લુક મુખ્ય હોય છે, પરંતુ ચોલીની ડિઝાઇન અને દુપટ્ટો પણ મહત્વનો છે. ચોલીને હેવી વર્કવાળી બનાવો. ઘાઘરામાં હોય એવા મૅચિંગ પૅચ ચોલીમાં પણ લગાવી શકાય. આ જ રીતે દુપટ્ટા માટે હેવી બૉર્ડર પસંદ કરવી. ઘાઘરામાં હોય એવી જ બૉર્ડર દુપટ્ટામાં લગાવી શકાય. ગરબા રમવાના જ હો તો વધુ મોટા લટકણ વગેરે દુપટ્ટામાં ન લગાવવાં, કારણ કે એનું વજન રમવામાં બાધારૂપ બનશે. વર્ક હેવી હોવું જોઈએ પણ ફક્ત લુકમાં. વજનમાં હલકો હોય એવો ડ્રેસ હશે તો રમવું કમ્ફર્ટેબલ બનશે.

સિલ્ક અને નેટ

સિલ્ક, શિમર અને નેટનાં ઘાઘરા-ચોલી પણ ઇન છે. સિલ્ક અને ટિશ્યુના મટીરિયલ પર આવા જ કચ્છી વર્કના પૅચ લગાવેલાં ચણિયાચોળી સુંદર લુક આપશે. નવરાત્રિમાં પાર્ટીમાં જવાનું હોય કે ફક્ત નવરાત્રિમાં ફુલ ડ્રેસ-અપ કરીને ગરબા જોવા જવાનો શોખ હોય તો આવાં ચણિયાચોળી પહેરી શકાય.

ઍડિશનલ સુશોભન


ચણિયાચોળીને ડેકોરેટિવ બનાવવામાં લિમિટ પણ જરૂરી છે, કારણ કે વધુપડતું હશે તો એ સારું નહીં લાગે. નવરાત્રિમાં પહેરવાના ઘાઘરા ભીડમાં હાઇલાઇટ થાય એવા હોય એ જરૂરી છે, પણ ભડકાઉ ન લાગવા જોઈએ. હજીયે ઘણા લોકો મોટાં આભલાં, રંગબેરંગી ઊનનાં ફૂમતાં અને કોડીઓનો ઉપયોગ ચણિયાચોળીમાં કરે છે જે આઉટડેટેડ છે. જો હાઇલાઇટ કરવા જ હોય તો ચણિયાચોળીને સિલ્વર અને ગોલ્ડન તુઇ તેમ જ પૅચથી હાઇલાઇટ કરો. એ સુંદર પણ લાગશે અને ભડકાઉ નહીં દેખાય.