ઑઇલી સ્કિનની સંભાળ

25 September, 2012 05:49 AM IST  | 

ઑઇલી સ્કિનની સંભાળ



ત્વચા ખૂબ તૈલી હોય તો એ પોતાની સાથે બીજી કેટલીયે તકલીફો લઈને આવે છે. ઑઇલી સ્કિન પર ખીલ પણ ઝડપથી થાય છે. આવી ત્વચા પર ગમે એટલો સારો મેક-અપ કયોર્ હોય તોય એ થોડો ડલ જ લાગે છે. જો બપોરનો સમય હશે તો હીટને લીધે વધુ તેલ ઝરશે. હવે મીટિંગ કે આઉટિંગ પર જવાનું છે અને ઘરની બહાર નીકળતાંની સાથે જ ત્વચાની હાલત ખરાબ થઈ જાય એવામાં આ કેટલીક ચીજો સાથે રાખવાથી ફાયદો થશે.

ફેસ મિસ્ટ

સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે તેમ જ હંમેશાં ફ્રેશ રહેવા માટે ફેસ મિસ્ટ બેસ્ટ પ્રોડક્ટ છે. હવે મોટા ભાગની કૉસ્મેટિક બ્રૅન્ડ્સ પોતાનું ફેસ મિસ્ટ બનાવે છે, જેને ચહેરા પર છાંટતાં તાજગી અનુભવાય છે. આ ફેસ મિસ્ટમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વો હોય છે. આ બીજું કંઈ નહીં, પણ ચહેરાને ઠંડક આપે છે અને ફ્રેશ રાખે છે. ઘરે જ જો ફેસ મિસ્ટ તૈયાર કરવું હોય તો ગુલાબજળને સ્પ્રે બૉટલમાં ભરી દો. જ્યારે જરૂર પડે ત્યારે ચહેરા પર એ છાંટો.

ઑઇલ બ્લોટર્સ


આ એક ખાસ પ્રકારના કાગળના ટુકડા હોય છે, જે તેલને ઍબ્સૉર્બ કરી શકે એવા સ્પેશ્યલ મટીરિયલમાંથી બનેલા હોય છે. આ પેપર બૅગમાં રાખી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે ચહેરા પર થપથપાવવાથી ચહેરો ઑઇલ-ફ્રી બનશે. કૉસ્મેટિક બ્રૅન્ડ્સ ઑઇલ બ્લોટર્સ બનાવે છે.

કૉમ્પૅક્ટ


ક્લીન, સ્મૂધ અને ફ્રેશ લુક માટે હંમેશાં પોતાની સાથે કૉમ્પૅક્ટ પાઉડર રાખો. ટચ-અપ્સ માટે કામ આવશે. હવે એવા કૉમ્પૅક્ટસ પણ મળે છે, જેમાં સન પ્રોટેક્શન ફૅક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. મિનિમમ એસપીએફ ૧૫વાળું કૉમ્પૅક્ટ વાપરવું. કૉમ્પૅક્ટમાં સ્કિન-ટોન પ્રમાણે શેડ પણ પસંદ કરી શકાય છે. કેટલાક કૉમ્પૅક્ટ બ્રૉન્ઝ અને પર્લી ફિનિશ પણ આપશે.

લિપબામ


લિપસ્ટિકથી હોઠ સુકાઈ જાય છે. માટે લિપસ્ટિક કરતાં લિપબામ વાપરવો વધુ સલાહભર્યું છે. હંમેશાં પોતાની સાથે બૅગમાં એક લિપબામ રાખવો. લિપબામથી તડકાને લીધે થયેલી હોઠની કાળાશ પણ દૂર થાય છે. લિપબામમાં ફ્રૂટી ફ્લેવર્સ મળી રહે છે, જે ટેસ્ટી લાગે છે, પરંતુ એને ખાઈ જવાની જરૂર નથી. લિપગ્લોસ જેવા ટિન્ટેડ લિપબામનો પણ વપરાશ કરી શકાય. લિપબામથી લુક ફ્રેશ લાગે છે તેમ જ કોઇ મેક-અપ કયોર્ છે એવું જણાઈ આવતું નથી.

આઇ શૅડો

આંખોને હાઇલાઇટ કરવાનો સૌથી સારો ઉપાય એ જ છે કે એને કોઈ બ્રાઇટ શૅડોથી હાઇલાઇટ કરવામાં આવે. કાજલથી પણ આંખો ફ્રેશ લાગે છે. બ્લુ, સી ગ્રીન, લાઇટ પિન્ક, પીચ જેવા શેડ્સ આંખો પર ફ્રેશ લાગશે. આ સીઝનમાં ઑરેન્જ, ગ્રીન અને યલોના બ્રાઇટ શેડ્સ ટ્રેન્ડમાં છે. ચહેરો ફ્રેશ લાગે એમાં આંખો ખૂબ મોટો ભાગ ભજવે છે. આઇ શૅડો હંમેશાં પાઉડર-બેઝ્ડ વાપરવા, કારણ કે ઑઇલી સ્કિન પર ક્રીમ-બેઝ્ડ આઇ શૅડો વધુ તૈલીય લાગશે.

ફાયદો પણ છે

ઑઇલી સ્કિનનો પ્રૉબ્લેમ હોય તો એના ફાયદા પણ ઘણા છે અને ખૂબ મહત્વના છે. તૈલીય ત્વચામાં હંમેશાં એક નૅચરલ ચમક હોય છે, જે ડ્રાય સ્કિનમાં ક્યારેય નથી આવી શકતી. આ સિવાય તૈલીય ત્વચા પર વૃદ્ધત્વ પણ વહેલું નથી આવતું. ઑઇલી સ્કિન ધરાવતા લોકોને કરચલી અને ફાઇન લાઇન્સની તકલીફ ખૂબ મોડી થાય છે.