ત્વચાને નિખારતી ટૉપ ફાઇવ નૅચરલ વસ્તુઓ

16 November, 2012 06:59 AM IST  | 

ત્વચાને નિખારતી ટૉપ ફાઇવ નૅચરલ વસ્તુઓ



એવકાડો

વિટામિન એ અને ગ્લુટામાઇન જેમાં ભરપૂર છે એવા આ ફળનું મૉઇસ્ચરાઇઝર ચામડી તથા વાળને સ્વસ્થ કરી નિખારે છે. એનો પૅક સ્કિનને ગ્લો આપે છે.

રીત : એક અથવા બે એવકાડોને છૂંદી એમાં મધ અથવા તો એસેન્શિયલ ઑઇલ મિક્સ કરી ચહેરા પર અથવા હાથ કે પગની ચામડી પર લગાવી ૨૦થી ૩૦ મિનિટ રહેવા દો. હૂંફાળા પાણીથી આ પૅકને ધોઈ લો.

ટી ટ્રી ઑઇલ


ઍન્ટિસેપ્ટિક તથા ચામડીને ક્લીન કરવાના ગુણો હોવાને કારણે જે લોકોની ચામડી અવારનવાર તરડાઈ જતી હોય તેમના માટે એ શ્રેષ્ઠ છે. ક્લિન્ઝર તરીકે વાપરી શકાય છે, ચામડીનાં બંધ છિદ્રો ખોલી નાખે છે, સ્કિન પરના બૅક્ટેરિયા દૂર કરે છે અને સ્કિનને કોઈ જાતનું નુકસાન પહોંચાડ્યા સિવાય ડેડ સેલ દૂર કરે છે. આ ઑઇલ એન્ટિ-ઑક્સિડન્ટનું પણ કામ કરે છે અને શરીરનાં એ કેમિકલ્સને વધારે છે, જેનાથી ચામડી તરોતાજા રહે.

રીત : અલોવેરાના રસમાં થોડાં ટીપાં ટી ટ્રી ઓઇલ મેળવી સ્કિન પર લગાવો. એક કલાક પછી એ ધોઈ લો. ટી ટ્રી ઑઇલ ડૅન્ડ્રફ પણ દૂર કરે છે. ઑઇલનાં થોડાં ટીપાં પાણીમાં નાખી વાળને શૅમ્પૂ કર્યા પછી બરાબર ધોઈ લો પછી લગાવો.

નાળિયેરનું તેલ

સરળતાથી મળતું આ બેસ્ટ કુદરતી મૉઇસ્ચરાઇઝર છે. આ તેલની એક વિશેષતા છે કે એ ચામડીમાં અને માથામાં ઊતરી જઈ શકે છે, એટલું જ નહીં, એ લગાવવાથી મૉઇસ્ચર ચામડીના ઉપરના પડમાં બરાબર જળવાઈ રહે છે. કોપરાના તેલમાં ચામડીને નિખારવાના અને કરચલી થતી અટકાવવાના ગુણ છે.

રીત : શાવર લેતાં પહેલાં શરીર પર હળવા હાથે આ તેલની માલિશ કરી હશે તો સાબુ કે શાવર જેલથી સ્નાન કર્યા પછી પણ ચામડીને સૂકી નહીં થાય. દસ મિનિટ તેલની ચંપી કરી વાળને શૅમ્પૂ કરો પછી એનો ફાયદો જુઓ.

ગ્રીન ટીનું અર્ક

લીલી ચાના અર્કમાં રહેલું ટેનિન નામનું કૅમિકલ ચામડીને સ્મૂધ કરવાનું કામ કરે છે. તે સ્કિનને જલન અને ઇરિટેશનથી બચાવે છે. રિસર્ચરોનું એવું પણ કહેવું છે કે ગ્રીન ટી ચામડીને યુવી રેડિયેશનથી થતા નુકસાનથી બચાવે છે. એના ઉપયોગથી ચામડીની એજિંગ પ્રોસેસ ધીમી પડે છે.

રીત : લીલી ચાને ઉકાળો, ઠંડી કરી ટોનર તરીકે યુઝ કરો. આ ઉકાળાને ઓટના લોટમાં મિક્સ કરી માસ્કની જેમ લગાવો. અડધો કલાક પછી ધોઈ નાખો. દરેક પ્રકારની સ્કિન માટે એ ઉપયોગી છે.

ઓટનો લોટ

બળતરા સામે રક્ષણ પૂરું પાડવાના ગુણ આ આટામાં છે. ક્લિન્ઝિંગ એજન્ટ અને મૉઇસ્ચરાઇઝરનું કામ પણ એ કરે છે.

રીત: ઓટને દળી એમાં એગવાઇટ, લીંબુનો રસ અને રોઝવોટર મિક્સ કરી ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ પછી ધોઈ લો ઑઇલી સ્કિન માટે એ ઘણું સારું કામ કરશે.