બૅટમૅન કહીને મને બોલાવે છે મારી ગર્લફ્રેન્ડ

24 December, 2015 05:14 AM IST  | 

બૅટમૅન કહીને મને બોલાવે છે મારી ગર્લફ્રેન્ડ



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

ફિલ્મ ‘લવ એક્સપ્રેસ’થી પોતાની કરીઅરની શરૂઆત કરનારા સાહિલ મેહતાએ આજે સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘સુહાની સી એક લડકી’માં યુવરાજનું પાત્ર ભજવીને બધાને પોતાની તરફ અટ્રૅક્ટ કર્યા છે. તેની ઍક્ટિંગ અને ગુડ લુક્સને કારણે તેણે એક જ સિરિયલથી દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અને પોતાના ફેવરિટ ઍક્ટરની લાઇફ-સ્ટાઇલ વિશે જાણવાની ઉત્સુકતા કોને ન હોય? તો ચાલો જાણીએ સાહિલ મેહતાની લાઇફ-સ્ટાઇલ વિશે.

ક્રૉસ ફંક્શનલ ટ્રેઇનિંગ

સાહિલ પોતાને ફિટ રાખવા માટે જિમમાં નથી જતો, પણ તે એક એવી એક્સરસાઇઝ કરે છે જેને ક્રૉસ ફંક્શનલ ટ્રેઇનિંગ કહે છે. એમાં શું હોય છે એ જણાવતાં સાહિલ કહે છે, ‘આ એક કાર્ડિઍક-બેઝ્ડ એક્સરસાઇઝ છે જે તમારી મૂવમેન્ટ પર બેઝ્ડ છે. વર્સોવામાં એક સ્ટુડિયો છે જ્યાં આ એક્સરસાઇઝ થાય છે. એમાં ફુટબૉલના પ્લેયર જે રીતે એક્સરસાઇઝ કરે છે એ જ એક્સરસાઇઝ હોય છે. બીજું, આમાં આર્ટિફિશ્યલ રૉક ક્લાઇમ્બિંગ પણ હોય છે, વેઇટલિફ્ટિંગ હોય છે. આ એક જિમ-ફ્રી એક્સરસાઇઝ છે.’

અઠવાડિયામાં ચાર વાર એક્સરસાઇઝ કરવા સાહિલ વર્સોવાના એ સ્ટુડિયોમાં જાય છે. એક્સરસાઇઝ માટે તે સવારે સાડાછ વાગ્યે ઊઠી જાય છે. તેની એક્સરસાઇઝ એક કલાક ચાલે છે. એ પછી નવ વાગ્યે તે શૂટ પર જાય છે. તે બની શકે તો સેટનું જમવાનું નથી જમતો, પણ ઘરેથી ટિફિન બનાવીને લઈ જાય છે. સાહિલનો કોઈ ડાયટ-પ્લાન નથી. બસ, લિમિટમાં જમવાનું એ જ તેનો ડાયટ-પ્લાન છે. તે જે પણ ખાય એ વધારે નથી ખાતો.

બ્લૅક કલર

નૉર્મલી કોઈ એમ પૂછે કે તમારો મનપસંદ કલર કયો? તો નૉર્મલી બધા જવાબ આપે રેડ, યલો કે પછી ગ્રીન વગેરે. પણ બહુ ઓછા લોકો બ્લૅક કલરને પસંદ કરે છે. કેમ કે ઘણા લોકો બ્લૅક કલરને અપશુકન માને છે. પણ સાહિલ મહેતાને તમે પૂછો કે તારો ફેવરિટ કલર કયો છે? તો તે તમને કહેશે, બ્લૅક. તે કહે છે, ‘મારો ફેવરિટ કલર બ્લૅક છે. મારી ગાડી, મારાં કપડાં, મારી બૅગ, મારી ઘડિયાળ ત્યાં સુધી કે મારા ઘરનું ઇન્ટીરિયર પણ બ્લૅક છે. મને તમે કોઈ પણ ફંક્શનમાં જુઓ તો હું તમને બ્લૅકમાં જ દેખાઈશ. મારી ગર્લફ્રેન્ડ મને બૅટમૅન કહીને જ બોલાવે છે.’ સાહિલના વૉર્ડરોબમાં ૯૦ ટકા કપડાં બ્લૅક કલરનાં છે.

શોખ


સાહિલને ઘડિયાળ અને જૅકેટ્સનો ગાંડો શોખ છે. તે કહે છે, ‘મને ઘડિયાળનો ગાંડો શોખ છે. મારી પાસે અત્યારે ૧૫થી વધારે ઘડિયાળ છે. એ પણ મારી ચૉઇસની. હું ઘડિયાળના મામલામાં બહુ ચૂઝી છું એટલે મને કોઈ ગિફ્ટમાં ઘડિયાળ નથી આપતું, કેમ કે મારા જે નજીકના છે તેમને ખબર છે કે હું ઘડિયાળના મામલામાં કેટલો કૉન્શિયસ છું. જે મને ઓળખે છે તેમને ખબર છે કે ગિફ્ટ મારી પસંદની હોય તો જ મને ગમે છે. બીજાની પસંદ મને નથી ગમતી. ઘડિયાળની જેમ મને જૅકેટ્સનો પણ બહુ શોખ છે. મારા વૉર્ડરોબમાં ઓછાંમાં ઓછાં ૧૫થી ૨૦ જૅકેટ્સ છે. લેધરનાં જૅકેટ તો મુંબઈમાં પહેરી ન શકાય એટલે મારી પાસે ફો લેધર મટીરિયલનાં જૅકેટ્સ છે જે પહેરવામાં પણ હલકાં છે અને મુંબઈમાં પણ પહેરી શકાય.’