ફરી ઊગ્યું છે મૂછકલ્ચર

30 December, 2011 06:31 AM IST  | 

ફરી ઊગ્યું છે મૂછકલ્ચર



એક દાયકાથી પણ વધારે સમયથી ઓછો થઈ ગયેલો મૂછનો ટ્રેન્ડ બૉલીવુડની મહેરબાનીથી પાછો આવી રહ્યો છે. એક સમય હતો, જ્યારે પુરુષના મોઢા પર મૂછ ન હોય તો તેની મજાક થતી અથવા તે મૂછ ફક્ત ત્યારે જ કઢાવતો જ્યારે કોઈ અમંગળ ઘટના થઈ હોય. એ ભરાવદાર મૂછ થોડી-થોડી કરતાં એટલી ઓછી થઈ ગઈ કે એક દાયકો એવો હતો જ્યારે પુરુષ એકાદ-બે દિવસની ઊગેલી મૂછ પણ રાખતો નહોતો અને જો મૂછ રાખી હોય તો તેને ઉંમર લાયક અથવા ગામડિયામાં તેની ગણતરી થતી, પણ હવે એવું નથી રહ્યું. આ મૂછ ફરી પાછી ઊગી નીકળી હોય એમ ફૅશનમાં આવતી જણાઈ રહી છે.

ભારતમાં કોઈ પણ વસ્તુ ત્યારે જ ફૅશનમાં આવી ગણાય, જ્યારે એ કોઈ ફિલ્મી કલાકાર દ્વારા વાપરવામાં કે અનુસરવામાં આવે. એકાદ-બે વર્ષથી આ મૂછનો ટ્રેન્ડ બૉલીવુડમાં જોવામાં આવી રહ્યો છે અને તેને લોકો બહોળા પ્રમાણમાં આવકારી પણ રહ્યા છે જેની ખાતરી એ ફિલ્મ કે કૅરૅક્ટરની સફળતાથી ખ્યાલમાં આવે છે. એક સમય પહેલાં તો કોઈ છોકરીને પણ તેના ફ્રેન્ડ કે બૉયફ્રેન્ડે રાખેલી થોડી ઘણી મૂછ પણ નહોતી ગમતી, પણ હવે તો એ પણ કહે છે કે ‘યુ આર લુકિંગ મૅચો ડુડ’.

‘મંગલ પાંડે’ની તાવ ચડાવેલી મૂછથી લઈને ‘મૌસમ’ ને ‘દબંગ’ની તલવાર કટ, ‘સિંઘમ’ની બાજીરાવ સ્ટાઇલ, ‘ધ ડર્ટી પિક્ચર’ (તુષાર કપૂર), ‘આરક્ષણ’ ને ‘રબ ને બનાદી જોડી’ની ભોળી મૂછ કે પછી ‘ધ ડર્ટી પિક્ચર’ (નસિરુદ્દીન શાહ) અને ‘જોધા અકબર’ની પેન્સિલ કટ, ઇમરાન હાશ્મી (‘ધ ડર્ટી પિક્ચર’) હૉર્સ શૂ ટાઇપ હોય કે પછી અમિતાભ બચ્ચન જેવી ફ્રેન્ચ કટ સાથેની મૂછ હોય. બધી જ મૂછ પાણીદાર છે. તો તમે કઈ મૂછ રાખી રહ્યા છો તમારી પર્સનાલિટીને અનુરૂપ?