"પર્સનાલિટી પ્રમાણે ડ્રેસિંગ હોવું જોઈએ"

09 October, 2012 05:58 AM IST  | 

"પર્સનાલિટી પ્રમાણે ડ્રેસિંગ હોવું જોઈએ"



અર્પણા ચોટલિયા

સબ ટીવી પર શરૂ થયેલી સિરિયલ ‘બાલવીર’માં ભયાનક પરીના રોલથી ટીવી-ઇન્ડસ્ટ્રીમાં કમબૅક કરનારી શમા સિકંદર ખરેખર ખૂબ ફૅશનેબલ છે. તેના મતે તો ફૅશન તેનો બીજો સ્વભાવ છે. શમા ફૅશન-એક્સપર્ટ પણ છે અને તેણે સાયશા નામની વુમન ક્લોધિંગની એક બ્રૅન્ડ પણ શરૂ કરી છે. એક ઍક્ટ્રેસ તરીકેની કરીઅરમાં તેને ફૅશન, શૉપિંગ અને ડ્રેસિંગનું કેટલું સારું જ્ઞાન મળ્યું છે એ વિશેની વાતો તે આજે શૅર કરે છે આપણી સાથે.

ફૅશન એટલે...

મારા મતે ફૅશન એટલે કમ્ફર્ટેબલ લાગવું. તમે જે પહેર્યું હોય એમાં પોતાને કમ્ફર્ટેબલ ફીલ કરો તો એ તમારી ફૅશન છે. ઍક્ટ્રેસ તરીકેની કરીઅરમાં મને ફૅશન વિશે ખૂબ જાણવા મળ્યું છે, કારણ કે આ પ્રોફેશનમાં હંમેશાં ફૅશન અને સ્ટાઇલિંગ સાથે સંકળાયેલા રહેવું પડે છે. જે પહેરો એમાં તમારી પર્સનાલિટી વધુ નિખરવી જોઈએ.

પર્સનાલિટી પ્રમાણે ડ્રેસિંગ

મારા મતે ડ્રેસિંગ તમે પોતે જેવા છો એ પ્રમાણે કરવું જોઈએ. જો તમારો સ્વભાવ શાંત હશે અને તમે સિમ્પલ સ્વભાવના હશો તો ખૂબ ભડકીલાં અને બોલ્ડ કપડાં તમને નહીં શોભે, પરંતુ જો તમે ખરેખર એવા હો તો બિનધાસ્ત થઈને એવું ડ્રેસિંગ કરો. મને સિમ્પલ પણ સુંદર લાગે એવું ડ્રેસિંગ કરવું પસંદ છે. વધુપડતી ચમક કે ભડકાઉ ડિઝાઇન પહેરવી મારા સ્વભાવમાં નથી. હું જે પહેરું એમાં પૅટર્ન પર વધુ ધ્યાન આપું છું. વધુપડતું વર્ક કે એમ્બ્રોઇડરી કરેલું હોય એવું નથી ગમતું.

મારું ફેવરિટ

મને ગાઉન્સ પહેરવા ખૂબ ગમે છે. કોઈ ફૉર્મલ ઇવેન્ટમાં જવાનું હોય ત્યારે હું ગાઉન જ પહેરું. એ સિવાય મને શૉર્ટ ડ્રેસિસ પણ પહેરવા પસંદ છે. બાકીના સમયે હું કમ્ફર્ટેબલ એવા જીન્સ અને ટી-શર્ટમાં જ જોવા મળીશ. હું મારાં કપડાં જાતે જ પસંદ કરું છું. મારી સનશાઇન લિયો છે એટલે એના પ્રમાણે મને રેડ, ઑરેન્જ, યલો જેવા ફાયરી શેડ્સ વધુ પસંદ છે. મારા વૉર્ડરોબમાં આ જ રંગો વધુ જોવા મળશે. રેગ્યુલર કપડાંની વાત આવે ત્યાં હું બહુ બ્રૅન્ડેડ પર્સન તો નથી; પરંતુ જીન્સ હંમેશાં બ્રૅન્ડેડ જ ખરીદવાનું પસંદ કરું છું, કારણ કે એનું ફિટિંગ આરામદાયક હોય છે.

શૉપોહોલિક

રોહિત બાલ ઇન્ડિયન ડિઝાઇનરમાં મારા ફેવરિટ છે. બાકી મને એલિસાબ તેમ જ જ્યોં પૉલ ગૉતીએની ડિઝાઇન્સ ખૂબ ગમે છે. હું કમ્પ્લીટ શૉપોહોલિક છું. મને જે પણ ડ્રેસ ખરીદું એની સાથે સૂટ થાય એવાં શૂઝ, બૅગ અને બાકીની ઍક્સેસરીઝ જોઈતાં જ હોય છે. મારા બધા ફ્રેન્ડ્સ પણ મને મારા શૉનિંગને લઈને ખૂબ સવાલો પૂછ્યાં કરતા હોય છે. ઇસ્તનબુલ, દુબઈ અને લંડન મારાં ફેવરિટ શૉપિંગ ડેસ્ટિનેશન્સ છે. મને સ્ટ્રીટ-શૉપિંગ પણ પસંદ છે, પરંતુ મુંબઈ કરતાં દિલ્હીની ફૅશનસેન્સ મને વધુ ગમે છે. ભલે ત્યાંના લોકો થોડું ચમકીલું પહેરે છે, પણ ફૅશનની સમજ ત્યાંના લોકોને આપણા કરતાં ખરેખર વધુ હોય છે.

ઍક્સેસરીઝનો શોખ

મને બધી જ ઍક્સેસરીઝનો શોખ છે. બૅગ્સ, શૂઝ અને વૉચિસ તો મારી પાસે અગણિત છે. મને બૂટ પહેરવાનું ખૂબ પસંદ છે. શૉર્ટ ડ્રેસિસ કે જીન્સ સાથે બૂટ સારા લાગે છે. જોકે આપણે ત્યાં બૂટ પહેરી શકાય એ ટાઇપનું વાતાવરણ જ નથી હોતું. આ સિવાય મને સ્ટ્રેપી હાઇ હીલ સ્ટિલેટો પણ પહેરવા ગમે છે. એમાં પગ લાંબા અને સેક્સી લાગે છે. આવા ફૂટવેઅરથી આખું બૉડી-પૉસ્ચર સુંદર લાગે છે. મને મોંઘી ઘડિયાળોનો પણ ખૂબ શોખ છે.

સ્માઇલ પ્લીઝ

તમે ગમે એવાં કપડાં પહેરો એ ચાલશે, પણ એની સાથે ચહેરા પર જો સ્માઇલ નહીં હોય તો નહીં ચાલે. માટે હંમેશાં ચહેરા પર મોટું સ્માઇલ રાખો જેથી ખબર પડે કે તમે જે પહેર્યું છે એમાં તમારું હાર્ટ અને સોલ ખુશ છે.