મૉકસિન શૂઝ કમ્ફર્ટ આપે છે

01 October, 2012 06:19 AM IST  | 

મૉકસિન શૂઝ કમ્ફર્ટ આપે છે



જો તમે ફૉર્મલ લેસવાળાં શૂઝના ચાહક હો તો પણ આ શૂઝ તમને ગમી જાય એવાં છે, કારણ કે એમાં અજુગતું કે ફન્કી લાગે એવું કશું નથી. મૉકસિન શૂઝ કૅઝ્યુઅલ શૂઝ તરીકે વધુ શોભનીય છે. આ શૂઝનો કૉન્સેપ્ટ ફક્ત ઘરમાં પહેરવાનાં શૂઝ તરીકે જ બનાવાયો હતો. જોકે હવે લોકો આને બધે જ પહેરવા લાગ્યા છે. તાજેતરમાં સિદ્ધાર્થ માલ્યા એક મૅગેઝિનની પાર્ટીમાં આવાં જ મરુન વેલ્વેટનાં શૂઝ પહેરીને આવ્યો હતો. યંગ પ્રોફેશનલ્સ માટે સેમી કૅઝ્યુઅલ વેઅર તરીકે મૉકસિન ખૂબ ઝડપથી લોકપ્રિય બની રહ્યાં છે. જોઈએ કઈ રીતે અને ક્યારે પહેરી શકાય આ મૉકસિન શૂઝ.

ક્યાં પહેરશો?

મૉકસિનને બ્લુ જીન્સ અથવા ટાઇટ પૅન્ટ્સ, ખાખી પૅન્ટ્સ કે બીજા કૅઝ્યુઅલ વેઅર સાથે પહેરી શકાય. મૉકસિન પર્હેયા બાદ વધુ કાદવ કે માટીવાળી જમીન પર ચાલવું નહીં, કારણ કે મૉકસિનનું સોલ ખૂબ પાતળું હોય છે એટલે એ વધુ રફલી વાપરી શકાતાં નથી. પથરાળ જમીન પર પહેરવા માટે પણ મૉકસિન સારી ચૉઇસ નથી. આ શૂઝ રેડ કાર્પેટ ઇવેન્ટ, ઇનહાઉસ કે લાઉન્જ પાર્ટીમાં પહેરી શકાય.

પ્રસંગોપાત્ત

મૉકસિનને કૅઝ્યુઅલ પાર્ટી કે આઉટિંગ માટે પહેરી શકાય. ફિલ્મ જોવા જાઓ ત્યારે કે ઇનફૉર્મલ ગૅધરિંગ માટે આ શૂઝ બેસ્ટ છે. આ શૂઝ પહેરો ત્યારે હવામાનની આગાહી જરૂર જાણી લેજો, કારણ કે જો વરસાદ આવશે તો શૂઝ અને પગ બન્નેની હાલત ખરાબ થશે. આ શૂઝ મોટા ભાગે જુદી-જુદી ટાઇપનાં લેધરનાં બને છે એટલે એને સાફ અને સૂકાં રાખવા જરૂરી છે. જો મૉકસિન ભીનાં થાય તો એને તરત કોરા કપડાથી લૂછી લેવાં.

સૉક્સ નહીં

મૉકસિન કૅઝ્યુઅલ શૂઝ છે અને એની સાથે સૉક્સ પહેરવામાં નથી આવતાં. આ શૂઝ ઍન્કલ લેન્ગ્થનાં કે ટાઇટ ફિટ પૅન્ટ્સ સાથે પહેરાય છે એટલે જો સૉક્સ પહેરશો તો એ બેહૂદું લાગશે. શૂઝમાંથી દુર્ગંધ ન આવે એ માટે નિયમિતપણે પગમાં ફૂટ પાઉડર લગાવતાં રહેવું.

મૉકસિન એટલે શું?


મૉકસિનનો અર્થ છે હરણના કે બીજા સૉફ્ટ ચામડામાંથી બનેલાં શૂઝ. આ શૂઝ એક જ આખા ટુકડામાંથી બનાવવામાં આવે છે જેમાં સોલ અને ઉપરના ભાગને એકસાથે જોડી લેવામાં આવે છે. સોલ ર્સાફ્ટ અને ફ્લેક્સિબલ હોય છે. આ શૂઝ ઘરમાં પહેરવા માટે બન્યાં હતાં, પણ લોકો એને બહાર પણ પહેરતા થયા. ઇતિહાસ કહે છે કે નૉર્થ અમેરીકામાં શિકારી તેમ જ વેપારીઓ આ શૂઝ પહેરતા. તેમ જ યુરોપના લોકોએ પણ આ શૂઝ પહેર્યાં હતાં.

ટિપ્સ

મૉકસિનને યોગ્ય શૂ-ક્લીનરથી સાફ કરવાં તેમ જ જે-તે લેધર માટે બનેલી પૉલિશથી જ પૉલિશ કરવાં. આના માટે તમે જ્યાંથી શૂ ખરીદો ત્યાંથી સલાહ લઈ શકો છો.

વર્ષમાં ત્રણથી ચાર વાર મૉકસિનને લેધર કન્ડિશનરથી ઘસો જેથી એ સૉફ્ટ અને મૉઇસ્ચરાઇઝ્ડ રહે. લેધર જેમ જૂનું થાય એમ કડક બનતું જાય છે એટલે લેધર કન્ડિશનર એને સૉફ્ટ બનાવવામાં મદદ કરશે.

મૉકસિન ફૉર્મલ વેઅર માટે છે જ નહીં એટલે એને ઑફિસમાં પહેરવાની ભૂલ ન કરવી. તેમ જ આ શૂઝને કમ્પ્લીટ ફૉર્મલ વેઅર પર ન પહેરવાં.