પુરુષોએ કેવાં સ્વેટર પહેરવાં?

26 November, 2012 06:33 AM IST  | 

પુરુષોએ કેવાં સ્વેટર પહેરવાં?



પુરુષો માટે પણ સ્વેટરમાં અનેક પૅટર્ન અને ડિઝાઇનો હવે મળવા લાગી છે. ઊનનાં સ્વેટર સિવાય હવે જૅકેટ્સ, પાતળા થર્મલવેઅર અને લેધર બાઇકર જૅકેટનો પણ સમાવેશ યુવકો હવે વિન્ટરવેઅરમાં કરવા લાગ્યા છે. સ્ત્રીઓ સ્વેટરમાં જે રંગ અને ડિઝાઇન પહેરી શકે એ પુરુષો નહીં. માટે જોઈએ સ્વેટર સિલેક્ટ કરતા સમયે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

સ્વેટરનો રંગ


સ્વેટરનો રંગ તમે એ સ્વેટર ક્યાં પહેરવાના છો અને ક્યારે પહેરવાના છો એના પર આધાર રાખે છે. શિયાળામાં થોડા લાઇટ રંગો વધુ સારા લાગે છે, પરંતુ ફૉર્મલવેઅર સાથે સ્વેટર પહેરવું હોય તો એના પર ડાર્ક સ્વેટર સારું લાગશે. બ્રાઇટ રંગ ધ્યાન દોરે છે અને માટે જ ફૉર્મલ પ્રસંગોએ એ શોભનીય નહીં લાગે. આ જ રીતે ખૂબ જ લાઇટ રંગો પણ અવૉઇડ કરવા. બ્લૅક, વાઇટ, બેજ, રસ્ટ, નેવી જેવા તટસ્થ રંગો મોટા ભાગે બધે જ સૂટ થશે.

પૅટર્ન

સિમ્પલ સિંગલ કલરના સ્લીવલેસ સ્વેટર ફૉર્મલ લાગે છે. જ્યારે પૅટર્નવાળા, સ્ટિચ કરેલા અને ઊન સિવાય કોઈ બીજા ફૅબ્રિકમાંથી બનાવેલા સ્વેટર કૅઝ્યુઅલ લુક આપે છે. આર્ગેલ નામની ચેક્સ જેવી પૅટર્ન પુરુષોનાં સ્વેટરમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ પૅટર્નની લાઇનિંગ અને રંગો અટ્રૅક્ટિવ હોય છે. આ પૅટર્નનું સ્વેટર પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ સ્વેટર તમારા આખા આઉટફિટમાં હાઇલાઇટ થશે. આ સ્વેટર કેટલાક પુરુષો એટલા માટે પણ પ્રિફર કરે છે કે એ શરીર પર ફિટ બેસે છે અને સ્લીવની લેન્ગ્થ વગેરેનો કોઈ પ્રૉબ્લેમ નથી થતો. આ સ્વેટર જીન્સ કે કૉટન પૅન્ટ સાથે ફુલ સ્લીવ શર્ટ પહેર્યું હોય એના પર પણ પહેરી શકાય. આ સિવાય હવે લોકો વુલન મટીરિયલનાં ટી-શર્ટનો પણ સ્વેટર તરીકે ઉપયોગ કરે છે જે સ્ટ્રિક્ટ્લી કૅઝ્યુઅલવેઅરમાં જ સારું લાગશે. ઝિપવાળા હૂડી જૅકેટ પણ ટી-શર્ટ સાથે સ્વેટરની જેમ પહેરી શકાય.

સ્વેટરની બનાવટ

અસલ સ્વેટર ઊનથી ગૂંથીને બનાવવામાં આવે છે જેમાં રિબ પૅટર્નવાળા સ્વેટર પ્રમાણમાં જાડા અને ટકાઉ હોય છે તેમ જ આ સ્વેટરમાં હૂંફ વધુ મળે છે. પ્લેન વુવન સ્વેટર ઓછાં ટકે છે તેમ જ એ થોડા ઠંડા પણ હોય છે, પરંતુ થોડો ડેલિકેટ લુક હોવાને કારણે એ પ્રોફેશનલ ટચ આપે છે.

ફિટિંગ


જો સ્વેટર થોડું નાનું હશે તો એ હાસ્યાસ્પદ લાગશે અને જો મોટું હશે તો મોટા ભાઈનું સ્વેટર પહેરી લીધું હોય એવો લુક આપશે. માટે જે સ્વેટર પહેરો એ બરાબર ફિટ થતું હોવું જોઈએ. દરેક બ્રૅન્ડનો સાઇઝ ચાર્ટ જુદો હોય છે, જેને કારણે એના ફિટિંગ પણ જુદાં હોય છે. સ્વેટર પહેરીને જોવું અને જો શરીર પર ફિટ બેસે તો જ ખરીદવું. જો સ્વેટર ટાઇટ હશે તો કમ્ફર્ટેબલ નહીં લાગે અને જો લુઝ હશે તો એમાં ઠંડી લાગશે. કેટલાંક સ્વેટર ગૂંથેલાં નહીં પણ સીવેલાં હોય છે, આવાં સ્વેટરને સ્લાઇટલી અલ્ટર પણ કરાવી શકાય.

સ્ટાઇલ

ગોળ નેકનું સ્વેટર ડાર્ક રંગનું હોય છે અને બૉડી પર ફિટ બેસે છે. આવાં સ્વેટરને ડાર્ક ટ્રાઉઝર સાથે પહેરી શકાય. આ સ્વેટર સ્ટાઇલિશ લુક આપે છે. આવાં સ્વેટર ક્રીએટિવ પ્રોફેશનલો વધુ પહેરે છે.

પુરુષોના સ્વેટરમાં વી નેકલાઇન કે લો-વી કટ પરફેક્ટ લાગે છે, કારણ કે કૉલરવાળા શર્ટ સાથે પહેરવામાં એ કમ્ફર્ટેબલ લાગે છે. વી નેકલાઇન ચહેરા પર ધ્યાન દોરે છે અને ચહેરો સ્લીમ લાગે છે.

પોલો નેક સ્વેટરમાં આખી ગરદન ઢંકાઈ જતી હોવાથી એમાં અંદર કોઈ શર્ટ કે ટી-શર્ટ પહેરવાની જરૂર રહેતી નથી. 

જૅકેટ


લેધરના બાઇકર જૅકેટ ઠંડીમાં હૂંફ આપશે. બાઇક પર જવાનું હોય કે કોઈ આઉટ સ્ટેશન પર ફરવા જવાના હો ત્યારે અંદરથી ફર અને બહારથી લેધર હોય એવા જૅકેટ પહેરો. લેધરનાં જૅકેટ જીન્સ અને ટી-શર્ટ સાથે પહેરતા ખૂબ સ્ટાઇલિશ લાગે છે.