હું મારી દરેક સાડી માટે બે બ્લાઉઝ બનાવડાવું છું

11 September, 2013 06:56 AM IST  | 

હું મારી દરેક સાડી માટે બે બ્લાઉઝ બનાવડાવું છું




અર્પણા ચોટલિયા


પાતળી પટ્ટીઓવાળાં અને ક્લીવેજ દેખાડતાં ડીપ નેક બ્લાઉઝ મંદિરા બેદીની જાણે ઓળખ બની ગયાં છે. હકીકત તો એ છે કે મંદિરાને સાડીઓ સાથે અપાર પ્રેમ છે. તેનું કહેવું છે કે જ્યારે પણ તેને બેસ્ટ દેખાવું હોય ત્યારે તે સાડી જ પહેરવાનું પસંદ કરે છે. તાજેતરમાં યોજાયેલા અરાઇશ ટ&ઝો નામના એક એક્ઝિબિશનમાં મંદિરાએ પોતે ડિઝાઇન કરેલી સાડીઓ લૉન્ચ કરી. તેને સાડી ડિઝાઇન કરવાનો આઇડિયા કેવી રીતે આવ્યો અને સાડીમાં તેની ચૉઇસ શું છે એ જાણીએ તેના જ શબ્દોમાં.

મારું કલેક્શન

શૉર્ટ ડ્રેસ અને ગાઉન પહેરી શકાય એવું ફિગર દરેક સ્ત્રીનું નથી હોતું; પરંતુ સાડી એક એવું ગાર્મેન્ટ છે જે દરેક ફિગર ટાઇપ, હાઇટ અને કૉમ્પ્લેક્શનને સૂટ થાય છે અને માટે જ સાડી મારી ફેવરિટ છે. મારા આ શોખને લીધે જ એક વાર હું ફૅબ્રિક્સના સ્ટોરમાં ગઈ અને ત્રણ-ચાર ટાઇપનાં ફૅબ્રિક લઈને એમાંથી પોતાના માટે સાડી બનાવવાનું નક્કી કર્યું. બનાવી અને એ ખૂબ સારી બની. ટિશ્યુ જ્યૉર્જેટના ફૅબ્રિકમાં પીચ, વાઇટ અને ગોલ્ડની બૉર્ડર લગાવી હતી. જોઈને મારા હસબન્ડે કહ્યું કે તું આટલી સારી સાડી બનાવી શકે છે તો એને એક બિઝનેસ તરીકે વિચારી જો. જોકે ફુલટાઇમ ઍક્ટિંગ, ઇવેન્ટ હોસ્ટિંગ અને બે વર્ષના બાળક સાથે સાડીઓ પર પણ ધ્યાન આપવું શક્ય નહોતું. પરંતુ એક વાર મારી સિસ્ટર-ઇન-લૉ જે સિંગાપોરમાં રહે છે, તેણે મને પૂછ્યું કે શું હું તેના એક પ્રદર્શન માટે ૫૦ સાડીઓ ડિઝાઇન કરી શકીશ? અને મેં વિચાર્યું કે કેમ નહીં? અને આમ મેં બીજી ૧૦૦ સાડીઓ ડિઝાઇન કરી, જેનું કલેક્શન મેં તાજેતરમાં લૉન્ચ કર્યું. આ એક ફેસ્ટિવ કલેક્શન છે જેની થીમ છે ‘ડ્રામા ઍન્ડ કલર’. મારી સાડીઓમાં બ્રાઇટ કલર્સ, ગોલ્ડ અને સિલ્વર બૉર્ડર વધુ જોવા મળશે. કોઈ જ સાડી હેવી એમ્બ્રોઇડરી અને હૅન્ડવર્કવાળી નથી. જે ફૅબ્રિક્સ વાપર્યા છે એના પર જ સાડીનો ચાર્મ છે. આ સાડીઓ માટે ફૅબ્રિક્સ પસંદ કરવાથી માંડીને એને સાડીમાં કઈ રીતે વાપરવું એ બધો આઇડિયા હું જ આપવા માગતી હતી.

મારી ફેવરિટ સાડીઓ

મને કૉટનની સાડીઓ સંભાળતાં નથી આવડતી અને પહેરવી પણ પસંદ નથી. એના કરતાં હું ફ્લોઇ ફૅબ્રિકની કે જે શરીરના શેપ સાથે ફ્લો થાય એવી સાડીઓ પહેરવાનું પસંદ કરું છું. મેં આ પ્રકારની ડિઝાઇનર સત્યા પૉલની સાડીઓ ખૂબ પહેરી છે. આ સિવાય ફેસ્ટિવ અને વેડિંગ વેઅર જેવી સાડીઓ માટે મારી ચૉઇસ રિતુ કુમારનું કલેક્શન છે. કૅઝ્યુઅલી નાની-મોટી કોઈ ઇવેન્ટમાં હાજરી આપવાની હોય તો હું ડિઝાઇનર મસાબા ગુપ્તાની ડિઝાઇનો પહેરવાનું પસંદ કરું છું. તેની ડિઝાઇનો મૉડર્ન અને આજની યુવતીઓને પસંદ આવે એવી હોય છે. મારા વૉર્ડરોબમાં આ બધા જ ડિઝાઇનરની સાડીઓ છે અને એમાં જો કંઈ કૉમન છે તો એ છે પિન્ક કલર. બેબી પિન્ક, શૉકિંગ પિન્ક, નિયૉન પિન્ક, રોઝ પિન્ક, ફુશિયા આ બધા જ પિન્કના શેડ મારા વૉર્ડરોબમાં છે. પિન્ક ઇઝ માય ફેવરિટ.

પ્રસંગોપાત્ત બ્લાઉઝ

મારા બ્લાઉઝ વિશે હંમેશાં કમેન્ટ્સ આવતી હોય છે, પણ હું દરેક સાડી માટે બે બ્લાઉઝ બનાવવાનું પસંદ કરું છું - એક બોલ્ડ અને બીજું સિમ્પલ. કૅઝ્યુઅલ ઇવેન્ટ્સ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટ્રેપી, થોડી સ્કિન એક્સપોઝ થાય એ ટાઇપનું બ્લાઉઝ પહેરું છું અને બીજું બ્લાઉઝ રિચ અને મોભાદાર લુક આપે એવું બનાવડાવું જેથી એ કોઈ પ્રતિષ્ઠિત ઇવેન્ટ અથવા લગ્ન વગેરેમાં પહેરી શકાય. અને આ જ સલાહ હું બધાને આપીશ કે દરેક સાડીનાં બે બ્લાઉઝ બનાવવાં જોઈએ જેથી એક જ સાડીને બે તદ્દન જુદા પ્રસંગોમાં પહેરી શકાય. મારાં બ્લાઉઝ મોટા ભાગે ગોલ્ડ, બ્રૉન્ઝ કે બ્લૅકમાં હોય છે જે બધા પર સૂટ થાય.