હર્મીસની લક્ઝરી બૅગ્ઝઃ શૅરબજાર કરતાં સલામત રોકાણ

23 January, 2020 09:45 AM IST  |  | Chirantana Bhatt

હર્મીસની લક્ઝરી બૅગ્ઝઃ શૅરબજાર કરતાં સલામત રોકાણ

કરીનાનાં હાથમાં હર્મીસની બર્કીન બૅગ છે જેની કિંમત 13 લાખ આંકવામાં આવી

થોડા દિવસો પહેલા કરીના કપુર ખાન એક્ટર પતિ સૈફ અલી ખાન અને દિકરા તૈમુર સાથે ફોરન વેકેશનથી પાછી ફરી ત્યારે તેના હાથમાં રહેલી હર્મીસ બર્કિન બૅગ ચર્ચામાં રહી હતી. આ બૅગની કિંમત 13 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. ઝોયા અખ્તરની ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા'માં પણ કલ્કીના પાત્રએ મંગાવેલી મોંઘીદાટ બૅગ હર્મીઝની બર્કીન જ હતી જેને ફરહાન અખ્તરના પાત્રએ રમૂજમાં 'બૅગવતી' નામ આપ્યું હતું.

હર્મીસ જેનું પરફેક્ટ ઉચ્ચારણ આમ તો ‘અર્મીસ’ કરાય છે તે મૂળે એક ફ્રેંચ હાઇ ફેશન લક્ઝરી બ્રાન્ડ છે. 1837માં સ્થાપાયેલી હર્મીસમા લેધર, લાઇફસ્ટાઇર એસેસરીઝ, હોમ ફર્નિશિંગ, પર્ફ્યુમ્સ, જ્વેલરી, ઘડિયાળો અ રેડી-ટુ-વેર પ્રકારની પ્રોડક્ટ્સ મળે છે.

તાજેતરમાં હીરાનાં વેપારી નીરવ મોદીની  સંપત્તિ અને માલિકીનો હિસ્સો હોય તેવી ચીજોની સેફ્રન આર્ટ દ્વારા એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં નિર્દેશથી હરાજી થવાના સમાચાર બજારમાં છે. આગામી બે મહીના દરમિયાન આ હરાજી થનાર છે. આ હરાજીમાં મોંઘાદાટ આર્ટવર્ક્સ ઉપરાંત હર્મીસની બર્કિન અને કૅલી લાઇન્સની બેગ્ઝનો પણ સમાવેશ થશે.

હેન્ડ બૅગનાં શોખીનો માટે હર્મીસની આ બૅગ “હોલી ગ્રેઇલ” ગણાય છે. આમ હોલી ગ્રેઇલ એટલે એ પ્યાલો જે જીસસ ક્રાઇસ્ટે વાપર્યો હતો અને મધ્ય યુગમાં નાઇટ્સને તે મેળવવામાં ભારે રસ હતો પણ આ શબ્દનો ઉપયોગ એવી વસ્તુનાં વર્ણન માટે વપરાય છે જે તમને મેળવવાની બહુ ઇચ્છા હોય પણ તે મેળવવું ખુબ વિકટ હોય.

 

ફ્રેંચ ભાષામાં થિએહી અને અંગ્રેજીમાં જેનો ઉચ્ચાર થિએરી કરી શકાય છે તેવા થિએરી હર્મીસે પેરીસમાં ઉચ્ચ વર્ગીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને પોતાની વર્કશોપ શરૂ કરી હતી. હર્મીસનાં અન્ય ઉત્પાદનો તો પ્રખ્યાત છે જ પણ ધનિકોમાં અને સેલિબ્રિટીઝમાં તેની બૅગ્ઝ બહુ જ પૉપ્યુલર છે.  

હર્મીસની બૅગ લાઇનમાં હેન્ડબૅગ્ઝ, ક્લચિઝ અને ક્રોસ બૉડી સ્ટાઇલ્સની થઇને લગભગ દસેક પ્રકારની બૅગ્ઝ છે પણ બર્કીન અને કૅલી સેલિબ્રિટીઝમાં સૌથી વધુ પૉપ્યુલર છે. લાખો – કરોડોમાં વેચાતી આ બૅગ્ઝ વિષે કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે.

 

બર્કિનમાં બે અને કૅલીમાં એક હેન્ડલ હોય છે. વળી કૅલી બર્કિન કરતાં કદમાં થોડી નાની હોય છે.  હર્મીસની બૅગ્ઝ ઢોર, ગરોળી અને શાહમૃગની ખાલમાંથી બને છે પણ જે સૌથી મોંઘી દાટ બૅગ્ઝ મગરની ખાલમાંથી બનેલી હોય છે. તેનાં ભીંગડા જેટલા નાના તેટલી તેની કિંમત વધારે. આ મગરો આફ્રિકાનાં હિસ્સાઓમાં જોવા મળે છે. એકે એક બૅગ હેન્ડ ક્રાફ્ટેડ હોય છે. બર્કિન બૅગ્ઝની પૉપ્યુલારીટી 2001ની સાલમાં આવેલા અંગ્રેજી શૉ ‘સેક્સ એન્ડ ધી સિટી’ના એપિસોડમાં ફિચર થયા બાદ આસમાને આંબી.

 જેન બર્કિન નામની પ્રખ્યાત મૉડલ અને અભિનેત્રી સાથે એરપ્લેન પર થયેલી વાતચીત પછી હર્મીસે અમુક રીતે પોતાની બૅગ્ઝ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું અને માટે જ બૅગ્ઝની આ લાઇનને બર્કીન નામ અપાયું. પહેલાં તો પોતાનું નામ વપરાતું હોવાથી અભિનેત્રીને દર વર્ષે એ બૅગ ભેટ મળતી પણ તેને પછીથી વર્ષે 30 હજાર પાઉન્ડની રોયલ્ટી મળવા માંડી જે તેણે ચેરીટીમાં આપવાનો નિર્ણય લીધો. 

લાખો કરોડોમાં વેચાતી આ બૅગ્ઝ બનવામાં અડતાળીસ કલાક થાય છે અને એક બૅગ પર એક સમયે એક જ કારીગર કામ કરે છે.  બર્કિનનાં બ્લુ શેડ્ઝ બહુ ફેમસ છે, આ બૅગ્ઝ બ્લુ રંગનાં 25 વિકલ્પોમાં મળે છે. એક સમયે આ બૅગ્ઝ મેળવવા બે વર્ષું વેઇટિંગ થતું પણ હવે ઇન્ટરનેટ શોપિંગના જમાનામાં તે મેળવવું સરળ છે.  શેર બજાર કરતાં બર્કિન ખરીદવાથી રિ-સેલનો જબરો લાભ થાય છે.  સૌથી મોંઘી બર્કિન 377,00 ડૉલર્સમાં વેચાઇ છે એટલે કે અંદાજે 2 કરોડ 70 લાખ રૂપિયા, જે કોઇ અજાણ્યા ગ્રાહકે હરાજીમાં ખરીદી હતી.

kareena kapoor zoya akhtar fashion life and style sex and the city paris