જીવનના સૌથી યાદગાર પ્રવાસમાં દેખાઓ સુંદર

21 December, 2011 10:05 AM IST  | 

જીવનના સૌથી યાદગાર પ્રવાસમાં દેખાઓ સુંદર



લગ્ન પછીનો એટલે કે પોસ્ટ-વેડિંગ ગ્લો હનીમૂનમાં સાથ આપે જ છે, પણ લગ્નમાં લાગેલા થાક પછી તમારે પોતાની થોડી એક્સ્ટ્રા કૅર કરવીયે જરૂરી છે. પિમ્પલ અને ડાર્ક સર્કલ મેક-અપની શાઇન જતી રહે ત્યાર બાદ ખૂબ ઝડપથી પાછા આવી જાય છે અને છેલ્લે તમે દેખાશો થાકેલા અને કદરૂપા, એ પણ તમારા હનીમૂનના ફોટોગ્રાફ્સમાં. જો આવું ન ઇચ્છતા હો તો કેટલીક જરૂરી ચીજોનું ધ્યાન રાખો.

સ્કિનની સંભાળ

કોઈ કોલ્ડ હિલ સ્ટેશન હોય કે ટ્રૉપિકલ આઇલૅન્ડ, સનસ્ક્રીન મસ્ટ છે. હનીમૂન હૉલિડે પર હો ત્યારે તમે રસ્તા પર રખડશો, શૉપિંગ કરશો અને બીચ પર લાંબી વૉક લેશો. આવામાં સ્કિન કાળી પડવી અને સનબર્ન થવા જેવી ચીજો સામાન્ય છે. જો આ તકલીફોથી બચવું હોય તો તડકો હોય કે ન હોય સનસ્ક્રિન લગાવી રાખવું જરૂરી છે અને તમારે એકલાએ નહીં, બન્નેએ સ્કિનની આ રીતે સંભાળ લેવી અનિવાર્ય છે. જો શક્ય હોય તો એક પૉકેટ-સાઇઝ છત્રી પણ સાથે રાખો.

વૉર્ડરોબ

તમને જે ચીજોની જરૂર પડશે એના પ્રત્યે દુર્લક્ષ ન કરો, પણ વધુપડતો સામાન પણ ન લો. થોડાં ઈવનિંગ આઉટફિટ્સ જેવાં કે ગાઉન અથવા વન-પીસ અને પુરુષો માટે મલનો ફૉર્મલ શર્ટ અને બ્લેઝર. લેડીઝ માટે વન-પીસ ડ્રેસ, મેક્સી ડ્રેસ કે ગોઠણ સુધીની લંબાઈના મિની ડ્રેસ પૅક કરવામાં આસાન રહેશે. મોટા ભાગનાં કપડાં કૅઝ્યુઅલ હોય એટલું સારું. ત્યાર બાદ પ્રથમ પ્રાયોરિટી જે જગ્યાએ જાઓ છો ત્યાંના હવામાનને આપો, કારણ કે ડિસેમ્બરમાં શિમલા કે કાશ્મીર જવાના હો તો મિની ડ્રેસ નહીં ચાલે. સ્ટાઇલિશ થર્મલવેઅર અને વિન્ટરવેઅરમાં ઘણા પર્યાયો મળી રહે છે. જે પણ પહેરો પગમાં ફ્લિપફ્લોપ જ રહેવા દો, કારણ કે એ ઑલમોસ્ટ બધા પર સૂટ કરશે.

જ્વેલરી

ઈવનિંગમાં પ્રોપર ડ્રેસ્ડ લાગવા માટે કોઈ જ્વેલરીનું એકાદ પીસ કે બીચવેઅર પર સૂટ કરે એવાં મોટાં પીસ સારાં રહેશે. વધુપડતી ચમકીલી જ્વેલરી ન રાખો, કારણ કે એને સાચવવી અને મૅનેજ કરવી માથાનો મોટો દુખાવો રહેશે. હૉલિડે પર છો એટલે સિલ્વર અને કલરફુલ જ્વેલરી બેસ્ટ. ઠંડી જગ્યાએ હો તો વિન્ટર-જૅકેટ પણ સારું દેખાશે.

મેક-અપ

જેટલું કરી શકો એટલું બધું જ પૅક કરો, પણ વધુપડતું નહીં. બ્લશ હોય કે ગ્લૉસ બધું જ એકસાથે રાખો. તમારાં કપડાં સામે રાખો અને જે રંગ કે શેડ બધા પર સૂટ થતો હોય એ સાથે લઈ જાઓ. કાળું કાજલ, આઇ-લાઇનર, મસ્કરા, ન્યુડ લિપસ્ટિક, રેડ લિપસ્ટિક, બ્લશ અને ફાઉન્ડેશન આટલી ચીજો સાથે રાખો. આ ચીજો નવી સીલ પૅક નહીં પણ એકાદ વાર ટ્રાય કરી હોય, સારી લાગતી હોય તો જ રાખો. કોઈ નવા એક્સપરિમેન્ટ ન કરો.

સ્માઇલ પ્લીઝ

ઉપરોક્ત બધી જ ચીજોની સાથે તમારો કૅમેરા, એની ફુલ કરેલી બૅટરી અને સાથે ચાર્જર લઈ જવાનું ન ભૂલો; જેથી તમે તમારા બન્નેની બધી જ સુંદર પળોને એમાં કેદ કરી શકો. વેકેશન પર હો ત્યારે કોઈ પણ વસ્તુ વધુપડતી ન કરો. પછી એમાં ડાન્સ, એક્સપોઝ, પાર્ટી અને આલ્કોહોલ બધાનો સમાવેશ થઈ જાય છે. માથાનો દુખાવો, શરદી, પેટનો દુખાવો અને તાવની બેઝિક દવાઓ સાથે જરૂર રાખો.