ટ્રાન્સપરન્ટ સાડી પહેરવી ગમે છે?

26 July, 2012 05:51 PM IST  | 

ટ્રાન્સપરન્ટ સાડી પહેરવી ગમે છે?

મૉન્સૂનમાં ભલે બૉલીવુડવાળો રેઇનડાન્સ ન કરવાના હો, પરંતુ એવી સાડીઓ પહેરવાનો શોખ ઘણી સ્ત્રીઓને હોય છે. ઑલમોસ્ટ ટ્રાન્સપરન્ટ જેવી આ સાડીઓ પાતળું અને સુડોળ ફિગર હોય તો જ સારી લાગે છે. જોકે હવે ફક્ત બૉલીવુડનાં વરસાદી ગીતોમાં જ નહીં, લગ્નપ્રસંગોમાં સામાન્ય યુવતીઓ પણ આ આછી શિફોન અને નેટની સાડીઓ પહેરે છે. આવી સાડીઓ ટ્રાન્સપરન્ટ હોય તોય એને થોડા આર્ટવર્કથી સજાવીને પહેરવા જેવી બનાવી શકાય છે. જોઈએ કઈ રીતે.

લેસની કમાલ

સેલિબ્રિટીઝ આ રીતે સાડી પહેરે છે જેમાં સાડી ભલે ટ્રાન્સપરન્ટ હોય, પરંતુ એને જાડી લેસની પહોળી બૉર્ડર લગાવીને પહેરવા જેવી બનાવી દેવાય છે. સાડીમાં લગાવવામાં આવનારી લેસની પહોળાઈ વધુ રાખવી તેમ જ એ જાડા ફૅબ્રિક પર બનેલી હોવી જોઈએ. આવી સાડી સાથે બ્લાઉઝ શૉર્ટ સ્લિવનું પહેરવું. જે ફૅબ્રિકની બૉર્ડર હોય એને મૅચ થતું ઑલઓવર વર્કનું બ્લાઉઝ બનાવી શકાય. જાડી બૉર્ડરને કારણે સાડી જો વધુપડતી ટ્રાન્સપરન્ટ હશે તો એના પરથી ધ્યાન હટશે.

ડ્રેપિંગ સ્ટાઇલ

ટ્રાન્સપરન્ટ સાડીને તમે કઈ રીતે ડ્રેપ કરો છો એ પણ મહત્વનું છે, કારણ કે જો પલ્લુ વધુપડતો છૂટો અને લહેરાતો રાખવામાં આવશે તો એમાં પેટ દેખાવાનું જ. ટ્રાન્સપરન્ટ સાડીને ગુજરાતી સ્ટાઇલમાં પણ ડ્રેપ કરવાથી સુંદર લાગશે. એમાં ફુલ સ્લીવ્ડ બ્લાઉઝ પારદર્શકતા પરથી ધ્યાન હટાવશે. સાડીને એ રીતે ડ્રેપ કરો જેમાં અંગપ્રદર્શન ઓછામાં ઓછું થાય. પલ્લુને ગડી કરીને પિન-અપ કરી દો, જેમાં નેટની થોડી પારદર્શક અને થોડી ઓપેક એવી પ્લીટ્સ સાડીને સેક્સી લુક આપશે.

સિંગલ કલર

જો એક જ કલરની પ્લેન સાડી પહેરવી હોય તો એ રંગ થોડો ડાર્ક હોવો જોઈએ. પછી સાડીમાં કોઈ મોટિફ્સ કે પહોળી બૉર્ડર લગાવવાની જરૂર નહીં પડે. આવી સાડીઓમાં નેટનું મટીરિયલ ન પસંદ કરવું. થોડું થિક જ્યૉર્જેટ કે શિફોનનું ફૅબ્રિક સારું લાગશે. આવા ફૅબ્રિકમાં બનેલી સેમી-ટ્રાન્સપરન્ટ સાડીમાં ગ્લૅમરસ ટચ આપવા માટે બ્લાઉઝની ડિઝાઇન સાથે એક્સપરિમેન્ટ કરી શકાય.

ડિઝાઇનર્સ ટિપ્સ

થોડી ટ્રાન્સપરન્ટ લાગતી સાડી પહેરવાની ટિપ્સ આપતાં ફૅશન-ડિઝાઇનર ખુશ્બૂ આર. મૂલાણી કહે છે કે જેટલું વધુ ટ્રાન્સપરન્ટ પહેરો એટલા જ શરીરના કર્વ વધુ દેખાશે એટલે આવી સાડીઓમાં અન્ડરગાર્મેન્ટ્સ પર ખાસ ધ્યાન આપવું.

આવી સાડીઓમાં કૉન્ટ્રાસ્ટનો કૉન્સેપ્ટ સારી રીતે કામ કરશે, જેમાં લાઇટ પિન્ક સાડી હોય તો એની સાથે ડાર્ક રાની પિન્ક કલરનો પેટીકોટ પહેરી શકાય તેમ જ બ્લાઉઝ આખું એમ્બ્રોઇડરીવાળું અને લાંબું પહેરવું જેથી બ્લાઉઝ હાઇલાઇટ થશે અને સાડી વધુપડતી ટ્રાન્સપરન્ટ પણ નહીં લાગે. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે જો પેટીકોટ સૅટિનનો હશે તો હિપ્સ અને કમરના કર્વ વધુ દેખાશે. એટલે લાઇટ સાડીની અંદર હંમેશાં સ્ટીફ ફૅબ્રિક પહેરવું. હાલમાં આ રીતનો કૉન્ટ્રાસ્ટ બનાવવામાં કૉપર, ગોલ્ડન એવું લામા નામનું ફૅબ્રિક ડિમાન્ડમાં છે.