કુદરતે બક્ષેલા અમૂલ્ય ખજાનાથી વધારો તમારી ખૂબસૂરતી

18 October, 2018 05:29 AM IST  | 

કુદરતે બક્ષેલા અમૂલ્ય ખજાનાથી વધારો તમારી ખૂબસૂરતી



લેડીઝ સ્પેશ્યલ -  વર્ષા ચિતલિયા

આપણી ત્વચા સૌંદર્ય અને સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. સૂર્યપ્રકાશ, પ્રદૂષણ, હાનિકારક રસાયણો, આલ્કોહૉલ, જન્ક ફૂડ, મેટ્રો સિટીની લાઇફ-સ્ટાઇલ વગેરેની ત્વચા પર વિપરીત અસર થાય છે. આપણે બધા જાણીએ છીએ કે તાજાં ફળો અને શાકભાજી વિટામિન અને ખનીજ તkવોથી ભરપૂર હોય છે. તેમ છતાં આપણે કૃત્રિમ સારવારથી આકર્ષિત થઈ જઈએ છીએ. બજારમાં ઉપલબ્ધ કૉસ્મેટિક્સ ઝડપી સોલ્યુશન છે, પરંતુ ત્વચાની નૅચરલ બ્યુટીને જાળવી રાખવાના ઉપાયો કુદરત પાસે જ છે. રાસાયણિક ઉત્પાદનોની તુલનામાં ઘરેલુ ઉપચારો વધારે અસરકારક છે એમાં કોઈ બેમત નથી. કુદરતી પોષક તkવોમાં તમારી ત્વચાને યુવાન રાખવાના અગણિત ગુણો છે. આજે આપણે નેચરોપૅથિક પદ્ધતિથી ઘેરબેઠાં ત્વચાનું લચીલાપણું કઈ રીતે બરકરાર રાખી શકાય તેમ જ શુષ્ક ત્વચાને હાઇડ્રેટ કરવાના કુદરતી ઉપાયો વિશે વાત કરીશું.

કુદરતે આપણને એવો ખજાનો આપ્યો છે કે એનો સદુપયોગ કરવામાં આવે તો ડૉક્ટર પાસે જવાની કે હાનિકારક પદાર્થો વાપરવાની આવશ્યકતા ન રહે એમ જણાવતાં મુલુંડનાં નેચરોપૅથ સરલા વોરા કહે છે, ‘નેચરોપૅથિક ઉપચારથી આપણી સ્કિનને હેલ્ધી અને બ્યુટિફુલ રાખવી ખૂબ જ સરળ છે. તમારી ત્વચાનું લચીલાપણું બરકરાર રાખવા સૌથી પહેલાં તો સ્કિનને હાઇડ્રેટેડ રાખો. હાઇડ્રોથેરપીનાં અસરકારક પરિણામો જોવા મળે છે. સામાન્ય રીતે આપણને રોજનું ત્રણ લીટર પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ મારું કહેવું છે કે આ પ્રમાણ ઓછામાં ઓછું હોવું જોઈએ. રોજનું પાંચ લીટર પાણી પીઓ તો ચમત્કારિક પરિણામો આવશે.  નેચરોપથીમાં હૂંફાળું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. જો આખો દિવસ લ્યુકવૉર્મ વૉટર પીવાનું ન ફાવે તો માટલાનું સાદું પાણી પીવાનું રાખો. ફ્રિજનું પાણી પીવાથી લાંબા ગાળે ત્વચા શુષ્ક થઈ જાય છે. બ્યુટિફુલ દેખાવા માટે આટલું તો બધા જ કરી શકે છે. આ પ્રયોગથી તમારી ત્વચા પર અનેરી ચમક આવશે.’

ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ રાખવા માટે વિટામિન ઘ્ની ભૂમિકા અત્યંત મહત્વની છે. વિટામિન ઘ્થી ભરપૂર ફળો કાયમ ખાવાં જોઈએ. નેચરોપથીમાં સૂચવેલા ઉપચારોમાં તમે કુદરતી પૌષ્ટિક તkવોને ખાઈ પણ શકો છો અને એની છાલનો બાહ્ય ઉપયોગ પણ કરી શકો છો. કુદરતે આપેલી કોઈ જ વસ્તુ નકામી જતી નથી. આ જ એની વિશેષતા છે. દાખલા તરીકે સંતરાં ખાવાથી વિટામિન ઘ્ શરીરની અંદર જઈને લોહી શુદ્ધ રાખવાનું કામ કરે છે તો સંતરાની છાલને તડકામાં સૂકવી એનો પાઉડર બનાવી ચહેરા પર લગાવવાથી ત્વચાની ચમક વધે છે. આ જ રીતે ટમેટાની છાલને કાઢી ચહેરા પર રગડવાથી પણ ફાયદો થાય છે. પપૈયા અને કેળાના પલ્પમાં ગુલાબજળ ઉમેરી ચહેરા પર લગાવવાથી ત્વચા ખીલી ઊઠશે.’

કુદરતી પોષક તત્વો તમને રોગો સામે લડવાની તાકાત આપે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘તમારા શરીરમાં દરરોજ ૧૫૦૦ કૅલરી અને ભરપૂર માત્રામાં ફાઇબર જવું જોઈએ. એનાથી ત્વચા તો નીખરશે જ સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. આજે આપણે જે ખાઈએ છીએ એમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હોય છે. હંમેશાં બધી જ વસ્તુ શુદ્ધ મળે એ જરૂરી નથી. નેચરોપથી પાસે એનો પણ ઉપાય છે. ગ્રીન ટી બ્લડ પ્યુરિફિકેશનનું કામ કરશે. દિવસમાં બે વાર ગ્રીન ટી પીવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થશે એટલું જ નહીં, નિયમિત રીતે ગ્રીન ટી પીવાથી વાન ઊઘડશે. આ સિવાય મડથેરપી પણ ખૂબ જ ઉપયોગી છે. મુલતાની માટી સહેલાઈથી મળી રહે છે. એને ગુલાબજળમાં ભેળવી ચહેરા પર લગાવો. દસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. અમે ખાસ પ્રકારના મડ પૅક અને વનસ્પતિમાંથી બનાવેલાં હર્બલ ફેશ્યલ નજીવા દરે કરી આપીએ છીએ જેનાં ખૂબ જ સારાં પરિણામો સામે આવ્યાં છે. મડથેરપીમાં કાળી માટીના હેલ્થ-બેનિફિટ પણ છે. સાંધાના તેમ જ અન્ય શારીરિક દુખાવામાં કાળી માટીના લેપનો ઉપચાર કરાવવો જોઈએ. માટી તમારા શરીરમાંથી ટૉક્સિનને ખેંચી લે છે. ત્વચાની આંતરિક અને બાહ્ય ખૂબસૂરતી જાળવી રાખવા મેડિટેશનનો સહારો પણ લેવો જોઈએ. મેડિટેશન જેવી અસરકારક દવા બીજી કોઈ જ નથી. લોકો માનતા નથી, પણ મેડિટેશનથી બ્યુટીમાં વધારો થાય છે અને સ્કિન યુવાન રહે છે.’

નાલાસોપારાનાં નેચરોપથી એક્સપર્ટ કલ્પના મહેતાની સિમ્પલ ટિપ્સ અને હર્બલ ટીની રેસિપી

રાતે મેથીના આઠ-દસ દાણા પાણીમાં પલાળી રાખવા. સવારે ઊઠીને સૌથી પહેલાં આ પાણી પી જવું અને મેથી ચાવી જવી.

બદામ, અખરોટ, અંજીર, કાળી દ્રાક્ષ, ખજૂર અથવા ખારેક મળીને એક વાટકી ડ્રાયફ્રૂટ્સને આખી રાત પાણીમાં પલાળી રાખવાં. સવારે સરખી રીતે ચાવીને ખાવાં.

સૂર્યોદયના બે કલાકની અંદર ૧૦ મિનિટ સૂર્યસ્નાન કરવાની ટેવ કેળવવી.

આખા દિવસમાં એક વાર ૪૫ મિનિટ વૉકિંગ, યોગ અથવા કોઈ પણ મનગમતી એક્સરસાઇઝ કરવી.

બ્રેકફાસ્ટમાં પૌંઆ, ઇડલી, સ્પ્રાઉટ્સ, ફ્રૂટ્સ જેવો પ્રોટીનથી ભરપૂર પૌષ્ટિક નાસ્તો કરવો.

અઠવાડિયે એક વાર પપૈયાના ગરને ચહેરા પર ૧૫ મિનિટ લગાવો. વેરિયેશન જોઈએ તો કોઈક વાર કાકડીનો રસ પણ લગાવી શકાય.

દિવસમાં બે વાર કોથમીર અને ફુદીનાના રસમાં લીંબુ નાખી પીવાથી બ્યુટી અને હેલ્થ બન્નેમાં લાભ થશે. નેચરોપથીમાં વજન ઉતારવા માટે પણ કોથમીરનો રસ પીવાનું સૂચન કરવામાં આવ્યું છે.

જમવામાં સૅલડ, પાલકની ભાજી અને શક્કરિયાંનો સમાવેશ કરવો.

નેચરોપથીમાં કોઈ પણ શાકભાજી અથવા ફ્રૂટ્સને ઉપયોગમાં લેતી વખતે જ સમારવાની ભલામણ કરવામાં આવી છે એ વાત ધ્યાનમાં રાખવી.

વાળનું વૉલ્યુમ વધારવા તેમ જ શાઇનિંગ માટે અઠવાડિયે એક વાર રાતે વાળમાં હર્બલ ઑઇલથી મસાજ કરો. બીજા દિવસે એક ચમચી પલાળેલા મેથીના દાણાને વાટી દહીંમાં ભેળવી માથામાં લગાવો. મહિને એક વાર વાળમાં મેંદી લગાવવાથી કન્ડિશનરનું કામ કરશે તેમ જ વાળની કુદરતી ચમક જળવાઈ રહેશે.

રાતે સૂતાં પહેલાં હૂંફાળા પાણીમાં ચપટી હળદર નાખીને પીઓ. હળદર ઍન્ટિઑક્સિડન્ટ છે. એનાથી ત્વચા સંબંધિત રોગોમાં ફાયદો થશે, રંગ ઊઘડશે તેમ જ હાડકાં મજબૂત થશે.

નોંધ : નેચરોપથી પદ્ધતિથી સૌંદર્ય પામવા અને હેલ્ધી રહેવા માટે સંયમ રાખવો જરૂરી છે. નેચરોપથીમાં રોગને દૂર કરવા માટે વૉટરથેરપી, મડથેરપી, મસાજથેરપી, જૂસથેરપી તેમ જ યોગ અને મેડિટેશનનું સૂચન કરવામાં આવ્યું છે.

હર્બલ ટીની રેસિપી (બે કપ)

સામગ્રી : અઢી કપ પાણી, અડધી ચમચી તજના ટુકડા, અડધી ચમચી મેથીના દાણા, બે એલચી, એક ચમચી આદુંનું છીણ,

દસ-બાર તુલસીનાં પાન, દસ-બાર ફુદીનાનાં પાન, એક ચમચી લેમનગ્રાસ, ગોળ.

રીત : સોથી પહેલાં તજના ટુકડા, મેથીના દાણા, ફોલેલી એલચી તેમ જ એલચીનાં ફોતરાં અને આદુંના છીણને પાણીમાં નાખી ઉકાળો. પાંચ મિનિટ બાદ ગૅસ ધીમો કરી એમાં તુલસીનાં પાન, ફુદીનાનાં પાન અને લેમનગ્રાસ નાખી ફરીથી પાંચ મિનટિ ઊકળવા દો. ફરી ગૅસ ધીમો કરી એમાં ગોળ નાખી પાંચ મિનટિ ઉકાળો. ગૅસ બંધ કરી ઢાંકી દો. પાંચ મિનિટ બાદ ગાળીને પી જવું.

હેલ્થ-બેનિફિટ : આ રીતે બનાવેલી હર્બલ ટી અઠવાડિયામાં બે વાર પીવાથી શરદી, કફ, આર્થઇટિસમાં ખૂબ લાભ થશે. વજન પણ નિયંત્રણમાં રહેશે. નેચરોપથીમાં દર્થાવેલી હર્બલ ટી પીવાથી શરીરમાં તાજગીનો અનુભવ થશે અને ઊર્જાનો સંચાર થશે.