કચ્છની બાંધણીને આપ્યો છે જપાનની શિબોરીનો ટચ

15 December, 2011 09:33 AM IST  | 

કચ્છની બાંધણીને આપ્યો છે જપાનની શિબોરીનો ટચ

 

 

(ફોટોસ્ટોરી: અર્પણા ચોટલિયા)

કચ્છી બાંધણી એ મૂળ ખત્રીઓની સ્પેશ્યલિટી છે, પણ હવે આ સ્પેશ્યલિટીમાં નવી જનરેશનના કારીગરો પોતાનો મૉડર્ન ટચ ઉમેરી રહ્યા છે અને આ જ ખાસ કારીગરી જોવા મળશે અત્યારે ચાલી રહેલા ખાસ કચ્છની બાંધણીઓના પ્રદર્શનમાં. આ પ્રદર્શનમાં તમને ગજી સિલ્ક, પ્યૉર સિલ્ક, કોટા, મુર્શિદાબાદની ખાદી તેમ જ જ્યૉર્જેટની બાંધણીઓની સાડી તેમ જ સ્ટૉલ અને દુપટ્ટા જોવા મળશે અને એ પણ થોડા હટકે રંગોમાં. વસ્ત્રોમાં દેશી ઢબના વસ્ત્રો પહેરવાના શોખીનો સાથે થોડી ક્લાસિક ચૉઇસવાળા લોકો માટે કચ્છની આ બાંધણીઓ પર્ફેક્ટ રહેશે.

શું છે ખાસ?

બાંધણીમાં શિકારી, ચાંદ રખની, આંબા ડાળ જેવી અનેક પરંપરાગત ડિઝાઇનો તેમ જ પત્તાં, ફૂલ, મોરનાં પીંછાં, પેબલ્સ જેવી મૉડર્ન ડિઝાઇનો જોવા મળશે. આવી મૉડર્ન ડિઝાઇનો આજ સુધી બાંધણીમાં ભાગ્યે જ ક્યાંય જોવા મળી હશે. અહીં રાજસ્થાની કોટા પર બાંધણી કરેલી સાડી છે તેમ જ દુપટ્ટાઓમાં બાંધણી સાથે શિબોરી પૅટર્નની બૉર્ડર પર કાંથા વર્ક કરવામાં આવ્યું છે. બીજી ખાસ વાત છે બાંધણીની ડિઝાઇન જ એટલી ઝીણી છે કે ડિઝાઇનો ખરેખર સિંગલ લાઇનમાં પ્રિન્ટ કરેલી હોય એવી દેખાય છે. દરેક ડિઝાઇનના બાંધેલા દરેક ચોરસ એકસરખા છે. એની સાથે કોઈ પણ ટપકું છૂટ્યું નથી અને કોઈ બે ટપકાં મિક્સ પણ નથી થયાં. બાંધણી જેવો સિમ્પલ અને ખૂબ જૂનો કૉન્સેપ્ટ હોવા છતાં દરેક પીસમાં કંઈક ને કંઈક નાવીન્ય છે, જે ખરેખર જોવા જેવું છે.

માસ્ટર માઇન્ડ

આ પ્રદર્શનનાં આયોજક રાધી પારેખની નજર કચ્છના જબ્બાર ખત્રી પર પડી. કચ્છની બાંધણીના સ્પેશ્યલિસ્ટ અબ્દુલ જબ્બાર ખત્રીની ફૅમિલીમાં તેમના દાદા-પરદાદા ૧૭મી સદીથી બાંધણી બનાવતા, પણ તેમના પિતાનો બિઝનેસ જુદો હતો. જબ્બારભાઈએ પોતાની ખાનદાની કળાને ફરી જીવંત કરવાનો વિચાર કર્યો અને જપાન જઈ ત્યાંની શિબોરી એવી ટાઇ ઍન્ડ ડાઇની કળાનો અભ્યાસ કર્યો અને એને બાંધણીમાં ઉમેરી બાંધણીની દુનિયામાં એક નવો ટ્રેન્ડ સ્થાપ્યો. કચ્છની આ સ્પેશ્યલિટીની બીજી એક જાણવા જેવી વાત એટલે બાંધણીમાં ટાઇંગ એટલે કે ડિઝાઇનને બાંધવાનું કામ ફક્ત સ્ત્રીઓ જ કરે છે, જ્યારે ડાઇંગ કરવાનું કામ ફક્ત પુરુષો કરે છે. એમાં પણ સ્ત્રીઓ ફક્ત ૩૦ વર્ષની ઉંમર સુધી જ ટાઇંગનું કામ કરે છે, કારણ કે ત્યાંના લોકોનું માનવું છે કે આવી ઝીણી ડિઝાઇનની બાંધણીનું બાંધકામ કરવા માટે દૃષ્ટિ ખૂબ ક્લિયર હોવી જરૂરી છે અને ઉંમર વધવાની સાથે દૃષ્ટિ પણ ઓછી થતી જાય છે. આ પ્રદર્શનમાં મૂકવામાં આવેલો દરેક પીસ જબ્બાર ખત્રીએ બનાવેલો છે.