શરીરની જેમ ત્વચાને પણ હાઇડ્રેટ કરો

05 October, 2011 05:33 PM IST  | 

શરીરની જેમ ત્વચાને પણ હાઇડ્રેટ કરો


મારી સ્કિન કૅર

મારી મમ્મી મને હંમેશાં કહેતી રહે છે કે પાણી વધારે પીવાનું, પણ હું હંમેશાં પાણી પીવાનું ભૂલી જાઉં છું. સ્કિનની કૅર કરવાનું પહેલું સ્ટેપ તો એ જ છે કે ખૂબ-ખૂબ પાણી પીઓ, જેથી શરીર હાઇડ્રેટ રહે. બહાર ગરમી હોય એવામાં શરીરમાં પૂરતું પાણી હોય એ જરૂરી છે, પણ હું પાણી વધારે પીવાનું ભૂલી જાઉં છું એટલે મૉઇસ્ચરાઇઝર લગાવું છું. ખાસ તો રાતના સમયે મૉઇસ્ચરાઇઝર લગાવવાથી સ્કિન હાઇડ્રેટેડ રહે છે.

મારા ઘરગથ્થુ ઉપચારો

મને બહાર સ્પામાં જઈને ટ્રીટમેન્ટ્સ કરાવવાનો ખાસ સમય નથી મળતો. હું ઘરે અલોવેરા જેલ, બીજી કુદરતી ચીજો તેમ જ મલાઈ, કાચું દૂધ, બેસન વગેરે લગાવી સ્કિન કૅર કરવાનું પસંદ કરું છું. હેર કૅરમાં મને ઑઇલ મસાજ કરવાનું પસંદ કરું છું. એ ઉપરાંત હું વધારે પાણી નથી પી શકતી એટલે જૂસ, નાળિયેરપાણી કે એવા કોઈ પણ ફૉર્મમાં પાણી લેવાનું પસંદ કરું છું.

સ્પામાં મારું ફેવરિટ

મને આયુર્વેદિક સ્પા પસંદ છે. એમાં પણ વાળ માટે કેરળની હેડ મસાજની શિરોધારા નામની ટ્રીટમેન્ટ મારી ફેવરિટ છે. મને સુગંધિત ટ્રીટમેન્ટ્સ પસંદ છે અને માટે જ હું સ્કિન માટે અરોમા થેરપીને પ્રાધાન્ય આપું છું. અરોમા થેરપીથી સ્કિન તો સારી થાય જ છે સાથે સાથે મનને પણ શાંતિ મળે છે.

કેમિકલ-ફ્રી પ્રોડક્ટ્સ

શૂટિંગ દરમ્યાન મારા વાળ પર ખૂબ પ્રમાણમાં કેમિકલ્સનો મારો થાય છે. સ્ટ્રેટનિંગ, આયનિંગ, કર્લિંગ જેવી ટ્રીટમેન્ટ્સમાં વાળમાં હીટ ખૂબ લાગે છે. ગમે ત્યારે વાળને હીટ લાગે એવી ટ્રીટમેન્ટ કરાવવાના હો ત્યારે પ્રી-હીટ પ્રોડક્ટ્સ વાપરવી ખૂબ-ખૂબ જરૂરી છે એટલે હું હંમેશાં આવી કોઈ પણ ટ્રીટમેન્ટ પહેલાં ભૂલ્યા વગર પ્રી-હીટ પ્રોડક્ટ્સ લગાવું છું તેમ જ ધ્યાન રાખું છું કે વાળને સૂટ થાય એવાં જ શૅમ્પૂ, કન્ડિશનર અને હેર કૅર પ્રોડક્ટ્સ વાપરું.

શૂટિંગ નહીં તો મેક-અપ નહીં

શૂટિંગ કરતા હોઈએ ત્યારે ચહેરા પર ખૂબ પ્રમાણમાં મેક-અપ લગાવવામાં આવે છે, પણ શૂટિંગ ન કરતી હોઉં ત્યારે હું ટ્રાય કરું છું કે ફક્ત જરૂર હોય તો જ મેક-અપ લગાવું તેમ જ જે પ્રોડક્ટ્સ વાપરું એ સારી ક્વૉલિટીની અને સારી કંપનીની હોય એનું પણ ખાસ ધ્યાન રાખું છું.