સોના-ચાંદી સિવાય પણ પહેરી શકાય એવી હટકે જ્વેલરી

09 December, 2011 08:03 AM IST  | 

સોના-ચાંદી સિવાય પણ પહેરી શકાય એવી હટકે જ્વેલરી



જો માઇન્ડમાં ચેન્જ શબ્દને સ્થાન હોય તો સોનાના ઊંચે ચડતા ભાવને જ્વેલરી પહેરવા સાથે કોઈ સંબંધ નહીં જણાય, કારણ કે દુનિયામાં બીજાં એવાં ઘણાં મટીરિયલ ઉપલબ્ધ છે, જેને જ્વેલરી બનાવવાના ઉપયોગમાં લઈ શકાય છે. કલરફુલ સ્ટીલથી લઈને લેધર, લાકડું અને કાચ પણ તમારી સ્ટાઇલને એક નવી પરિભાષા આપશે. એક્સપટોર્નું તો એ પણ કહેવું છે કે આવા ઑલ્ટરનેટ મટીરિયલ વ્યક્તિની રમતિયાળ સાઈડને બહાર કાઢે છે. સારી તો લાગે છે, પણ થોડો હટકે લુક પણ આપે છે. આવી જ્વેલરી ક્યારેક વેસ્ટ આઇટમોમાંથી પણ જ્વેલરી ક્રિયેટ કરી શકાય છે. તો જોઈએ ઑલ્ટરનેટ જ્વેલરી મટીરિયલોમાં કેવા કેવા પર્યાયો છે.

લાકડાની કરામત

મૉડર્ન કે કન્ટેમ્પરરી જ્વેલરી તમારા સોના-ચાંદીના કૉન્સેપ્ટથી સાવ જુદી તરી આવનારી છે, પણ જો પ્રેશિયસ મેટલમાં જડવામાં આવતા સેમી પ્રેશિયસ સ્ટોનને સસ્તા એવા લાકડામાં જ્યારે જડવામાં આવે ત્યારે એ જ્વેલરી કુદરત અને સૉફિસ્ટિકેશનનો સમન્વય હોય છે. હકીકતમાં લાકડા પર રંગબેરંગી મોતી લગાવેલાં ઘરેણાં ભારતીય ટ્રાઇબલ જ્વેલરી તરીકે પહેરાઈ ચૂકી છે. ટ્રાઇબલ જ્વેલરીમાં બ્રાસ અને નિકલ જેવી ધાતુઓનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો લાકડાની જ વાત કરીએ તો લાકડાની જ્વેલરીનો સૌથી મોટો ફાયદો એ જ છે કે એને કોઈ પણ શેપ આપી શકાય છે. લાકડા પર કોતરણી કરી શકાય છે તેમ જ લાકડા સાથે બીજી ચીજોને જોડીને એને રંગેબેરંગી પણ બનાવી શકાય છે. આ લાકડાની જ્વેલરી તમે ડલ લાકડાના બ્રાઉન રંગની જ પહેરો એ જરૂરી નથી. બીજા એલિમેન્ટ તેમ જ જુદા-જુદા પ્રકારના લાકડાનો ઉપયોગ કરીને આ જ્વેલરીને તમે લાકડાના લાઇટ-ડાર્ક શેડની ઇફેક્ટ આપી શકો છો અથવા લાકડાની ડલ ઇફેક્ટ સાથે ગોલ્ડ અને સિલ્વરની શાઇની ઇફેક્ટ પણ આપી શકો છો.

જૂટ લાગે ક્યુટ

સ્માર્ટ અને ઇકો-ફ્રેન્ડ્લી એવી શણની જ્વેલરી યુનિક જ્વેલરીમાં એક વિશેષ સ્થાન મેળવી ચૂકી છે. શણ એટલે કે જૂટને એમનું એમ અથવા કાચના બીડ્સ, સ્ટોન, લાકડું, છીપલાં વગરે સાથે કમ્બાઇન કરીને બનાવી શકાય છે. જ્યુટને કલર પણ કરી શકાય. ઓવરઑલ ઇફેક્ટ સુંદર હશે અને માટે જ આ જ્વેલરી ટ્રેન્ડી અને ફૅશનની દૃષ્ટિએ ક્રીએટિવ લાગશે. ઑર્ગેનિક ચીજોના ચાહકો માટે આ જૂટની ઇકો-ફ્રેન્ડ્લી જ્વેલરી ખાસ ક્રેઝ બને એવી છે.

સ્ટીલ અને પીછાં

સમય છે સ્ટીલને રસોડામાંથી બહાર કાઢીને ઍક્સેસરીઝના વૉર્ડરોબમાં મૂકવાનો. ફૅશન એક્સપટોર્નું કહેવું છે કે સ્ટીલને જ્યારે પીછા સાથે કમ્બાઇન કરવામાં આવે ત્યારે એ ખૂબ સુંદર દેખાય છે. આ કૉમ્બિનેશન ભલે થોડું બોલ્ડ લાગતું હોય, પણ દેખાવમાં ખૂબ ફેમિનાઇન અને ડેલિકેટ લાગે છે. ઉદાહરણ તરીકે સ્ટીલની કોઈ પટ્ટી, જેને પીછાંઓથી બાંધવામાં આવી હોય એ ખૂબ સુંદર લાગશે. મોરનાં નાનાં પીછાંનો પણ આ માટે ઉપયોગ કરી શકાય. ઓછી માત્રામાં વાપરેલું સ્ટીલ તેમ જ પીછાં તમારા રોજ-બરોજના વૉર્ડરોબને એક નવી સ્ટાઇલ આપશે.

ગ્લાસ ઇફેક્ટ

કાચ એક એવો પદાર્થ છે જેને કોઈ પણ આકાર, ટેક્સચ, કલર અને સાઇઝમાં બનાવી શકાય છે. ઇન્ટરનૅશનલ માર્કેટમાં તો ઍક્સેસરીઝની કૅટેગરીમાં કાચનું સ્થાન ખૂબ મોટું બની ચૂક્યુ છે. કાચ પર ગ્લાસ પેઇન્ટ કરી શકાય, તેની સાથે ક્રિસ્ટલ અને બીડ્સ જોડી શકાય. કાચ અને લાકડાના કૉમ્બિનેશનમાંથી પણ ખૂબ સુંદર જ્વેલરી બની શકે છે, જે મૉડર્ન તેમ જ ટ્રેડિશનલ બન્ને પ્રકારના આઉટફિટ્સ પર સારા લાગશે.

લેધરનું લસ્ટર

સમય છે પોતાની અંદર છુપાયેલી વાઇલ્ડ સાઇડને બહાર કાઢવાનો. ઍનિમલ પ્રિન્ટ પહેરવાનો ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી ખાસ્સો લોકપ્રિય થયો છે. ચામડાને તમે તમારી ચૉઇસ અનુસાર ઍક્સેસરીઝનું રૂપ આપી શકો છો. લેધરના રિસ્ટ બેન્ડ, નેકલેસ, બેલ્ટ તેમ જ એરિંગ દેખાવમાં ખૂબ સેક્સી લાગે છે. જો આ કૉન્સેપ્ટને થોડો પ્રેશિયસ બનાવવો હોય તો ચામડાને ડાયમન્ડ અને કાચ સાથે કમ્બાઇન કરો.