જમાનો છે જેમસ્ટોનનો

14 December, 2012 06:37 AM IST  | 

જમાનો છે જેમસ્ટોનનો



બ્રાઇડલનું નામ પડતાની સાથે જ ગોલ્ડ ફેશ્યલ અને એવી જ બીજી મોંઘી ટ્રીટમેન્ટો કરાવવાની સલાહ આપવામાં આવતી. ગોલ્ડ અને ત્યાર બાદ આવેલા પ્લૅટિનમ ફેશ્યલથી ગ્લો તો સારો મળતો, પરંતુ એ દરેક સ્કિન ટાઇપને સૂટ થાય એ જરૂરી નથી. ખાસ કરીને ડ્રાય સ્કિન હોય તો ગોલ્ડ ફેશ્યલથી એ વધુ ડ્રાય બની શકે છે. આવામાં હવે બ્રાઇડલ પૅકેજીસમાં જેમ સ્ટોન ફેશ્યલ તેમ જ સ્પા ફેશ્યલની ડિમાન્ડ વધી છે. એ ઉપરાંત સ્કિનને ખરેખર જે જરૂર હોય એ જ પ્રકારની ટ્રીટમેન્ટ પણ યુવતીઓ કરાવતી થઈ છે. જાણીએ કઈ રીતે થાય છે જુદા-જુદા જેમસ્ટોન્સથી ફેશ્યલ.

સૅફાયર ફેશ્યલ


સૅફાયર ફેશ્યલ સ્કિનને ગ્લો આપવા માટે છે. યલો સૅફાયર કે બ્લુ સૅફાયર ફેશ્યલ કરાવી શકાય. આ જેમસ્ટોનમાં રહેલાં સત્વો સ્કિનને સુંવાળી બનાવવામાં તેમ જ હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. એ સ્કિનને વધારે પ્રોટેક્ટ કરી સાફ, સુંવાળી, નવીન અને ડાઘ રહિત બનાવે છે. સૅફાયર સ્કિન પરથી મૃત ત્વચાના કોષો દૂર કરે છે તેમ જ સ્કિન પર પ્રદૂષણને લીધે થતી હાર્મફુલ ઇફેક્ટને અટકાવે છે. સૅફાયર ચહેરા પર દેખાતા ડિપ્રેશન અને થાકને દૂર કરવામાં પણ ખૂબ સારું છે. 

એમરલ્ડ ફેશ્યલ

એમરલ્ડ એટલે કે પન્નાને ઍન્ટિ-એજિંગ અને ડૅમેજ્ડ સ્કિનની તકલીફ માટે બેસ્ટ માનવામાં આવ્યું છે. ટ્રીટમેન્ટમાં એમરલ્ડની રાખ સ્કિનના પ્રકારને ધ્યાનમાં રાખીને વાપરવામાં આવે છે. આ રાખ મેળવેલી ક્રીમ સ્કિન પરની બળતરા અને સોજામાં રાહત આપે છે, સ્કિનને લચીલી બનાવે છે, ખીલને આવતા રોકે છે, સ્કિનમાંથી વધારાનું ઑઇલ દૂર કરે છે અને સ્કિનમાં નવીનતા લાવે છે. એમરલ્ડ આંખ નીચેની કાળાશ પણ દૂર કરે છે તેમ જ હોઠને પણ સુંવાળા બનાવે છે.

રુબી ગ્લો ફેશ્યલ

રેડિયન્ટ ઇફેક્ટ મેળવવા માટે રુબી ફેશ્યલ સારું રહેશે. આ ફૅશ્યલમાં માણેકની રાખને મસાજ ક્રીમમાં મિક્સ કરવામાં આવે છે જેથી સ્કિનને ઠંડક અને સ્મૂધિંગ ઇફેક્ટ મળે. આ એક સારું મૉઇસ્ચરાઇઝર છે. રુબીમાંથી વિટામિન ‘એ’ ભરપૂર માત્રામાં મળે છે, જે વૃદ્ધ થતી સ્કિનને સૉફ્ટ બનાવવા માટે ઉત્તમ સાબિત થાય છે.

પર્લ ફેશ્યલ


મોતી મિનરલ્સ અને પ્રોટીન્સનો ખૂબ મોટો સ્ત્રોત છે. એમાં પાવરફુલ એજ કન્ટ્રોલ પ્રૉપર્ટીઝ હોય  છે તેમ જ પર્લ ત્વચાને બ્રાઇટ બનાવવામાં તેમ જ સ્કિન પરથી ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. મોતી સ્કિનને ઈવન સ્કિન-ટોન આપે છે. ખીલવાળી તેમ જ સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોએ પર્લ ફેશ્યલ અવૉઇડ કરવું.

સ્પાર્કલિંગ ડાયમન્ડ

ડાયમન્ડ ફેશ્યલ અત્યારે બધાનું જ ફેવરિટ છે. મોટા ભાગે માઇક્રોડર્માબ્રેશન અને સ્કિન પૉલિશિંગ માટે વપરાતા આ ફેશ્યલમાં એક પ્રકારની ડાયમન્ડ સ્ટિકનો ઉપયોગ થાય છે. એમાં ડાયમન્ડના ક્રિસ્ટલથી સ્કિનને પૉલિશ કરવામાં આવે છે, જેથી સ્કિન ચમકીલી અને બ્રાઇટ બને છે. આનાથી સ્કિન પરની ફાઇન લાઇન્સ એટલે કે કરચલીઓ અને સ્ટ્રેચમાર્ક પણ દૂર થાય છે.

અમ્બર

તૃણમણિ કે હેપ્પી સ્ટોન તરીકે પણ ઓળખાતો અર્ધપારદર્શક બ્રાઉન શેડનો આ સ્ટોન ત્વચાને ડીટૉક્સિફાય કરીને હાનિકારક કિરણોથી પ્રોટેક્શન આપે છે. અમ્બર ત્વચાને અંદરથી ક્લીન કરી સૉફ્ટ બનાવે છે.

ઑનેક્સ


કાળા રંગનો ઑનેક્સ એટલે કે ગોમેદ રત્ન હીલિંગ ઇફેક્ટ આપવા માટે જાણીતો છે. ઇન્ફેક્શન થયું હોય એવા ઘા પર કે ફંગલ ઇન્ફેક્શન પર આ રત્ન અસરકારક છે. ત્વચા પર થતી બળતરા કે સનબર્નમાં પણ ઑનેક્સ રાહત આપે છે. ઑનેક્સમાં ત્વચાને પ્યૉરિફાઇ કરવાના પણ ગુણો છે.

પિન્ક ટુર્મલાઇન

લાંબા સમય માટે મસાજ કરવા માટે પિન્ક ટુર્મલાઇનનો ઉપયોગ કરી શકાય. એ સ્કિનનો થાક ઉતારીને એને મુલાયમ બનાવે છે અને સાથે સ્કિનનું મૉઇસ્ચર લેવલ જાળવી રાખે છે.