કેવી રીતે કરશો બૉટમ્સની પસંદગી?

30 May, 2017 05:31 AM IST  | 

કેવી રીતે કરશો બૉટમ્સની પસંદગી?



ખુશ્બૂ મુલાની ઠક્કર


બૉટમ્સ એટલે લોઅર બૉડીમાં પહેરવામાં આવતો ગાર્મેન્ટ. બૉટમ્સના ઘણા પ્રકાર છે; જેમ કે સલવાર, પટિયાલા, ચૂડીદાર, હેરમ્સ, લેગિંગ્સ, ધોતી, પૅન્ટ્સ વગેરે. બૉટમ્સની પસંદગી બૉડી-ટાઇપ પ્રમાણે કરવી. તમે બૉટમ્સ મિક્સ ઍન્ડ મૅચ કરી પહેરવાના હો તો સાવચેતીપૂર્વક સિલેક્શન કરવું.


૧) સલવાર

સલવાર-કમીઝ માટે કોઈ ફૅશન ટ્રેન્ડ ફૉલો કરવાની જરૂર નથી. સલવાર એક કમ્ફર્ટ વેઅર છે. સલવાર સાથે તમે કોઈ પણ લેન્ગ્થના ટૉપ કે કુરતી પહેરી શકો. જો તમે સલવાર સીવડાવતાં હો તો સલવારની લેન્ગ્થ માટે ખાસ ધ્યાન રાખવું. સલવાર જો પર્ફેક્ટ લેન્ગ્થની પહેરી હોય તો જ સારી લાગે. સલવારની લેન્ગ્થ ઍન્કલથી એક કે બે ઇંચ જ નીચે હોવી જોઈએ. તમે કેવાં ચંપલ પહેરો છો એના પર ડિપેન્ડ કરે છે, જેમ કે જો ફ્લૅટ્સ પહેરતા હો તો ઍન્કલથી બે ઇંચ નીચે રાખવી અને જો હીલ્સ પહેરતા હો તો હીલ્સ પહેરીને સલવારનું માપ લેવું જેથી પર્ફેક્ટ લેન્ગ્થ મળી શકે. જો તમે મિક્સ ઍન્ડ મૅચ કરી સલવાર પહેરવાના હો તો સલવારની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું. જો તમારી હાઇટ ઓછી હોય તો ઊભી ડિઝાઇનવાળી પ્રિન્ટ પસંદ કરવી. જો તમારું ભરેલું શરીર હોય તો ઝીણી બુટ્ટીવાળી ડિઝાઇન પસંદ કરવી. જો તમે પ્રિન્ટેડ સલવાર પહેરવાના હો તો પ્લેન કુરતો પહેરવો અને જો પ્લેન સલવાર હોય તો પ્રિન્ટેડ કુરતો પહેરવો. સલવાર સાથે કુરતી તો પહેરી જ શકાય, પરંતુ હિપ-લેન્ગ્થનું ટૉપ પણ પહેરી શકાય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો સલવાર સાથે ટી-શર્ટ પહેરી શકાય.


૨) પટિયાલા

પટિયાલામાં સલવાર કરતાં પ્લીટ્સ વધારે હોય છે, જેથી પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ લાગે છે. પટિયાલા સાથે શૉર્ટ કુરતો સારો લાગે છે. હવે તો માર્કેટમાં પટિયાલા દુપટ્ટાનો સેટ મળે છે, જેમાં પટિયાલા અને દુપટ્ટો એકસરખાં પ્રિન્ટ અને કલરમાં હોય છે અને કુરતા માટે મિક્સ ઍન્ડ મૅચ કરવું પડે છે. પટિયાલા સાથે ઓન્લી ટૉપ પણ સારું લાગે. પટિયાલા પાતળી યુવતીઓ પર વધારે સારું લાગે છે. જો સ્થૂળ શરીરવાળી યુવતીઓ પટિયાલા પહેરે તો વધારે જાડી લાગે છે. પટિયાલા ફ્લોઇંગ ફૅબ્રિકમાંથી જ બનાવાય છે. એનાથી એનો ફૉલ સારો આવે છે. પટિયાલા સાથે મોજડી પહેરી શકાય. કાનમાં લૉન્ગ બાલી ટિપિકલ પંજાબી લુક આપશે.

૩) ચૂડીદાર


ચૂડીદાર એટલે જેમાં ૬થી ૮ ઇંચનો યોક આપવામાં આવ્યો હોય અને પછી પગના શેપ પ્રમાણે સીવવામાં આવે છે અને જે ફૅબ્રિક હોય એને પગની લેન્ગ્થ હોય એના કરતાં ૧૦ ઇંચ વધુ રાખવામાં આવે છે. એટલે જ્યારે એ પહેરવામાં આવે ત્યારે જે વધારાનું ફૅબ્રિક હોય એની ચૂન આવે. ખાસ ધ્યાન રાખવું કે રેડી ચૂડીદાર ન લેવાં. રેડીમાં ઓવઑલ મેઝરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવે છે. એમાં કોઈ જાતનું ફિટિંગ હોતું નથી. જો તમે પર્ફેક્ટ ફિટિંગવાળું ચૂડીદાર પહેરવાના આગ્રહી હો તો તમારે ચૂડીદાર સીવડાવવાં. ચૂડીદાર સાથે શૉર્ટ અને લૉન્ગ એમ બન્ને લેન્ગ્થનાં કુરતા સારા લાગે છે તેમ જ ચૂડીદાર સાથે ફ્લૅટ્સ અને હીલ્સ એમ બન્ને સારાં લાગે છે. તમે ક્યાં જવાના છો એના પર ડિપેન્ડ કરે છે. ચૂડીદાર સાથે લૉન્ગ કુરતો અને હાઈ હીલ્સ ફૉર્મલ લુક આપશે અને ચૂડીદાર સાથે શૉર્ટ કુરતો અને ફ્લૅટ્સ સેમી-ફૉર્મલ લુક આપશે.

૪) હેરમ્સ

હેરમ્સ મોટે ભાગે ફ્લોઇંગ ફૅબ્રિકમાં હોય છે. હેરમ હિપ સુધી ટાઇટ એટલે કે એમાં હિપ સુધી પ્લીટ્સ લઈ સ્ટિચ કરવામાં આવે છે અને ઍન્કલ પાસે ઇલૅસ્ટિક હોય છે. આમ જોઈએ તો હેરમનો ઘેરો બલૂન જેવો લાગે છે. હેરમ સાથે ટી-શર્ટ અથવા શૉર્ટ ટૉપ પહેરી શકાય. જેનું સ્થૂળ શરીર હોય તેમણે હેરમ ન પહેરવાં. સુડોળ શરીરવાળાઓને  હેરમ સારાં લાગી શકે. હેરમ કમ્ફર્ટ વેઅર છે, જે તમે કૅઝ્યુઅલી પહેરી શકો. હેરમ સાથે હાઈ પોની સારી લાગે અથવા તો ખુલ્લા વાળ. મોટે ભાગે હેરમ પ્લેન હોઝિયરીમાંથી બનાવવામાં આવે છે, જેની સાથે પ્રિન્ટેડ ટૉપ અથવા ટી-શર્ટ પહેરી મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય.

૫) લેગિંગ્સ

લેગિંગ્સ વગર યુવતીઓ અને મહિલાઓનો વૉર્ડરોબ અધૂરો છે એમ કહી શકાય. લેગિંગ્સ બધા જ પહેરી શકે. કોઈ પણ કુરતી કે ટૉપ સાથે જો કંઈ મિક્સ મૅચ કરી પહેરવા જેવું ન હોય તો એની પર લેગિંગ્સ પહેરી શકાય. લેગિંગ્સ પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને વરાઇટીમાં મળે છે. પ્લેન કુરતા સાથે પ્રિન્ટેડ લેગિંગ્સ પહેરી શકાય અને પ્રિન્ટેડ કુરતા સાથે પ્લેન લેગિંગ્સ પહેરી શકાય. લેગિંગ્સમાં પણ હવે ઘણી વરાઇટી આવે છે. જો તમારું સ્થૂળ શરીર છે અને તમારે કોઈ પાર્ટીમાં જવાનું છે તો કોઈ સેમી-ફૉર્મલ કુરતી સાથે તમે ગ્લિટરવાળું લેગિંગ્સ પહેરી શકો. લેગિંગ્સમાં ઍન્કલ-લેન્ગ્થ, જેગિંગ્સ એમ ઘણી વરાઇટી આવે છે. ઍન્કલ-લેન્ગ્થ લેગિંગ્સ સાથે હિપ કવર થાય ત્યાં સુધીનું લૉન્ગ ટૉપ અથવા શર્ટ ટાઇપ ટૉપ પહેરી શકો. એની સાથે બેલે શૂઝ અથવા સ્લિપર પહેરી શકાય.


૬) ધોતી

પહેલાં કમીઝ સાથે કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ધોતી સીવડાવતાં. હવે ધોતી રેડીમેડ મળે છે. યોકવાળી અને યોક વગરની. ધોતીમાં સાઇડમાં હાફ રાઉન્ડ શેપમાં ફૉલ આવે છે, જેને લીધે ધોતી હિપ પરથી ફૂલેલી લાગે છે તેમ જ ધોતી જ્યાં પૂરી થાય છે ત્યાં ઓવરલેપિંગ શેપ આવે છે. ધોતી પહેરવાવાળો વર્ગ જ આખો અલગ છે. ઘણા ઓછા ધોતી કૅરી કરી શકે છે. ધોતી સાથે શૉર્ટ લેન્ગ્થના કુરતા તો સારા લાગે જ છે, ટી-શર્ટ પણ સારાં લાગે છે. એના પર સ્કાર્ફ પહેરી એક અલગ લુક આપી શકાય. ધોતી, એના પર બૉડીટાઇટ ટી-શર્ટ, એના પર સ્લીવલેસ જૅકેટ અને હાથમાં અલગ-અલગ કલરની પ્લાસ્ટિક બૅન્ગલ્સ કૉલેજ ગોઇંગ યુવતી માટે પર્ફેક્ટ લુક આપશે. જો સ્થૂળ શરીરવાળા ધોતી પહેરે તો વધારે જાડા લાગશે. જે યુવતીને થોડો ભરેલો લુક જોઈતો હોય તેમણે ધોતી પહેરવી. ધોતી સાથે મોજડી વધારે સારી લાગશે.

૭) પૅન્ટ્સ

પૅન્ટ્સ કૅઝ્યુઅલ અને ફૉર્મલ બન્ને સ્ટાઇલમાં આવે છે. કૅઝ્યુઅલ પૅન્ટ્સમાં ઘણી ઇન્ટરેસ્ટિંગ પ્રિન્ટ્સ આવે છે જેમ કે ફ્લોરલ, જ્યોમેટ્રિક, ઍબ્સ્ટ્રૅક્ટ વગેરે. આવી બધી ખૂબ જ બોલ્ડ પ્રિન્ટ હોય છે. તેથી યુવતીઓ પર વધારે સારી લાગશે. પ્રિન્ટેડ પૅન્ટ્સ પર પ્લેન ટી-શર્ટ અથવા ટ્રાન્સપરન્ટ શર્ટ સારાં લાગી શકે. પ્રિન્ટેડ પૅન્ટ્સના ફૅબ્રિકમાં વરાઇટી હોય છે જેમ કે પ્યૉર કૉટન અને સિન્થેટિક. સીઝનને અનુરૂપ પૅન્ટના ફૅબ્રિકનું સિલેક્શન કરવું. ફૉર્મલ પૅન્ટ્સ : ઑફિસ વેઅર માટે બેસ્ટ ઑપ્શન છે. પાર્ટી વેઅર માટે ગ્લિટર પૅન્ટ પહેરી શકાય. પ્રિન્ટ સિલેક્શનમાં ખાસ ધ્યાન રાખવું જેમ કે જો તમે જ્યોમેટ્રિક પ્રિન્ટ પહેરવા માગતા હો અને તમારી હાઇટ ઓછી હોય તો ઊભી સ્ટ્રાઇપ પસંદ કરવી. ઝીણી અને  રનિંગ પ્રિન્ટ વધારે સારી લાગશે. ફૉર્મલ પૅન્ટ સાથે ફૉર્મલ શૂઝ પહેરવાં અથવા હાઈ  હીલ્સ પહેરવી. કૅઝ્યુઅલ પૅન્ટ સાથે કૅન્વસ શૂઝ પહેરી શકાય.