ઘરને આપો ફેસ્ટિવ મેકઓવર

11 October, 2012 06:41 AM IST  | 

ઘરને આપો ફેસ્ટિવ મેકઓવર



તહેવારોમાં રંગબેરંગી ડ્રેસિંગ કરીએ ત્યારે ઘરને ડલ રાખશો તો તહેવારનો માહોલ નહીં બને. હવે નવરાત્રિથી તહેવારોની શરૂઆત થશે ત્યારે ઘરને પણ ટ્રેડિશનલ કે મૉડર્ન રીતે ફેસ્ટિવલ્સ માટે તૈયાર કરી શકાય. અહીં દીવાલોના રંગ, ફર્નિશિંગ અને ફર્નિચર તેમ જ ઍક્સેસરીઝનો સમાવેશ થઈ શકે છે. જોઈએ કઈ રીતે ઘરને ફેસ્ટિવ ટચ આપી શકાય.

વાઇબ્રન્ટ રંગ

તહેવારોમાં ઘરને પણ થોડી ફ્રેશનસ આપવી જરૂરી છે. લિવિંગ રૂમને આ તહેવારોમાં ડેકોરેટ કરો ત્યારે મૉડર્ન ટ્રેન્ડ્સ કરતાં કમ્ફર્ટ પર વધુ ધ્યાન આપજો. જૂની સ્ટાઇલની ખુરસીઓ ટ્રેડિશનલ ડેકોરમાં સારી લાગશે. એવો રંગ પસંદ કરો જે તમને જોતાં જ ખુશનુમા લાગે. એ રંગ વાઇબ્રન્ટ અને આંખોને ગમી જાય એવો હોવો જરૂરી છે. અહીં તમે રંગોની પસંદગીથી ઘરને વિન્ટેજ, ક્લાસિક કે મૉડર્ન લુક આપી શકો છો. ગ્રીન, ઑરેન્જ અને બ્લુના શેડ્સ ફેસ્ટિવની થીમને અનુરૂપ સુંદર લાગશે. આ સિવાય ગોલ્ડ, સિલ્વર જેવા મેટાલિક ટોનમાં રિચનેસ અને લક્ઝરી રિફ્લેક્ટ થશે. આપણે ત્યાં ફેસ્ટિવ ડેકોરમાં પરંપરાગત ફૅબ્રિક અને શેપનો વપરાશ વધુ જોવા મળે છે. લાલ, લીલો, પીળો રંગ તેમ જ બાંધણી જેવી પ્રિન્ટ ટ્રેડિશનલ લાગશે. વેલ્વેટ, ટિશ્યુ તેમ જ સિલ્કના પડદા રિચ ટચ આપશે.

જો સોફાના મૂળ રંગ પર વધુ એક્સપરિમેન્ટ ન કરવો હોય તો એના પર રાખવાના કુશનમાં રંગો સાથે રમો. રેડ, ઑરેન્જ અને બ્રાઇટ પિન્કમાં કાંઠા સ્ટાઇલના ફૅબ્રિકનાં કુશન કવર્સ ટ્રેડિશનલ લુક આપશે.

મોટિફની પસંદગી

ડેકોર ઍક્સેસરીઝ પસંદ કરો ત્યારે ખૂબ મૉડર્ન શેપ્સ પસંદ કરવાને બદલે ટ્રેડિશનલ મોટિફને વળગી રહો. ફૂલ, પાંદડાં, દીવા, મોર, પેઝલી જેવી મોટિફ બેડશીટ, પિલો કે ટેબલ-ક્લોથ બધે જ સારાં લાગશે. કોઈ એવું ડેકોર પણ ન કરવું કે જે ફેસ્ટિવલ પત્યા બાદ પછી ક્યારેય કામ જ ન આવે. અહીં કર્ટનમાં પણ જ્યૉમેટ્રિકલ પ્રિન્ટ્સ કરતાં થોડી ટ્રેડિશનલ લાગતી પ્રિન્ટ અને પૅટર્ન ફેસ્ટિવ લુક આપશે. ફેસ્ટિવ ડેકોરનો અર્થ પર્સ ખાલી કરવું એવો પણ નથી એટલે જે પણ કરો એ સુંદર લાગવું જોઈએ અને સુંદર લાગવા માટે એ મોંઘું હોવું જરૂરી નથી.

ઍક્સેસરીઝ અને સજાવટ

ઘરના દ્વાર પર લગાવેલાં તોરણો અને તોડલિયા ફેસ્ટિવ હોમ ડેકોરમાં મુખ્ય ભાગ ભજવે છે. પરંપરાગત કચ્છી ભરતના અને આભલાં ભરેલાં તોરણો હજીય મૉડર્ન લોકોની પહેલી પસંદ છે. આ તોરણોમાં રહેલા લાલ-લીલા બ્રાઇટ રંગો ઘરને તહેવારોના માહોલમાં રંગે છે. આ તોરણ પર કોડી, આભલાં વગેરેનો વપરાશ કરી ડેકોરેશન કરી શકાય. તોરણ સિવાય ઘરમાં થોડા-થોડા અંતરે આભલાંની બનાવેલી લડીઓ પણ લગાવી શકાય જે રાતના સમયે સૉફ્ટ લાઇટ્સ સાથે ખૂબ સુંદર લાગશે. આ સિવાય ગલગોટાની લડીઓ પણ ફ્રેશ ડેકોરેશનના ભાગરૂપે સુંદર લાગશે.

પિત્તળના મોટા દીવડાઓ તેમ જ કાંસાની ક્રૉકરી ટ્રેડિશનલ લુકમાં ઉમેરો કરશે. આ સિવાય ટેરાકોટાના મોટા ડેકોરેટિવ પીસ ફેસ્ટિવ ડેકોરમાં સારા લાગે છે.

રોશની

તહેવારોમાં લાઇટ્સ અને રોશની મોખરે હોય છે. મૉડર્ન લાઇટિંગ કરવાનો વિચાર હોય તો આજકાલ બજારમાં મળતી એલઈડી લાઇટની પટ્ટીઓને જોઈએ એ શેપમાં વાળીને લગાવી શકાય. આ લાઇટ્સ ઓછી ઇલેક્ટ્રિસિટી વાપરે છે તેમ જ સારી રોશની આપે છે. નવરાત્રિ હોય કે દિવાળી - આ લાઇટ્સ સારી લાગશે.

ઇલેક્ટ્રિક લાઇટ્સ સિવાય કૅન્ડલ્સ અને દીવાઓથી નૅચરલ લાઇટિંગ પણ કરી શકાય છે. પાણીમાં ફ્લોટિંગ કૅન્ડલ્સ સારી લાગશે. આ ડેકોરેશન દિવાળીમાં જ સારું લાગે એવું નથી. કોઈ પણ તહેવારમાં કે ઘરને સજાવેલું જ રાખવાની ઇચ્છા હોય ત્યારે ફ્રેશ સુગંધિત ફૂલો અને અરોમા કૅન્ડલ્સનું ડેકોરેશન સુંદર લાગશે.