ડલ ડ્રેસને સુંદર બનાવતી હેવી ઍક્સેસરીઝ

08 October, 2012 06:42 AM IST  | 

ડલ ડ્રેસને સુંદર બનાવતી હેવી ઍક્સેસરીઝ



હેવી ડ્રેસ, હેવી સાડી અને સાથે હેવી જ્વેલરી - આ લુક હવે આઉટડેટેડ ગણાય છે. અત્યારે એક નવો ટ્રેન્ડ છે જેમાં ડલ અને ખૂબ જ સિમ્પલ દેખાતા ડ્રેસ સાથે બોલ્ડ ઍક્સેસરીઝ પહેરી આખા લુકને ક્લાસિક અને સેક્સી બનાવાય છે. થોડા સમય પહેલાં કરીના તેની ફિલ્મના પ્રમોશનમાં આવો જ એક પ્લેન વાઇટ ડ્રેસ પહેરીને આવી હતી જેની સાથે તેણે હેવી કૉલરની ત્રણ લાઇન અને મોટા ત્રણ પેન્ડન્ટ્સવાળો નેકલેસ પહેર્યો હતો. જો એ નેકલેસ ન હોત તો કરીના આ ડ્રેસમાં એટલી હૉટ ન લાગત. જોઈએ કઈ રીતે બોલ્ડ ઍક્સેસરીઝથી ડલ ડ્રેસને હિટ બનાવી શકાય.

ઇન્ડો-વેસ્ટર્ન


આઉટફિટ ભલે વેસ્ટર્ન હોય, પણ એની સાથે ટ્રેડિશનલ કુંદનના નેકલેસ હાલમાં ઇન છે. ફૉર્મલ સ્ટ્રેપલેસ ગાઉન પર આ પ્રકારના પોલકી અથવા કુંદનના ભરાવદાર નેકલેસ ગળાની સુંદરતા વધારે છે. દેખાવમાં આ નેકલેસ ટ્રેડિશનલ લાગે છે, પરંતુ વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેરતાં મૉડર્ન લાગે છે. આવા નેકલેસમાં ડાયમન્ડ સિવાય પ્યૉર ગોલ્ડ તેમ જ વિક્ટોરિયન ફિનિશની પણ ખાસ ડિમાન્ડ છે. કરીનાએ પહેર્યો છે એવો મીનાકારી વિથ સ્ટોનનો નેકલેસ પણ સારો લાગશે. આ સિવાય એક સ્ટેટમેન્ટ કફ, બ્રેસલેટ કે ઈયરરિંગ પણ પહેરી શકાય.

ડલ સાથે બ્રાઇટ

વેસ્ટર્ન મિની ડ્રેસિસ કે સ્કર્ટ જેવાં આઉટફિટ્સ સાથે પહેરવા માટે મોટા સ્ટોનના કે બીજા મટીરિયલના સ્ટેટમેન્ટ નેકપીસ પહેરવાનો ખાસ ટ્રેન્ડ છે. વાઇટ, બ્લૅક કે કોઈ પણ સિંગલ કલરના ડ્રેસ સાથે જો ઓપન નેક હોય તો આવો ભરાવદાર નેકલેસ પહેરી શકાય. આ મૉડર્ન નેકલેસની ડિઝાઇન નૉર્મલ નેકલેસ કરતાં ખૂબ જુદી હોય છે. જેમસ્ટોન અને રંગીન પથ્થરોનો આવા નેકલેસમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે. જ્વેલરી એક જ મટીરિયલમાંથી બનેલી હોય એ જરૂરી નથી. મેટલ, ફૅબ્રિક અને પ્લાસ્ટિક જેવાં ત્રણ-ચાર મટીરિયલને મિક્સ કરીને બનાવેલી જ્વેલરી પણ પહેરી શકાય. આ રીતનું સ્ટાઇલિંગ કરવું હોય ત્યારે ડ્રેસ ખરેખર સિમ્પલ હોય એ જરૂરી છે. કોઈ પણ પ્રકારની પ્રિન્ટ કે એમ્બþૉઇડરી ડ્રેસમાં ન હોવી જોઈએ. જો હશે તો એ ભપકાદાર લાગશે.

સાડી સાથે

પ્લેન કે ટુ-ટોન શેડેડ શિફોનની સાડી સાથે પણ બોલ્ડ જ્વેલરી પહેરી શકાય. જો ગરદન લાંબી હોય તો નેકલેસ ન પહેરતાં ફક્ત લાંબા કે ભરાવદાર ઈયરરિંગ્સ પહેરવાં. સાડી સાથે લટકતા ઈયરરિંગ્સ પણ સારાં લાગશે. સાડીની બૉર્ડર હેવી હોય એ ચાલશે, પણ સાડી ઑલઓવર વર્કવાળી ન હોવી જોઈએ. સાડી સિમ્પલ લુકિંગ હોવી જોઈએ. કૉટનની સાડી સાથે પણ જો બોલ્ડ જ્વેલરી પહેરવામાં આવે તો એ લુક ક્લાસી લાગશે.

ઍનીટાઇમ

બોલ્ડ જ્વેલરી પહેરવા માટે કોઈ ખાસ પ્રસંગ કે પાર્ટીની જરૂર નથી, કૅઝ્યુઅલ આઉટિંગ કે ઑફિસમાં પણ આવી જ્વેલરી પહેરી શકાય. થોડા સિમ્પલ અને સોબર કલરના અને સૉફ્ટ મટીરિયલમાંથી બનેલા પીસ ફૉર્મલ ટ્રાઉઝર કે સ્કર્ટ સાથે પહેરી શકાય. વન-પીસ, મિડી કે સ્કર્ટ સાથે કૅઝ્યુઅલવેઅરમાં મોટા રંગબેરંગી મોતી કે યુનિક મોટિફવાળા નેકલેસ સારા લાગશે.

એક સમયે ફક્ત એક

બોલ્ડ જ્વેલરી પહેરો ત્યારે કપડાં બોલ્ડ ન હોય એ રૂલ સાથે બીજો પણ એક નિયમ પાળવો જરૂરી છે જેમાં એક સમયે એક જ પીસ પહેરવાની સલાહ છે, કારણ કે બોલ્ડ ઍક્સેસરીઝ પર્હેયા બાદ ખૂબ હાઇલાઇટ થાય છે અને જોનારનું ધ્યાન ખેંચે છે. એટલે જો એક સમયે એક કરતાં વધુ પીસ હશે તો લુક બગડશે. વધુમાં એકેય પીસની બ્યુટી નહીં દેખાય. એક સમયે એક પીસ પહેર્યું હશે તો એ જ્વેલરીની સુંદરતા પણ ઊઠીને દેખાશે. તમારો સ્ટેટમેન્ટ નેકલેસ તમારા આઉટફિટના કલર કરતાં કૉન્ટ્રાસ્ટમાં જ હોવો જોઈએ એ જરૂરી નથી. આઉટફિટના રંગ જેવો જ નેકલેસ પહેરવાથી ડ્રેસને થોડો વધારે સારો લુક મળશે.