વધુ હાઇટની પળોજણ

31 October, 2012 06:06 AM IST  | 

વધુ હાઇટની પળોજણ


વધારે હાઇટ ધરાવતી વ્યક્તિઓનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે સ્ટાન્ડર્ડ સાઇઝનાં કપડાં તેમને આસાનીથી ફિટ નથી થતાં. અને એટલે જ વધારે હાઇટ હોય ત્યારે કપડાં સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. રંગો, પૅટર્ન અને ડિઝાઇનનો ઉપયોગ કરતાં આવડે તો આવી હાઇટ સાથે પણ હૅન્ડસમ અને ચાર્મિંગ લાગી શકાય છે. જોઈએ હાઇટ વધારે હોય તો શું સૂટ થશે.

ફાયદા અને ગેરફાયદા

વધારે હાઇટ હોવાના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. જો તમે ઍવરેજ વજન ધરાવતા કે સ્લિમ હશો તો કોઈ પણ કપડાં તમારા પર સારાં લાગશે. સ્ત્રીઓને પણ વધુ હાઇટ ધરાવતા પુરુષો પસંદ હોય છે. છ ફૂટ ચાર ઇંચ સુધીની હાઇટ નૉર્મલમાં ગણાવી શકાય, પરંતુ એનાથી વધુ હોય ત્યારે પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ઊંચાઈ સાથે જો શરીર પણ ભારે હોય તો ફિટ થાય એવાં કપડાં શોધવાં ઝંઝટભર્યું કામ બની શકે છે.

યોગ્ય ફિટ


વધુપડતાં મોટાં લાગતાં હોય એવાં કપડાં પહેરવાનું બંધ કરો, કારણ કે આ કપડાં તમારા શરીર પર હૅન્ગરની જેમ લટકશે અને શરીર સારું નહીં લાગે. એ જ રીતે ખૂબ ટાઇટ હોય એવાં કપડાં પણ ન પહેરવાં, કારણ કે એમાં તમારી હાઇટ અને સ્લિમ સ્ટ્રક્ચર ઊઠીને દેખાશે જે ખરાબ લાગશે. માટે પ્રૉપર ફિટિંગ હોય એવાં જ કપડાં પહેરો. ફૉર્મલ શર્ટ પહેરો ત્યારે શર્ટને પૅન્ટમાં ઇન કરીને પહેરો અને ટાઇટ ફિટિંગ જીન્સ, હાઇ-વેસ્ટ જીન્સ તેમ જ બૂટકટ જીન્સથી દૂર રહો. તમારે સ્ટ્રેટ ફિટિંગવાળું જીન્સ જ પહેરવું જોઈએ. લાંબા પુરુષોના ડ્રેસિંગમાં ફિટિંગ એ સૌથી મહત્વનો ભાગ છે. સૂટ પહેરવા હોય તો પોતાની હાઇટ પ્રમાણેના સૂટ ટેલર પાસે સીવડાવવા મોંઘા પડી શકે છે, પરંતુ જરૂરી છે; કારણ કે રેગ્યુલર સાઇઝનો કાટ તમને ટૂંકો લાગશે.

રંગો અને પૅટર્ન

રંગ અને પૅટર્નની બાબતમાં લાંબા પુરુષો નસીબદાર છે, કારણ કે તેમને કોઈ પણ રંગ પહેરવાની ફૅસિલિટી મળી શકે છે. લાંબા પુરુષો એવી પૅટર્ન પણ પહેરી શકે છે જેને બીજા પુરુષો કદાચ ન પહેરી શકે. પરંતુ પગથી માથા સુધી એક જ રંગમાં રંગાવું પણ યોગ્ય નથી. ઉદાહરણ તરીકે કાળો રંગ હાઇટ વધુ હોવાનો આભાસ આપે છે અને એમાં જો તમે બ્લૅક શર્ટ, બ્લૅક પૅન્ટ પહેરશો તો હાઇટ હજી વધુ લાગશે. લાંબી કરતાં આડી પૅટર્ન અને ડિઝાઇનો વધુ સારી લાગશે, કારણ કે એમાં તમારી હાઇટ સમતોલ લાગશે.

ઍક્સેસરીઝ

લાંબા પુરુષો માટે ઍક્સેસરીઝમાં બેઝિક રૂલ એ જ છે કે જેટલું પહોળું એટલું સારું. ઘડિયાળનો પટ્ટો, કમરનો બેલ્ટ અને બ્રેસલેટ બધું જ પહોળી પટ્ટીનું ખરીદવું. આવી પહોળી ઍક્સેસરીઝથી તમારી હાઇટ અને વિડ્થમાં સમતોલતા જળવાશે. શૂઝ પણ લાંબાં ન પહેરવાં, કારણ કે એનાથી પગ વધુ લાંબા લાગશે. આગળથી સ્ક્વેર કે ગોળાકાર શેપનાં શૂઝ પહેરી શકાય. આ રીતે ઍક્સેસરીઝમાં બદલાવ તમને સ્ટાઇલિશ લુક આપશે.

કેટલીક જરૂરી ટિપ્સ

પાર્ટનરની ઍડ્વાઇસ લો : પોતાના પતિ કે બૉયફ્રેન્ડ માટે કપડાં સિલેક્ટ કરવામાં સ્ત્રીની ચૉઇસ હંમેશાં સારી હોય છે. માટે કપડાં ખરીદો ત્યારે તેમને સાથે લઈ જાઓ. તમારા પર શું શોભે છે એ તેમનાથી વધુ સારી રીતે કોઈ નહીં કહી શકે.

ફિટ રહો : શરીર વધશે કે ઘટશે તો દેખાવમાં ફરક આવશે. પછી એ પૉઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારનો હોઈ શકે. આના કરતાં વર્કઆઉટ કરો અને હંમેશાં ફિટ રહો.

લાંબી પૅન્ટ પહેરો : પૅન્ટ પહેરીને બેસો ત્યારે એ ઉપર ચડી જાય તો ઍન્કલ દેખાવા ન જોઈએ એટલે એવી પૅન્ટ પહેરો જે પૂરતા માપની હોય.

કલેક્શન અપડેટ કરો : તમારા વૉર્ડરોબ અને કરન્ટ ટ્રેન્ડ્સ બન્ને પર નજર રાખો અને જો કંઈ ખૂટતું હોય તો વૉર્ડરોબને અપડેટ કરતા રહો. તમારી હાઇટ વધારે હોય તો એનો અર્થ એ નથી કે તમારે બધી નવી ડિઝાઇનોમાં કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. હંમેશાં ફૅશન ટ્રેન્ડ્સમાં શું નવું છે એ જોતા રહો અને વૉર્ડરોબમાં બદલાવ કરતા રહો.