ગ્રૂમની તૈયારીઓ પણ મહત્વની છે

10 December, 2012 09:38 AM IST  | 

ગ્રૂમની તૈયારીઓ પણ મહત્વની છે




કેટલીક વાર કોઈની મદદ વગર અને ક્યારે લગ્નની બીજી અરેન્જમેન્ટને લીધે ધ્યાન ન આપી શકવાને કારણે દુલ્હાઓ પોતાની પર્સનલ કૅર કરી શકતા નથી અને જ્યારે જાતે જ બધું કરવાનું હોય ત્યારે પ્રોપર પ્લાનિંગ સાથે કયા કામને વધુ અને કોને ઓછું પ્રાધાન્ય આપવું એ વિચાર કરવો જરૂરી બને છે. જોઈએ લગ્નની તૈયારીઓમાં દુલ્હાઓએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

કપડાં અને ઍક્સેસરીઝ


લગ્નમાં કપડાં અને ઍક્સેસરીઝ ખૂબ મોટો ભાગ ભજવે છે. તમે શું પહેરવાના છો એ ફોટો આલબમના રૂપે જીવનભર યાદગીરી બનીને સાથે રહેશે. રિસેપ્શન માટે કોઈ પણ ગ્રૂમ માટે એક ક્લાસિક લુક તરીકે ટુક્સેડો સારો લાગશે. ક્લાસિક સ્લીમફિટ ટુક્સેડો કોઈ પણ ડિઝાઇનમાં હોય તો એ પોતાના રિસેપ્શનમાં પહેરવા માટે બેસ્ટ લાગે છે. હવે ગ્રૂમ્સ માટેના વેડિંગ ડ્રેસમાં પણ રંગો સાથે એક્સપરિમેન્ટ થવા લાગ્યા છે. જોકે ટુક્સેડોની અંદર બ્લૅક અથવા વાઇટ ક્રિસ્પ શર્ટ સાથે બો-ટાઇ પહેરવી.

ઇન્ડિયન વેઅર પહેરવું હોય ત્યારે દુલ્હાઓ માટે શેરવાની હંમેશથી જ શ્રેષ્ઠ પર્યાય રહ્યો છે. પહેલાંના જમાનામાં મહારાજાઓેએ પહેરેલી શેરવાની ટાઇટ ફિટિંગ અને ઓપન કૉલરવાળી રહેતી. આવી શેરવાનીઓ હવે ફરી ટ્રેન્ડમાં આવી છે. દરેક ડીટેઇલિંગ તમારા આઉટફિટના લુકને બદલે છે એટલે નાનામાં નાની બાબત પર ધ્યાન આપવું જરૂરી છે.

ઍક્સેસરીઝમાં સમાવેશ થાય છે શૂઝ, મોજડી, બેલ્ટ, પૉકેટ સ્ક્વેર વગેરે ચીજોનો. અહીં દુલ્હાએ પોતાનો લુક ફક્ત દુલ્હનના લુક સાથે જ નહીં, પરંતુ ફૅમિલી મેમ્બર્સ સાથે પણ મૅચ થાય એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ.

લિસ્ટ અને કામ


કપડાં અને ઍક્સેસરીઝ બાદ હવે સમય છે બાકીનાં કામ કરવાનો એ પણ લિસ્ટ બનાવીને. સૌથી પહેલાં ગેસ્ટ લિસ્ટ તૈયાર કરી લો. તમારી બ્રાઇડ પોતાના લિસ્ટની સંભાળ રાખતી હોય છે ત્યારે તમારું પોતાનું લિસ્ટ ફૅમિલી સાથે બેસીને બનાવી લો. જેથી તમારે કેટલા ગેસ્ટ માટેની તૈયારીઓ કરવાની છે એનો અંદાજ આવે.

મોટા ભાગે દુલ્હાઓ લગ્ન સ્થળની પસંદગી, ડેકોરેશન, ડિઝાઇન અને મેનુ સિલેક્શન વગેરેની જવાબદારી બ્રાઇડ અથવા પોતાના પેરન્ટ્સ પર મૂકી દે છે, પરંતુ લગ્ન તમારાં પણ છે એટલે તમારા ઇનપુટ્સ પણ જરૂરી છે. તમે આવી બાબતોમાં રસ લેશો તો દુલ્હન પણ ખુશ થશે.

દુલ્હાએ પોતાનાં લગ્નનાં કપડાં બને ત્યાં સુધી વહેલાં લઈ લેવાં જોઈએ, જેથી એ પ્રમાણે બ્રાઇડ પોતાનાં કપડાં સિલેક્ટ કરી શકે.

હનીમૂન પ્લાન


આ એક એવો એરિયા છે જેના વિશેનું પ્લાનિંગ કરવાની જવાબદારી દુલ્હાએ ઉપાડવી જોઈએ. તમારી બ્રાઇડ તમારું ડ્રીમ વેડિંગ પ્લાન કરવામાં વ્યસ્ત હોય ત્યારે હનીમૂનનું પ્લાનિંગ તમે જાતે કરી તેને સરપ્રાઇઝ આપો.

ટિકિટ્સ, વીઝા, હોટેલ બુકિંગ્સ, બૅગ્સ વગેરે ચીજોનું ધ્યાન દુલ્હાએ રાખવું પડશે.

ગેસ્ટ સર્વિસ


બહારગામથી આવનારા મહેમાનો માટે ટ્રાન્સપોર્ટ અને રહેવાની સુવિધા કરવી પડશે. જેને ગ્રૂમ સુપરવાઇઝ કરી શકે છે. જો વેડિંગ પ્લાનર રાખ્યા હોય તો તમને શું જોઈએ છે અને કેવું પ્લાનિંગ કરવું છે એ વિશે વેડિંગ પ્લાનરને વાત કરો અને જો પ્લાનર ન હોય તો તમારા ફ્રેન્ડ્સમાં કામ વહેંચી દો. આખરે મિત્રો લગ્નમાં જ તો વધુ કામમાં આવે છે.

પ્રી-વેડિંગ ટ્રીટમેન્ટ


પાર્લરની અપૉઇન્મેન્ટ લઈ લેવી જરૂરી છે. લગ્નના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં ફેશ્યલ, હેરકટ, જો જરૂર હોય તો બૉડી મસાજ, મૅનિક્યૉર, પેડિક્યૉર જેવી ટ્રીટમેન્ટ્સ કરાવી લો. ગ્રૂમ માટે પણ હવે કેટલાક સૅલોંમાં ગ્રૂમ પૅકેજ તરીકેની ટ્રીટમેન્ટ્સ મળી રહે છે. જે જો બ્રાઇડ જેટલા જ સારા લાગવું હોય તો જરૂરી છે.