ગીક લુક છે હૉટ

05 December, 2012 07:55 AM IST  | 

ગીક લુક છે હૉટ




થોડા સમય પહેલાં અનુષ્કા એક ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર નીકળી ત્યારે તેનો લુક જરાય ગ્લૅમરસ કે સ્ટાઇલિશ નહોતો, પરંતુ તેની ચશ્માં અને વિધાઉટ મેક-અપ વાળી એ સિમ્પલ સ્ટાઇલ યંગસ્ટરોને ખૂબ ગમી ગયેલી. અત્યારે આખા વિશ્વમાં આવા જ સિમ્પલ સ્કૂલ ગર્લ ટાઇપના લુકનો ટ્રેન્ડ છે. જોઈએ આ લુકમાં શું છે ખાસ.

સ્વતંત્ર ફૅશન

આ લુક સ્માર્ટ કહેવાય કે સેક્સી એ ખૂબ મોટો સવાલ છે, પરંતુ જો તમે મુક્ત મને ફૅશન કરવામાં માનતા હો તો આ લુક તમારા માટે છે. જાડી ફ્રેમનાં ચશ્માં અને જીન્સ સાથે એક સિમ્પલ ટી-શર્ટ પણ તમને આ લુક આપી શકશે. આ લુક ભીડમાં નોખા તરી આવવા માટે પણ બેસ્ટ છે.

સેલિબ્રિટીઝનો ફેવરિટ

આ લુક ફક્ત કૉલેજ જતી છોકરીઓમાં જ નહીં પણ સેલિબ્રિટીઝમાં પણ લોકપ્રિય બન્યો છે. અનુષ્કા શર્માની જેમ સોનમ કપૂર, કંગના રનૌત અને કાજોલ પણ આવા લુકમાં અવારનવાર જોવા મળે છે, પરંતુ ફક્ત ચશ્માં પહેરી લેવાથી ગીક લુક નથી મળતો. ગીક ચિક લુક શાર્પ, કૉન્ફિડન્ટ અને સ્ટુડિયસ દેખાવ માટે હોય છે, પરંતુ થોડા સમય પહેલાં આ જ લુક સેક્સ અપીલ માટે જાણીતો હતો, જે હવે આઉટ છે.

બ્યુટી વિથ બ્રેઇન

હવે ફક્ત બ્યુટી કરતાં બ્યુટી વિથ બ્રેઇનની વધુ ડિમાન્ડ છે. ઇન્ટેલિજન્ટ ઇઝ સેક્સી જેવા સ્લોગન આજે પૉપ્યુલર છે ત્યારે ટૉપ ડિઝાઇનરો પણ આવો લુક પ્રેઝન્ટ કરતું કલેક્શન ડિઝાઇન કરી રહ્યા છે, જેમાં થોડી ફાટેલી જીન્સ કે શૉર્ટ્સ સાથે ગંજી ટાઇપનું ટી-શર્ટ, શ્રગ અને કાળી, જાડી ફ્રેમનાં ચશ્માં પહેરીને ગીકી લુક તૈયાર કરવામાં આવે છે.

કૅઝ્યુઅલ અને ફૉર્મલ

આ લુક ફૉર્મલ અને કૅઝ્યુઅલ આમ બન્ને પ્રકારે અપનાવી શકાય છે. ઑફિસમાં ફૉર્મલવેઅર પર આવાં ચશ્માં પહેરીને ગીક બ્યુટી બની શકાય, પરંતુ ગીક લુક કૅઝ્યુઅલવેઅર પર વધુ સૂટ થાય છે, કારણ કે એ લુકમાં જેટલી સિમ્પલિસિટી છે એટલી જ એક હટકે સ્ટાઇલ છે. એક શૉર્ટ ફ્લોરલ ડ્રેસ અને ફૉર્મલ વેઇસ્ટકોટ સાથે પણ ગીકી ચશ્માં સારાં લાગશે.

યુવકો માટે પણ

ગીક લુક યુવકોને પણ શોભે છે. એ માટે રણબીર કપૂર કે ઇમરાન ખાનને ફૉલો કરી શકાય. યુવકોને આ લુક સ્કૂલ બૉય જેવો લાગશે. કમ્પ્લીટ ગીકી લુક માટે કૉટન પૅન્ટ અથવા જીન્સ સાથે બારીક ચેક્સવાળું શર્ટ અને ટૂંકી ટાઇ પહેરી શકાય. ગીક લુક કમ્પ્લીટ કરવા માટે સાથે બ્લૅક ફ્રેમનાં ચશ્માં પહેરવાં મસ્ટ છે. પગમાં કૅનવાસના શૂઝ બેસ્ટ લાગશે.

અટ્રૅક્ટિવ ચશ્માં

ગીક લુકમાં ચશ્માં અટ્રૅક્ટિવ હોય એ જરૂરી છે. જોકે હાઇ-એન્ડ ગ્લાસિસ લેવાની જરૂર નથી, પરંતુ એ તમારા પર સારા લાગવા જોઈએ. ગીક લુક માટે જો ચશ્માં યોગ્ય ન હોય તો આખો લુક બગડી શકે છે. આ લુક કહે છે કે એને પહેરનાર ઇન્ટેલિજન્ટ અને સ્માર્ટ છે.

કેટલીક વાર ચશ્માંની સ્ટાઇલ જો તમારા પર સૂટ ન થતી હોય તો એ સ્માર્ટ લાગવાને બદલે ડોબા લાગી શકે છે.

મૅચિંગ

આ લુકમાં નો-મેક-અપ લુક જ પરફેક્ટ લાગે છે, પરંતુ જો જરૂર જ હોય તો લિપ બામ અને કાજલ લગાવી શકાય. ડાર્ક લિપ્સ્ટિક આ લુક સાથે સારી નહીં જ લાગે. ઍક્સેસરીઝ પણ બને ત્યાં સુધી ઓછી પહેરવી. ગળામાં એક લાંબી ચેઇનવાળો નેકલેસ સારો લાગશે. સ્ક્ટર્‍ પહેરવું હોય તો હાઉન્ડસ્થુથ પૅટર્નવાળું સ્ક્ટર્‍ અને સાથે વાઇટ શર્ટ પહેરી શકાય. વધુ પ્લેફુલ રહેવું હોય તો જમ્પસૂટ પહેરો, પરંતુ એને માટે બૉડી શેપમાં હોય એ જરૂરી છે.