ફ્લોરિંગ છે ઘરનો જરૂરી ભાગ

19 November, 2012 07:38 AM IST  | 

ફ્લોરિંગ છે ઘરનો જરૂરી ભાગ



ફ્લોરિંગથી ઘરને કમ્પ્લીટ લુક મળે છે અને એ ખૂબ જ જરૂરી એવો ભાગ છે, કારણ કે જો ફર્નિચર તેમ જ બીજી ઍક્સેસરીઝ મૉડર્ન હોય; પરંતુ ફ્લોરિંગ સિમ્પલ રાખવામાં આવ્યું હોય તો એ ઘરમાં કોઈ કમી વર્તાય છે. પ્રોફેશનલ ડિઝાઇનરો હંમેશાં ફ્લોરિંગને વધુ ડિઝાઇનર અને બિઝી ન બનાવવાની સલાહ આપતા હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે એના પર ધ્યાન જ ન આપવામાં આવે. કિચન, બેડરૂમ અને લિવિંગ રૂમનું ફ્લોરિંગ એની યુટિલિટી પ્રમાણે જુદા-જુદા પ્રકારનું હોવું જોઈએ. તો જોઈએ ઇટાલિયન માર્બલ અને ગ્રેનાઇટ સિવાય ફ્લોરિંગમાં કેટલા ઑપ્શન પર ધ્યાન આપી શકાય.

હાર્ડવુડ ફ્લોરિંગ

આ ટાઇપનું ફ્લોરિંગ ખૂબ જૂના જમાનાથી ચાલી રહ્યું છે અને ખૂબ પૉપ્યુલર પણ છે, કારણ કે એની ઇફેક્ટ ખૂબ જ વિન્ટેજ સ્ટાઇલની આવે છે. વળી વુડન ફ્લોરિંગ કમ્ફર્ટેબલ અને હૂંફાળું લાગે છે. જોકે એ રૂમના વપરાશ અને ત્યાંના તાપમાનને ધ્યાનમાં રાખીને વુડન ફ્લોરિંગની પસંદગી કરી શકાય. વુડન ફ્લોરિંગમાં એક આખું પાટિયું અથવા નાના-નાના ટાઇલ્સના શેપના લાકડાના ટુકડાને સેટ કરી ફ્લોરિંગ બનાવી શકાય.

કાર્પેટ ફ્લોરિંગ


હજીયે કેટલાંક ઘરોમાં કાર્પેટ ફ્લોરિંગ જોવા મળે છે. આ ટાઇપના ફ્લોરિંગમાં વરાઇટી ઘણી મળી રહે છે અને સાથે એ અફૉર્ડેબલ પણ હોવાથી લોકો એને અપનાવે છે. કાર્પેટ ફ્લોરિંગમાં ઘણાં મટીરિયલ પણ મળી રહે છે. કેટલીક ડિઝાઇનો એક મોટી કાલીન બિછાવી હોય એવી લાગે છે. આ ઉપરાંત વુડન ફિનિશવાળી પણ કાર્પેટ મળે છે, જે દેખાવમાં વુડન ફ્લોરિંગની ફીલિંગ આપે.

ટાઇલ ફ્લોરિંગ

હાલમાં ખૂબ જ કૉમનલી જોવા મળતું ટાઇલ્સનું ફ્લોરિંગ વાપરવામાં આસાન છે, કારણ કે એને સાફ કરવું ઈઝી છે. ટાઇલ ફ્લોરિંગ માટે જુદા-જુદા રંગોની ટાઇલ્સનો ઉપયોગ કરીને ડિઝાઇન પણ બનાવવામાં આવે છે. ટાઇલ્સ જુદી-જુદી ગુણવત્તાની મળી રહેતી હોવાથી એ અફૉર્ડેબલ પણ રહે છે. આ ટાઇલ્સ જલદીથી ડૅમેજ પણ થતી નથી.

લૅમિનેટ ફ્લોરિંગ

લૅમિનેટ મેઇન્ટેન કરવામાં આસાન છે તેમ જ ખૂબ ટકાઉ પણ છે. લૅમિનેટ ફ્લોરિંગનો લુક આબેહૂબ હાર્ડવુડ ફ્લોરિંગ જેવો જ હોય છે. ફરક એ જ કે એના પર સ્ક્રેચ કે ડાઘ પડતા નથી. નાનાં બાળકો ઘરમાં હોય તો આ ફ્લોરિંગ બેસ્ટ રહેશે. જ્યાં વધુ અવરજવર રહેતી હોય એવા કિચન અને બાથરૂમમાં લૅમિનેટ ફ્લોરિંગ લગાવી શકાય.

વિનાયલ ફ્લોરિંગ

ઓછા ભાવમાં વધુ વરાઇટી મળતી હોવાને કારણે વિનાયલ ફ્લોરિંગ ખૂબ જ પ્રખ્યાત છે. વિનાયલ વૉટરપ્રૂફ હોવાને કારણે એનો વપરાશ ખાસ બને છે. સાથે-સાથે એ ટકાઉ પણ હોય છે એટલે ઑફિસ જેવી જગ્યાઓ પર આ ફ્લોરિંગ લગાવી શકાય. વિનાયલ ફ્લોરિંગ પરવડે એવા રેટમાં અટ્રૅક્ટિવ ફૉર્મમાં મળી રહે છે. વિનાયલમાં જુદાં-જુદાં ટેક્સચર, કલર અને ડિઝાઇન મળી રહે છે.

બામ્બુ ફ્લોરિંગ

આપણે ત્યાં ખૂબ જ ઓછું લોકપ્રિય એવું બામ્બુ ફ્લોરિંગ ઘરને યુનિક લુક આપે છે. બામ્બુ લાકડાનો નહીં, પરંતુ ઘાસનો એક પ્રકાર હોવાને લીધે આ ફ્લોરિંગ હાર્ડવુડ ફ્લોરિંગ કરતાં ખૂબ જ જુદો લુક આપે છે. જો ઘરને થોડો અનોખો લુક આપવો હોય તો આ ફ્લોરિંગ સ્ટાઇલિશ લાગે છે અને મૉડર્ન લુક પણ આપશે.