પુરુષો માટે આઇબ્રો ગ્રૂમિંગ

31 October, 2011 07:47 PM IST  | 

પુરુષો માટે આઇબ્રો ગ્રૂમિંગ



ટૂલ્સ અને ગ્રૂમિંગ

આઇબ્રો ગ્રૂમિંગ જાતે કરવા માટે તમારી પાસે હોવા જોઈએ જરૂરી એવા ટૂલ્સ એટલે રેઝર, નાનું ઇલેક્ટ્રિ ટ્રિમર, ગ્રૂમિંગ કાતર અને ટ્વિઝર. હવે આઇબ્રો પર રેઝર કે ટ્વિઝર વાપરતાં પહેલાં ચહેરાને ભીનો કરવો. થોડું હૂંફાળું પાણી તમારા વાળનાં રોમછિદ્રોને ખોલી દેશે અને વાળ સૉફ્ટ બનશે, જેથી આઇબ્રો ગ્રૂમિંગની આ પ્રોસેસ આસાન અને થોડી ઓછી પેઇનફુલ બનશે. પ્લસ આ રીતે ઇનગ્રોન વાળ પણ આવતા અટકશે. તો હવે તમે આઇબ્રો કરવા માટે તૈયાર છો.

લંબાઈ

સૌથી પહેલાં બે આઇબ્રોની વચ્ચેના અને બહારની બાજુના છેડા પાસેના વધારાના વાળ કાઢી નાખો. આઇબ્રોની બહારની બાજુના ખૂણા આંખોની કૉર્નર સુધી એન્ડ થઈ જવા જોઈએ અને આઇબ્રોનો અંદરનો છેડો નાકના નોસ્ટ્રલની લાઇન સાથે સમાંતર હોવો જોઈએ. આ લાઇન્સની આગળ-પાછળ જે પણ એક્સ્ટ્રા વાળ હોય એ કાઢી નાખો. જો ના ખબર પડતી હોય તો એક પેન્સિલ લો અને નાકના નોસ્ટ્રલથી માથા સુધી ઊભી રાખો. પછી આ પેન્સિલને રૉટેટ કરશો એટલે એ આંખના બહારના ખૂણા તરફ પૉઇન્ટ કરો, જે તમારો આઇબ્રોનો એન્ડિંગ પૉઇન્ટ બનશે. હવે એ બૉર્ડરની બહારના વાળને કાઢવા માટે રેઝર લો અને ખૂબ હલકા સ્ટ્રોક્સ મારીને વાળ શેવ કરો સંભાળીને, કારણ કે રેઝરથી થવાના ચાન્સ વધી જાય છે. રેઝરથી કાઢ્યા બાદ વાળનો ગ્રોથ થોડા દિવસોમાં ફરી દેખાશે. તમે વાળને કાઢવા માટે ટ્વિઝર પણ વાપરી શકો છો. પણ અહીં એક્સ્ટ્રા કૅરફુલ રહો, કારણ કે ચીપિયાથી વાળ ખેંચી કાઢવાને લીધે એ ભાગમાં પરમનન્ટ હેર લૉસ પણ થઈ શકે છે.

આઇબ્રોની થિકનેસ

હવે આઇબ્રોની એ જાડા અને ઘેરા ગ્રોથથી છુટકારો મેળવવાનો સમય છે. જેના માટે નાની ગ્રૂમિંગ કાતર કે ઇલેક્ટ્રિ ટ્રિમર કામમાં આવશે. અહીં તમારે ફક્ત એટલા જ વાળ કાઢવાના છે જેટલા ખૂબ એક્સ્ટ્રા લાગતા હોય. વધારે પડતા વાળ રિમૂવ કરવાથી આઇબ્રો ફૅક લાગી શકે છે. જો વાળ પાતળા હોય તો વાળને નાના દાંતિયા કે બ્રશ વડે ઉપરની તરફ ઓળો અને પછી ખૂબ મોટા લાગતા વાળ કાતરથી કટ કરી દો. અને હા આ બધું જ કામ ખૂબ સ્લો સ્પીડ પર કરો. આ કોઈ રેસ નથી, કારણ કે એક ભૂલ તમારો આખો ચહેરો બગાડી શકે છે. માટે સ્લો કામ કરો પણ સારું કરો.

શેપ

તીર જેવી આર્ચ આપવી છે કે નથી આપવી? આ એક સવાલ છે જેનો જવાબ તમારા ચહેરાનો આકાર આપી શકે છે. જો તમારો ચહેરો લાંબો અને પાતળો હોય કે જો-લાઇન ખૂબ સ્ટ્રોન્ગ દેખાતી હોય તો તમારે આઇબ્રોને વધારે પાતળી અને આર્કવાળી ગ્રૂમ ન કરવી જોઈએ. તમારા ફેસ પર થિક અને હોરિઝોન્ટલ આઇબ્રો તમારા ફેસને થોડો નાનો હોવાનો આભાસ આપશે, જેથી જોનારની નજર તમારા હેવી જડબા પર ન જાય. બીજી બાજુ જો ચહેરો ગોળ,
ચોરસ કે નાનો હોય તો થોડી આર્ચ તમારા ફેસને લાંબો હોવાનો આભાસ આપશે.

કેટલાક રૂલ્સ

જો પહેલી વખત આઇબ્રો ગ્રૂમિંગ કરાવાના હો તો તમારે સૅલોંમાં જ જવું પડશે. એક પ્રોફેશનલ ડ્રેસર જ તમારી આઇબ્રો સારી રીતે કરી શકાશે અને કર્યા બાદ એને મેઇન્ટેઇન કરવાની કેટલીક ટિપ્સ પણ આપશે, પણ તોયે જો તમારે ઘરે જ આ મહાન કામ કરવું હોય તો કેટલાક ધ્યાનમાં રાખવા પડશે કેટલાક રૂલ્સ અને વાપરવાં પડશે કેટલાંક સારાં ટૂલ્સ.