આંખોના શેપ પ્રમાણે કરો મેક-અપ

28 September, 2011 03:01 PM IST  | 

આંખોના શેપ પ્રમાણે કરો મેક-અપ

 

ઊંડી આંખો માટે

આવી આંખો એટલે બાકીના ચહેરા કરતાં આંખો થોડી અંદર ઊતરેલી હોવી. આવી આંખો માટે લાઇટ શૅડના આઇ-શૅડો સારા લાગશે. આઇ-શૅડોના આંખોની અંદરની બાજુના ખૂણા પાસેથી લગાવતા બહારની તરફ આવો. લાઇટ કલરને આંખોની વચ્ચેના ભાગમાં લગાવો. ત્યાર બાદ ડાર્ક કલર ફક્ત બહારના કૉર્નર પાસે. ડાર્ક શેડને બહારની તરફ તેમ જ ઉપરની તરફ સારી રીતે બ્લેન્ડ કરો.

પહોળી આંખો માટે

જે સ્ત્રીઓની આંખો પહોળી હોય તેમણે આંખોના બહારના ખૂણામાં ડાર્ક શેડ લગાવીને આ પહોળી આંખોને થોડી નાની હોવાનો આભાસ આપી શકે છે. અહીં લાઇટ શેડના આઇ-શૅડોને આંખોની વચ્ચેથી અંદરના કૉર્નર તરફ લઈ જવાનો છે. જુદા-જુદા કલર્સ લઈને આઇ-લીડની વચ્ચેના ભાગથી શૅડોને બ્લેન્ડ કરો.

ક્લોઝ્ડ સેટ આઇઝ

આવી આંખો વચ્ચેની જગ્યા ખૂબ નાની હોય છે અને આંખો પાસે-પાસે હોય એવું લાગે છે. આવી યુવતીઓએ લાઇનર લગાવતી વખતે લાઇનરને આંખોની બહારની તરફ લાવતાં થિક લાઇન રાખવી, જેથી આંખો બહારના ખૂણાથી વધારે પહોળી લાગે. આંખોના અંદરના ખૂણાથી લઈને વચ્ચે સુધી આઇ-શૅડોની એક પાતળી લાઇન બનાવો અને જ્યારે બીજો શિમરિંગ શેડ લગાવો ત્યારે વચ્ચેથી શરૂ કરીને બહારની તરફ આવો. અહીં ધ્યાન રાખવાનું છે કલર્સ બરાબર બ્લેન્ડ થયા હોય તેમ જ પાંપણો પર ખૂબ બધો મસ્કરા લગાવી આંખોને વધુ હાઇલાઇટ કરો.

થોડી ઝૂકેલી આંખો


આવી આંખોની આઇ-લીડનો ભાગ ખૂબ મોટો હોય છે. અને આંખો થોડી નમેલી હોય એવું લાગે છે. આવી આંખોમાં આઇ-શૅડો સ્ટ્રોક્સમાં અને ઉપરની તેમ જ બહારની તરફ આવતો હોય એમ લગાવવો. આઇ-લાઇનરને ઉપરની પાંપણોની લાઇનથી ખૂબ નજીકથી લગાવો અને આઇ-શૅડોને બહારના ખૂણાથી ૨/૩ જેટલા ભાગમાં બરાબર બ્લેન્ડ કરો. વધારે હાઇલાઇટ કરવા માટે થોડો થિક મસ્કરા લગાવો.

એશિયન આંખો માટે


એશિયન સ્ત્રીઓને લાઇટ કલરના આઇ-શૅડો ખૂબ સુંદર લાગે છે. આંખોમાં જાડું અને ઘેરા કાળા રંગનું કાજળ લગાવવાથી આંખો મોટી લાગશે. કાજળ લગાવ્યા બાદ પાંપણોને બે-ત્રણ લેયર મસ્કરા લગાવી કવર કરો.

જુદા-જુદા આઇ મેક-અપની આવરદા

આઇ-શૅડો : બેથી ત્રણ વર્ષ. પાઉડર કે આઇ-શૅડોના આપોઆપ ટુકડા થવા લાગે ત્યારે એનો અર્થ એ કે એ ખરાબ થઈ ગયા છે. કેટલીક વખત ક્રીમબેઝ્ડ આઇ-શૅડોમાંથી અમુક પ્રકારની ગંધ આવે છે. એનો અર્થ એ વાપરવાલાયક નથી.


લિક્વિડ મસ્કરા કે આઇ-લાઈનર: ત્રણ મહિના. આ પ્રોડક્ટ્સ વૉટર-બેઝ્ડ હોવાથી એમાં બૅક્ટેરિયા લાગવાના ચાન્સિસ વધી જાય છે જેનાથી આંખોમાં ઇન્ફેક્શન થાય છે. ક્યારે પણ મસ્કરા કે લાઇનર સુકાતાં જણાય તો એમાં પાણી નાખી ફરી વાપરવાનો પ્રયત્ન કરવો નહીં.


કાજલ પેન્સિલ : સામાન્ય રીતે કાજળ લગભગ બે વર્ષ સારું રહે છે. જો કાજળ કે આઇ-પેન્સિલ વૅક્સ-બેઝ્ડ હોય તો એ વધુ ચાલે છે, કારણ કે વૅક્સ (મીણ)માં બૅક્ટેરિયા નથી લાગતા, પણ બહુ વખતથી પડી રહેલી કાજળ-પેન્સિલથી આંખમાં ઇન્ફેક્શન થાય છે. આંખની સાથે સંપર્કમાં આવતી કોઈ પણ પ્રોડક્ટનો એની કાળ-અવધિથી વધારે સમય સુધી વપરાશ ન કરવો.