સુકાતી ત્વચાને સાચવો

15 November, 2011 10:08 AM IST  | 

સુકાતી ત્વચાને સાચવો

 

ડ્રાય સ્કિનને બાકી કોઈ પણ પ્રકારની ત્વચા કરતાં થોડી વધારે સંભાળ લેવાની જરૂર પડે છે; જેથી સ્કિન ફ્રેશ, હેલ્ધી અને સૉફ્ટ બની રહે. આ માટે જો સહી સ્કિન કૅર રૂટીન ફૉલો કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળી શકે છે. તો જોઈએ શિયાળામાં સૂકી ત્વચાને કઈ રીતે વધારે સૂકી બનતાં બચાવી શકાય.

ત્વચાને શિયાળા માટે તૈયાર કરો

શરૂઆત કરો તમારી ત્વચાને ક્લીન કરવાથી. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ સ્ક્રબિંગ કરવું જોઈએ, પણ અઠવાડિયામાં ફક્ત એક વાર. એક્સફોલિએશન કરવાથી સ્કિન પરથી મૃત કોષો દૂર થશે, પણ ધ્યાન રાખો કે કંઈ પણ જો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો હાનિકારક હોય છે. સ્ક્રબ ઘરે તૈયાર કરવાની કોશિશ ન કરો, કારણ કે આવા સ્ક્રબના દાણા એકસરખા અને ઈવન નહીં હોય અને શક્ય છે કે એ ત્વચામાં ચીરા પાડે.

હવે વારો મૉઇસ્ચરાઇઝરનો

એક્સફોલિએશન બાદ ત્વચાને મૉઇસ્ચરાઇઝ કરવી શિયાળામાં ખાસ જરૂરી છે. વિટામિન સીવાળું મૉઇસ્ચરાઇઝર ખૂબ સારી રીતે કામ કરશે. મૉઇસ્ચરાઇઝરને સ્કિન પર લગાવ્યા પછી પાંચ મિનિટ સુધી એમ જ રાખીને સેટ થવા દો, જેથી ત્વચા એ મૉઇસ્ચરાઇઝરને ઍબ્સૉર્બ કરી લે. મૉઇસ્ચરાઇઝર કરેલી સ્કિન પર લગાવેલો મેક-અપ પણ વધારે સમય સુધી ટકશે, પણ જો મૉઇસ્ચરાઇઝર સેટ થયા પહેલાં મેક-અપ લગાવવામાં આવશે તો મૉઇસ્ચરાઇઝરની ઇફેક્ટને કારણે મેક-અપ પણ નીકળી જશે. આ પછી સન પ્રોટેક્શનવાળું ફેસ પ્રાઇમર લગાવો.

શિયાળામાં ફાઉન્ડેશન

તમારી ત્વચા માટે સાચું ફાઉન્ડેશન પસંદ કરવું જરૂરી છે. તમારી ત્વચા સૂકી છે માટે જો વૉટર-બેઝ્ડ ફાઉન્ડેશન હશે તો સ્કિન વધારે સૂકી બનશે. એના કરતાં ઑઇલ-બેઝ્ડ મૉઇસ્ચરાઇઝિંગ ફાઉન્ડેશન પસંદ કરો. પાઉડર કૉમ્પેક્ટનો વપરાશ ડ્રાય સ્કિન માટે નથી. આઇ-શૅડો કે બ્લશ પણ ક્રીમી જ વાપરવાં. એસનીએફ ૧૫વાળું લિપ બામ હંમેશાં પોતાની સાથે રાખો.

અન્ડર-આઇ ક્રીમ મસ્ટ છે

ખૂબ જ સારી ક્વૉલિટીની અન્ડર-આઇ ક્રીમ વાપરો, જે સ્કિન હાઇડ્રેટ કરે. અન્ડર-આઇ ક્રીમ આંખોની નીચે થતાં કાળાં કૂંડાળાં, ડ્રાય સ્કિન બધામાં રાહત આપશે અને આંખોની નીચે તેમ જ બહારના ખૂણામાં કરચલી થતા બચાવશે.

શિયાળામાં મેક-અપ રીમૂવલ

રાતે સૂતા પહેલાં એક જેન્ટલ મેક-અપ રીમૂવરથી બધો જ મેક-અપ કાઢી નાખો. જો તમારી ત્વચા વધુપડતી ડ્રાય હોય તો મેક-અપ કાઢવા માટે ક્રીમી ક્લેન્ઝરનો ઉપયોગ કરો.

વિન્ટરમાં હેરની કૅર કરો

તમે જ્યારે પોતાના શરીર અને ચહેરાની આટલી સંભાળ લો ત્યારે વાળને ઇગ્નોર ન કરો. તમારા વાળ અને માથાની સ્કિનને પણ શિયાળામાં એક્સ્ટ્રા કૅરની જરૂર છે. વાળમાં ઑઇલ મસાજ, શૅમ્પૂ અને કન્ડિશનર ખૂબ સારી ક્વૉલિટીનાં હોય એ જરૂરી છે. શિયાળા દરમ્યાન વાળમાં બ્લો ડ્રાય કરવાનું ટાળો. વાળને તડકો વધુપડતો ન લાગવો જોઈએ અને માટે જ જ્યારે બહાર નીકળો ત્યારે વાળ પર સ્કાર્ફ બાંધો. જો વાળ વધુ પડતા બરછટ હોય તો હાઇડ્રેટિંગ સ્પા કરાવો.

આહાર પણ જરૂરી

શિયાળામાં ત્વચાની બહારથી જેમ સંભાળ લો એમ શરીરની અંદર આહાર પણ સારો હોય એ જરૂરી છે. રોજનું આઠ ગ્લાસ પાણી, ફળોના જૂસ, બદામ, અખરોટ જેવાં તૈલી નટ્સ વગેરેનો આહારમાં સમાવેશ હોય એ જરૂરી છે.

શિયાળામાં મૉઇસ્ચરાઇઝરનું મહત્વ

રેગ્યુલર રીતે ત્વચા પર કરવામાં આવતો મૉઇસ્ચરાઇઝિંગ મસાજ શિયાળાના ઠંડા અને સૂકા દિવસોમાં સ્કિનને સૉફ્ટ અને સુંવાળી રાખે છે. ત્વચાને ફ્રેશ રાખવા માટે અઠવાડિયામાં એક વાર ફેસપૅક પણ લગાવી શકાય.