૪૦ પછી કેવું કરશો ડ્રેસિંગ?

10 October, 2012 06:21 AM IST  | 

૪૦ પછી કેવું કરશો ડ્રેસિંગ?



કોઈ પણ ઉંમરે પોતાના મનને ગમે એ રીતે ડ્રેસિંગ કરી શકાય; પરંતુ એમાં ૧૬ વર્ષની કન્યા જેવા ન લાગો એનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે એવું કરવા જતાં તમે છો એના કરતાં પણ વધુ વૃદ્ધ લાગશો. ૪૦ની વય બાદ વેસ્ટર્ન ડ્રેસિસ ન પહેરી શકાય એવું નથી, પરંતુ શું પહેરવું અને કેવી રીતે પહેરવું એની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. શ્રીદેવી અને માધુરી જેવું ફિગર મેળવવું જો શક્ય ન હોય તો એ ડ્રેસિંગમાં થોડી તકેદારી લઈને એટલું સુંદર લાગી તો શકાય જ છે. જોઈએ ફોર્ટી પ્લસ એજ માટે વેસ્ટર્ન ડ્રેસિંગની કેટલીક ટિપ્સ.

€ એવું કંઈ પણ ન ખરીદો જે તમારા શરીર પર ન શોભતું હોય, ભલે પછી એ આ સીઝનનો લેટેસ્ટ ટ્રેન્ડ હોય. આ માટે સૌથી પહેલાં તમારે પોતાનું બૉડી-ટાઇપ જાણવું જરૂરી છે.

€ ખૂબ મૅચિંગ-મૅચિંગ બનવાની ટ્રાય પણ ન કરો. ચીજોને મિક્સ કરવી સારી વસ્તુ છે, પણ આ એજમાં એ થોડું વધુ રમૂજી લાગશે. સ્કર્ટ પહેરો તો જૅકેટનો રંગ જુદો હોવો જરૂરી છે.

€ ખૂબ પાતળું ફૅબ્રિક કે સસ્તું ફૅબ્રિક લેવાનું બંધ કરો, કારણ કે એ વધુ સમય નહીં ટકે તેમ જ શરીર પર નહીં શાભે.

€ ટાઇટ ફિટિંગ સ્કર્ટ કે પૅન્ટ સાથે ટાઇટ ટૉપ મૅચ ન કરવું. બૉટમમાં ટાઇટ પહેર્યું હોય તો ટૉપ હંમેશાં લુઝ હોવું જોઈએ.

€ ડિઝાઇનર આઇટમને નૉન-ડિઝાઇનર આઇટમ સાથે મિક્સ કરવાની ટ્રાય કરો.

€ ૪૦ પછી પહેરવા માટે ગોઠણ સુધીની લંબાઈનાં સ્કર્ટ પર્ફેક્ટ રહેશે. ગોઠણની ઉપર સુધીનું યોગ્ય નહીં લાગે, કારણ કે એમાં તમારા ગોઠણ દેખાશે અને તમારી ઉંમર નજરે પડશે. ખૂબ લાંબા કે ખૂબ પહોળાં ન હોય એવાં સ્કર્ટ તમને આ એજમાં શોભશે.

€ એ રંગો પહેરવાનો વિચાર માંડી વાળો જે તમે ૨૦ વર્ષની વયે પહેરતા હતા. બૉટમમાં એક વાર ચાલી જશે, પણ ટૉપમાં કે ચહેરાની પાસે તો નહીં જ; કારણ કે બ્રાઇટ રંગોની સામે તમારી કરચલીઓ વધુ ઊઠીને દેખાશે. શૉપિંગ કરવા જાઓ ત્યારે કલર ચાર્ટમાંથી રંગો પસંદ કરવાને બદલે પહેરીને જુઓ અને જે શોભે એ ખરીદો.

€ જે બાકીના માટે ટ્રેન્ડી લાગે છે એ તમારી માટે હવે અટ્રૅક્ટિવ નહીં લાગે. આ ઉંમરે ટ્રેન્ડનો વિચાર ઓછો કરવો. હમણાં ચાલી રહ્યા છે એવા ધોતી પૅન્ટ્સ અને શૉર્ટ ટૉપ્સ કે કુરતીઓ તમારા માટે છે જ નહીં. આના કરતાં બોલ્ડ જ્વેલરીનો પીસ કે સિલ્કના સ્કાર્ફ સાથે કોઈ સિગ્નેચર સ્ટાઇલ સ્થાપો.

€ એવા ડ્રેસિસ ટ્રાય કરો જેમાં ડ્રેપ્સ હોય, ટેક્સ્ચર હોય અથવા જો ફિગર જાળવી રાખ્યું હોય તો બ્લાઉઝ સ્ટાઇલનાં ફૉર્મલ ટૉપ્સ સાથે પેન્સિલ સ્કર્ટ તમારા માટે પર્ફેક્ટ છે. હિપ લેન્ગ્થ સાથે કૉટનની કૅપ્રિઝ કે ડેનિમ પૅન્ટ્સ સારાં લાગશે. બ્લૅક, ન્યુડ કે થોડા શાઇની એવાં સિલ્વર અને ગોલ્ડન હાઈ હીલ સૅન્ડલ તમારા ડ્રેસિંગને ચાર ચાંદ લગાવશે. મોટી કૉકટેલ રિંગ્સ પહેરો અને હાથ માટેની ઍક્સેસરીઝ પર ખાસ ધ્યાન આપો. ખાસ ઑકેઝન પર સાડીઓ ગ્લૅમરસ ટચ આપશે.

કયા એરિયા પર ધ્યાન આપવું?

કરચલીવાળી ગરદન : જો ગરદન પર ફાઇન લાઇન્સ દેખાવા લાગી હોય તો ચાઇનીઝ કૉલર અથવા ટર્ન-અપ કૉલર પહેરો. આ એરિયા દેખાય ન આવે એટલે ચહેરા પર વધુ ફોકસ કરો.

હેવી પેટ : જૅકેટ અને એવા બીજા પીસ પહેરો જે તમારા શરીરને શેપ આપો. જો બૉડી વધુ હેવી હોય તો શેપવેઅર પણ પહેરી શકાય.

પાતળા વાળ : જો તમારા વાળ ખૂબ પાતળા થઈ ગયા હોય તો એને સારી નવી હેરસ્ટાઇલમાં કટ કરાવી લો. જો સૂટ થતા હોય તો ટૂંકા વાળ રાખો, જે ઘેરા પણ લાગશે.

ખભા અને પગ : ખભા અને પગના ભાગ પર ઉંમરની અસર ખૂબ મોડી થાય છે એટલે એ ભાગો પર ખાસ ફોકસ કરો. એનો અર્થ એ નથી કે મિની સ્કર્ટ અને સ્ટ્રેપલેસ પહેરવું જોઈએ, પરંતુ પગ હાઇલાઇટ થાય એવા શૂઝ અને ગોઠણ સુધીની લંબાઈના ડ્રેસિસ પહેરી શકાય.

શું અવૉઇડ કરવું?

ગમે એટલું સારું ફિગર હોય તો પણ ખૂબ ટૂંકાં સ્કર્ટ, કાઉબૉય બૂટ, મિની ડ્રેસિસ, મિની સ્કર્ટ, વૉર્નઆઉટ જીન્સ આટલું પહેરવાનું અવૉઇડ કરો. જો આ ઉંમર સુધી પહોંચતાં વજન થોડું વધી ગયું હોય અને ફિગર એટલું ફ્લૅટરિંગ ન રહ્યું હોય તોય ખૂબ લુઝ જીન્સ, અનફિટેડ બ્લેઝર, મોટું સ્વેટર અને વધુપડતાં લાંબાં સ્કર્ટ પહેરવાનું ટાળો.