"મારો ચણિયા-ચોળીઓ કલેક્ટ કરવાનો શોખ પૂરો જ નથી થતો"

23 October, 2012 05:58 AM IST  | 

"મારો ચણિયા-ચોળીઓ કલેક્ટ કરવાનો શોખ પૂરો જ નથી થતો"



મૂળ અમદાવાદમાં જ જન્મેલી અને મોટી થયેલી દિશા વાકાણી છેલ્લાં ચારેક વર્ષથી મુંબઈમાં છે અને માટે જ પોતાના અમદાવાદના ગરબાને ખૂબ મિસ કરે છે. નવા-નવા ચણિયા-ચોળી પહેરીને, સજીધજીને ગરબા રમવા જવાનો શોખ ધરાવતી દિશા આજે ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે પોતાના ગરબા રમવાના શોખની વાતો.

નવરાત્રિ મારી ફેવરિટ

આ તહેવાર મારો ફેવરિટ છે. ફક્ત સ્ક્રીન પર જ નહીં, હકીકતમાં પણ ગરબા રમવાનો મને બહુ શોખ છે. મારું બાળપણ અમદાવાદમાં વીત્યું છે જ્યાં અમારી પારસકુંજ સોસાયટીમાં ગરબા થતા. નવરાત્રિમાં નવે-નવ દિવસ માતાજીનો ફોટો રાખી, આરતી કરી એની ફરતે ગરબા રમતા. એમાં કોઈ ઘરેથી દીવા માટે વાટ લાવે તો કોઈ માતાજીનો શણગાર લાવે, કોઈ પ્રસાદ લાવે. આમ બધા મળીને નવરાત્રિ સેલિબ્રેટ કરતા. ગરબા રમવામાં પણ છેલ્લાં બે વર્ષથી જ સી.ડી. વગાડીને રમાય છે. બાકી તો જેના ઘરે ઢોલ, ખંજરી જેવું જે વાજિંત્ર હોય એ લઈ આવે અને બધી બહેનો માઇકમાં ગરબા ગાય. આ બધાની મજા ખૂબ અનોખી હતી જે હવેની નવરાત્રિમાં નથી આવતી. સ્કૂલ અને કૉલેજની લાઇફમાં જે ઝૂમીને ગરબા રમ્યા છે એ હવે મિસ કરું છું. ગુજરાતમાં એક લાઇનમાં એક જ હરોળમાં ગરબા રમવામાં આવે જેમાં ધક્કા-ધક્કી ન થાય અને માટે જ એ ગરબા ખૂબ જ શિસ્તબદ્ધ, સભ્ય અને દેખાવમાં સારા લાગે.

સાજ-સજાવટ

બની-ઠનીને ગરબા રમવા જવાની મજા આવે. મને ચણિયા-ચોળી કલેક્ટ કરવાનો ખૂબ શોખ છે એટલે જ્યારે પણ અમદાવાદના લૉ ગાર્ડન પાસેથી પસાર થાઉં ત્યારે ચણિયા-ચોળી ખરીદી લઉં. મેં કેટલીયે વાર ઉતરાણમાં પણ જઈને નવરાત્રિના ડ્રેસ ખરીદ્યા છે. આ સિવાય ગમે તે જગ્યાએ ઑક્સિડાઇઝ અને મોતીના સેટ દેખાય અને એવું લાગે કે એ ચણિયા-ચોળી પર સારા લાગશે તો એ હું ખરીદી લઉં. હવે તો મમ્મી પણ બોલે કે કેટલું જમા કરીશ? પણ એ શોખ પૂરો જ નથી થતો. હવે તો ખબર પડી છે કે નવરાત્રિના નવ રંગ હોય અને લોકો એ પ્રમાણે ડ્રેસિંગ કરે એટલે હું પણ એ જ રંગના દુપટ્ટા ખરીદી લઉં છું અને ચણિયા-ચોળી સાથે જુદા-જુદા રંગના દુપટ્ટા પહેરું જે દેખાવમાં સુંદર લાગે છે.

બાંધણી સદાબહાર

મને બાંધણીઓ પહેરવી ખૂબ જ પસંદ છે. આ એક એવું પરિધાન છે જે ગમે એ પ્રસંગે સારું જ લાગશે. બાકી બધી ફૅશન આવે ને જાય, પણ બાંધણી ક્યારેય જૂની થવાની નથી. એ હંમેશાં ફૅશનેબલ લાગશે. જેમ રંગમાં જ્યારે કંઈ ન સમજાય ત્યારે બ્લૅક પહેરી શકાય એમ ડ્રેસમાં પણ જો કંઈ ન સમજાતું હોય તો બાંધણીની સાડી પહેરવી. એ બેસ્ટ લાગશે. બાંધણી ખૂબ મૉડર્ન પણ નથી અને ખૂબ દેશી પણ નથી. એ સોબર લાગે છે અને બેસ્ટ લાગે છે.  

દશેરાની મજા

દશેરાના દિવસે જલેબી અને ફાફડા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવા ક્યારેક મારો ભાઈ મયૂર જાય તો ક્યારેક પપ્પા. દશેરાના દિવસે સવારમાં ગરમાગરમ ફાફડા-જલેબી ખાવાની મજા આવે. ઘણી જગ્યાએ લાંબી લાઇન એટલે લાગી હોય છે કે એના ફાફડા-જલેબી નહીં પણ સાથે મળતી ચટણી વધુ ટેસ્ટી હોય છે. દશેરાના દિવસે સોનું ખરીદાય એ મને છેક આ વર્ષે ખબર પડી એટલે આ વર્ષે એ પણ કરવાની છું. દશેરાને દિવસે રાવણદહન જોવું પણ ગમે, પરંતુ આજ સુધી સાચું રાવણદહન જોવાનો મોકો નથી મળ્યો. સિરિયલના સેટ પર પહેલી વાર મને એ જોવાનો મોકો મળ્યો હતો અને એ જોવાનો અનુભવ ખરેખર અવર્ણનીય છે.

રિધમ ઇન લાઇફ

મેં ક્યાંક વાંચ્યું છે કે આપણા બધામાં એક મ્યુઝિક, એક રિધમ હોય છે જેને કોઈ ને કોઈ સ્વરૂપે બહાર લાવવી જોઈએ. વેસ્ટર્ન કલ્ચરમાં જે રીતે ડિસ્કો ડાન્સ થાય એમ આપણે ગરબા રમીએ અને એ રીતે એ રિધમ બહાર આવે.