બ્યુટી-વેસ્ટમાં કરો ઘટાડો

02 December, 2011 07:57 AM IST  | 

બ્યુટી-વેસ્ટમાં કરો ઘટાડો



એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીનું કહેવું છે કે આપણે એક વર્ષમાં આશરે બે લાખ જેટલાં પ્લાસ્ટિકનાં રેઝર ફેંકીએ છીએ. આ ઉપરાંત સંપૂર્ણ કચરામાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પૅકેજિંગનો ફાળો એક-તૃતીયાંશનો છે. શા માટે તમારા બ્યુટી-રેજિમનો ભોગ વાતાવરણે બનવું જોઈએ? જો તમારે પર્યાવરણને થતા નુકસાનમાં થોડો ઘટાડો કરવો હોય તો આ રહી કેટલીક ટિપ્સ.

ડિસ્પોઝેબલ આઇટમ્સ વાપરવાનું ટાળો

થોડા ટકાઉ અને લાંબો સમય ચાલે એવા રેઝરનો ઉપયોગ કરો. મોઢું લૂછવા માટે પણ યુઝ ઍન્ડ થ્રો ફેસ વાઇપ્સ કે ટિશ્યુ કરતાં કાપડનો ટુવાલ વાપરો. એ સેફ અને ઇકો-ફ્રેન્ડ્લી છે.

બલ્ક શૉપિંગ

જે ચીજો તમારા રોજબરોજના વપરાશની હોય એ વારંવાર ખરીદવા કરતાં એકસાથે મોટા પૅકિંગમાં લઈ લો, કારણ કે બે નાનાં કન્ટેનર કરતાં એક મોટા કન્ટેનરનો કચરો ઓછો હશે અને એનું પૅકેજિંગ પણ ઓછું હોય છે. આ સાથે જ મોટા પૅકેટની પ્રાઇસ હંમેશાં થોડી ઓછી હોય છે. આ રીતે તમે થોડા પૈસા પણ બચાવી લેશો. હા, આ મોટા પૅકેટનું કન્ટેનર પૂરું વાપરજો, નહીં તો આ આખો પ્રયોગ ફેલ જશે.

પ્રોડક્ટ્સ ખરીદતાં પહેલાં ટ્રાય કરો

આપણે ઘણી વાર પ્રોડક્ટ્સ મોટા પ્રમાણમાં લઈ લીધા પછી એને વાપરતા નથી. આમ એ ઘરમાં પડી રહે છે જે થોડા સમય બાદ ખરાબ થઈ જાય છે અને ઘરની બહાર કચરામાં ફેંકાઈ જાય છે. આમ તમારો એક ચીજ ખરીદવાનો શોખ પર્યાવરણે ભોગવવો પડશે એટલે આવું કરવાનું શક્ય ત્યાં સુધી ટાળો.

ગ્રીન પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપો

ઇકો-ફ્રેન્ડ્લી બ્યુટી-પ્રોડક્ટ્સ વાપરીને તમે પર્યાવરણના ભલામાં સારુંએવું યોગદાન આપી શકશો. પ્રોડક્ટ્સ ખરીદો ત્યારે એના પર ગ્રીન કલરનો માર્ક જુઓ. એ સૂચવશે કે એ પ્રોડક્ટ્સ ઇકો-ફ્રેન્ડલી કન્ડિશનમાં બનાવેલી છે તેમ જ રીસાઇકલેબલ છે.

લોકલ શૉપિંગ કરો

ઑનલાઇન શૉપિંગ કરીને બહારગામથી પ્રોડક્ટ્સ મગાવવા કરતાં લોકલ દુકાનોમાંથી શૉપિંગ કરો, કારણ કે લોકલ શૉપમાંથી શૉપિંગ કરશો ત્યારે જો એ પ્રોડક્ટ તમને કોઈ હાનિ પહોંચાડશે તો એ કંપની અને દુકાનદાર બન્ને તમારી પહોંચમાં હશે. બીજું કારણ એ કે ઇન્ડિયન પ્રોડક્ટ્સ ખાસ આપણી ઇન્ડિયન સ્કિન અને લોકલ વેધરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય છે, જ્યારે ઇમ્પોર્ટે‍ડ પ્રોડક્ટ્સ ખાસ એ દેશની સ્કિન અને સીઝનને માફક આવે એ રીતે બનાવવામાં આવી હોય છે એટલે એ આપણી સ્કિનને સૂટ નથી થતી.

મિનિમમ પૅકેજિંગવાળી પ્રોડક્ટ્સ ખરીદો

કોઈ પ્રોડક્ટ જો બે-ત્રણ પેપર અને બૉક્સમાં પૅક કરેલી હશે તો પણ એમાંની પ્રોડક્ટ જ કામની છે. બૉક્સ ભલે દેખાવમાં સારું હોય તો પણ અંતે ફેંકી જ દેવું પડશે. કેટલીક પ્રોડક્ટ્સ કારણ વગર પ્લાસ્ટિકની મોટી બૉટલ કે કાર્ડબોર્ડના બૉક્સમાં પૅક કરેલી હોય છે. આ રીતે એ પ્રોડક્ટસની પ્રાઇસ વધી જાય છે અને કચરો પણ વધે છે.

ઍલ્યુમિનિયમ-ફ્રી ડીઓડરન્ટ વાપરો

મોટા ભાગનાં ડીઓડરન્ટમાં ઍલ્યુમિનિયમનો વપરાશ કરવામાં આવે છે જે રોમછિદ્રોને બ્લૉક કરીને પસીનાને આવતો રોકે છે. એને લીધે હેલ્થ ખરાબ થાય છે, કારણ કે ઍલ્યુમિનિયમ શરીરનાં ટૉક્સિન્સને પસીનારૂપે બહાર નથી નીકળવા દેતું. આના કરતાં એસેન્શિયલ ઑઇલ કે અત્તર જેવી નૅચરલ પ્રોડક્ટ્સ વાપરો.

ઘરે જ બ્યુટી-ટ્રીટમેન્ટ લો

ગ્રીન બ્યુટીને સપોર્ટ કરવાનો એક સૌથી મોટો ઉપાય એટલે બહાર જઈને બ્યુટી-ટ્રીટમેન્ટ કરાવવા કરતાં અને બહારના સ્પાનો કચરામાં વધારો કરવા કરતાં ઘરે જ પોતાના માટે સ્પા તૈયાર કરી બ્યુટી-ટ્રીટમેન્ટ આપો. અહીં ફક્ત ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે એમ કરવા જતાં તમારી જાતને રીઍક્શન અને ઇરિટેશનની ભેટ ન આપો. એટલે એ જ ટ્રીટમેન્ટ કરો જે તમને સૂટ થાય.

નો ઍનિમલ ટેસ્ટેડ

જે કંપનીઓ પ્રાણીઓ પર પ્રોડક્ટ્સની ટેસ્ટ કરતી હોય એનાથી દૂર રહો, કારણ કે બ્યુટી-પ્રોડક્ટ્સની ક્વૉલિટી તમારા માટે સારી છે કે નહીં એ ચેક કરવાના હેતુથી કેટલાંય પ્રાણીઓ કેમિકલ બર્ન અને આંખના રીઍક્શનથી પીડાય છે એટલે આવી કંપનીઓને પ્રોત્સાહન ન આપો. એવી કંપનીની પ્રોડક્ટ્સ વાપરો જે પોતાની પ્રોડક્ટ્સને પ્રાણીઓ પર ન ચકાસતી હોય. આવી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સના પૅકેજિંગ પર ‘નો ઍનિમલ ટેસ્ટેડ’ કહેતો લોગો પ્રિન્ટ કરે છે.