ડેડલી ફૅશન-ટ્રેન્ડ્સ

25 November, 2011 08:14 AM IST  | 

ડેડલી ફૅશન-ટ્રેન્ડ્સ



અસ્થિમાંથી ઍક્સેસરીઝ

પ્રિયજનને ખોઈ બેસવું એનાથી મોટું દુ:ખ કોઈ હોતું નથી અને આ ચીજનો ખાલીપો ભરવા માટે કોઈ ઑપ્શન પણ નથી. એટલે જ આજ-કાલ બ્રિટનના રિચ લોકો પોતાના પ્રિયજનોને હંમેશાં પોતાની સાથે રાખવા માટે એક ખૂબ વિચિત્ર એવો ટ્રેન્ડ સ્થાપી રહ્યા છે. એમાં તેઓ પોતાના પ્રિયજનોનાં અસ્થિમાંથી વીંટી, પેન્ડન્ટ, કફલિન્ક્સ, પેપરવેઇટ વગેરે ઍક્સેસરીઝ બનાવી રહ્યા છે, જે કદાચ ફ્યુચરમાં મૃત શરીરનો નિકાલ કરવાનો એક ઉપાય પણ બની શકે છે.

આ જ્વેલરી બનાવવા માટે કાચને ૧૧૦૦ ડિગ્રી સુધી ગરમ કરીને એમાં અસ્થિનો ભૂકો ભરવામાં આવે છે અને આમ યાદગાર એવી ક્રિસ્ટલ ગ્લાસ જ્વેલરી બનાવવામાં આવે છે.

માત્ર જ્વેલરી જ નહીં

આ અસ્થિનું ગાંડપણ ફક્ત જ્વેલરી સુધી જ સીમિત નથી. એને વિનાયલ રેકૉર્ડમાં પ્રેસ કરીને પોતાનાં ફેવરિટ ગીતો માટેની રેકૉર્ડ પણ બનાવવામાં આવે છે, જે મૃત પ્રિયજનની એક યાદગાર નિશાની બનીને રહેશે.

પાળેલાં પ્રાણીઓ પણ સામેલ

લોકો ફક્ત પોતાના પ્રિયજનોનાં જ નહીં, પાળેલાં પ્રાણીઓનાં અસ્થિને પણ પોતાની પાસે નિશાની બનાવીને રાખી રહ્યા છે. જપાનમાં આવા જ એક કિસ્સામાં પોતાના પાળેલા પ્રાણીનાં અસ્થિને એક વ્યક્તિએ એક કૅરેટ વજનના પીળા રંગના ડાયમન્ડમાં ફેરવી જ્વેલરીમાં સેટ કયાર઼્ હતાં. એક ઑપ્શનમાં તમે અસ્થિને ઊનમાં મિક્સ કરીને કોટ પણ બનાવડાવી શકો છો. છેને વિચિત્ર ફૅશન!

બીજી કેટલીક ડેડલી ફૅશન અને બ્યુટી-ટ્રેન્ડ્સ

ડ્રૅક્યુલા થેરપી : ડ્રૅક્યુલા એટલે લોહી ચૂસનાર. નામ પ્રમાણે જ આ બ્યુટી થેરપીમાં તમારા જ શરીરમાંથી કાઢેલા લોહી પર ફરી બીજી દવાઓની પ્રોસેસ કરીને તમારી જ ચામડીમાં દાખલ કરવામાં આવે છે, જેના પરિણામરૂપે ત્વચા પરની કરચલી દૂર થાય છે અને ફરી યુવાન ગ્લો મળે છે.

કિલર જીન્સ : આ જીન્સને બૅન કરવાનો હુકમ ખૂબ વખત પહેલાં જ બહાર પડી ચૂક્યો છે, પણ હજીયે કેટલીક કંપનીઓએ આ જીન્સ બનાવવાનું ચાલુ જ રાખ્યું છે. આ કૉન્સેપ્ટમાં જીન્સને વૉશ્ડ આઉટ કે વૉર્ન આઉટ લુક આપવા માટે એના પર ખૂબ સ્પીડમાં સિલિકા ડસ્ટનો મારો કરવામાં આવે છે, જેના લીધે મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં કામ કરતી કેટલીયે વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. માટે જ આ જીન્સને કિલર જીન્સ એવું નામ આપી એના પર પ્રતિબંધ મુકાયો છે.

લોહિયાળ પરફ્યુમ:

બ્લડ-ગ્રુપ પ્રમાણે પરફ્યુમ બનાવવાનો કૉન્સેપ્ટ તો હજીયે વાજબી છે, પણ તાજેતરમાં ઇન્ટરનૅશનલ પૉપસ્ટાર લેડી ગાગાએ પોતાની સિગ્નેચર બ્રૅન્ડનું પરફ્યુમ લૉન્ચ કર્યું છે, જેની ખાસિયત એ છે કે એની સુગંધ મનુષ્યના લોહી અને વીર્યને આધારે હશે. અને માટે જ આ પરફ્યુમનું નામ બ્લડ ઍન્ડ સિમન એવું આપવામાં આવ્યું છે, જે ખરેખર જ ખૂબ વિચિત્ર કહી શકાય એવો ફૅશન-ટ્રેન્ડ છે. બીજા એક પરફ્યુમમાં વ્યક્તિના ડીએનએ પરથી પરફ્યુમ બનાવવામાં આવે છે. અહીં ખાસિયત એ છે કે કોઈ બે વ્યક્તિના ડીએનએ સરખા નથી હોતા, જેથી પરફ્યુમ પણ તમારા ડીએનએની જેમ ખાસ અને વ્યક્તિગત હશે. આમાં તમારા શરીરમાંથી ડીએનએનું સૅમ્પલ લઈને એને અનુરૂપ સુગંધ બનાવાય છે.

સાપની કાંચળીની નેઇલપૉલિશ: નેઇલ આર્ટમાં આ ડિઝાઇન બનાવવામાં આવે એ તો ઠીક, પણ આ મૅનિક્યૉરમાં સાક્ષાત સાપની કાંચળીને જ નખ પર લગાવીને નખને ડિઝાઇનર લુક આપવામાં આવે છે, જેની કિંમત પણ ખૂબ ઊંચી લેવામાં આવે છે. અને તો પણ લોકો શોખથી આ ટ્રીટમેન્ટ કરાવે છે.

કેટલીક ખૂબ વિચિત્ર એવી બ્યુટી થેરપીઓ

લીચ થેરપી : એમાં ચહેરાની કરચલીઓને આવતી રોકવા માટે શરીર પર જીવંત લીચ એટલે કે જળો મૂકવામાં આવે છે.

સ્નેક મસાજ : એમાં શરીરને રિલૅક્સ કરવા માટે સાપને છોડી દેવામાં આવે છે, જે આળોટે ત્યારે મસાજનો આનંદ મળે એવું કહેવાય છે.

પક્ષીની ચરકનું ફેશ્યલ : એમાં ચહેરા પર પક્ષીની ચરકનો પૅક લગાવવામાં આવે છે, જેથી ચહેરો વધુ યુવાન દેખાય.

આઇ ટૅટૂ અને આઇ જ્વેલરી, જેમાં આંખની કીકી પાસે ટૅટૂ તેમ જ ડાયમન્ડ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.