ટ્રેડિશનલ વેઅરમાં પણ કોર્સેટનો ટ્રેન્ડ

29 October, 2012 06:43 AM IST  | 

ટ્રેડિશનલ વેઅરમાં પણ કોર્સેટનો ટ્રેન્ડ



બસ્ટિયર અને કોર્સેટ હવે રેગ્યુલર ચોળી અને બ્લાઉઝનું સ્થાન લઈ રહ્યાં છે. વિક્ટોરિયન એરાની વાત કરીએ તો વૉર્ડરોબમાં કોર્સેટ મસ્ટ ગણાતું. ગાઉન અને ડ્રેસમાં ફિગર પર્ફેક્ટ દેખાય એ માટે કોર્સેટ નામનું શરીરને ટાઇટ બેસે એવું વસ્ત્ર પહેરવામાં આવતું. આ જ કોર્સેટને લેસ અને દોરીઓ આપવામાં આવતી જેની મદદથી એને ટાઇટ અથવા લૂઝ કરી શકાતું, પરંતુ આજે કોર્સેટ ઘાઘરા અને સાડી સાથે પણ ચોળીને સ્થાને પહેરાઇ રહ્યો છે.

ઇન્ડિયન વેઅર સાથે

ભારતીય પરિધાનમાં વેસ્ટના કૉન્સેપ્ટ કોર્સેટે સ્થાન તો લઈ લીધું છે, પરંતુ થોડા ઇન્ડિયન ટચ સાથે. આ કોર્સેટની બનાવટ તો તદ્દન કોર્સેટ જેવી જ હોય છે, પરંતુ એના પર લગ્નસરામાં કે સાડી સાથે પહેરી શકાય એવું ફૅબ્રિક લગાવવામાં આવે છે તેમ જ હેવી વર્ક કરવામાં આવે છે જેથી એ અસલ બ્લાઉઝ જેવો લુક આપે. હવે ફેસ્ટિવ સીઝનમાં આ કોર્સેટ ચોળી અને કોર્સેટ બ્લાઉઝ ખાસ ડિમાન્ડમાં છે.

સ્ટાઇલ અને ફિગર

પ્રૉપર રીતે ક્રાફ્ટ કરેલું કોર્સેટ એક સ્ત્રીને પોતાનું ફિગર ઉભારવાનો ચાન્સ આપે છે. ર્કોસેટમાં ખાસ કરીને બધા માટે જ પ્રૉબ્લેમેટિક એરિયા ગણાતું પેટ ઢાંકી શકાય છે. કોર્સેટ ટાઇટ હોવાને લીધે એમાં પેટ સપાટ દેખાય છે અને કમરને સારો શેપ મળે છે. એ ઉપરાંત વક્ષ:સ્થળને પણ લિફ્ટ મળે છે. કોર્સેટ શરીર પર અનકમ્ફર્ટેબલ ન લાગે અને પસીનો શોષી લે એ માટે એમાં અંદરની બાજુએ કૉટન લગાવવામાં આવે છે જેથી ગરમી અને લગ્નસરા જેવા બિઝી પ્રસંગે પણ એ પહેરી શકાય.

ઑનલાઇન શૉપિંગ

હવે કોર્સેટ ઑનલાઇન પણ મળે છે. CorsetDeal.in નામની એક વેબસાઇટ બધા જ ટાઇપનાં કોર્સેટ બનાવે છે જેમાં એથ્નિક કોર્સેટથી લઈને પેટ ઢાંકવા માટેના ડેઇલી વેઅરના કોર્સેટ ઑનલાઇન ખરીદી શકાય છે.

બનારસી અને પ્રસંગોપાત્ત

પ્રસંગોમાં પહેરવા માટેનાં કોર્સેટ બનારસી, સિલ્ક અને બ્રોકેડ મટીરિયલનાં બને છે; જેમાં બધા રંગો મળે છે. સાડીમાં મૅચિંગ થાય એ પ્રમાણે ફ્લોરલ અને જોમૅટ્રિક પૅટર્ન પણ એથ્નિક કોર્સેટમાં બનાવી શકાય. આ કોર્સેટ રેગ્યુલર બ્લાઉઝ અને ચોળી કરતાં થોડાં લાંબાં હોય છે અને એમાં પેટ નહીં દેખાય. કોર્સેટને ઘાઘરો કે સાડી સાથે પહેરી શકાય, જે દિવાળીમાં તેમ જ લગ્નના પ્રસંગમાં ખરેખર સુંદર લાગશે. વળી ટ્રેન્ડી લુક આપશે એ જુદું.

રેડીમેડ અને ટેલરમેડ

રેડીમેડ મળતાં કોર્સેટ ખૂબ સારી રીતે બનાવેલાં હોય છે. એમાં પાછળની બાજુએ ઍડ્જસ્ટ કરવા માટેની દોરીઓ અને આગળની તરફ ટૉપ ટુ બૉટમ ઝિપ બેસાડવામાં આવી હોય છે. કોર્સેટ સ્ટ્રેપલેસ હોય છે જેથી એ કોઈ પણ પૅટર્ન અને ડિઝાઇનના ડ્રેસની અંદર પહેરી શકાય, પરંતુ આ કોર્સેટ બહાર પહેરવાનાં હોવાથી એને ટેલર કે ડિઝાઇનર પાસે બનાવડાવી શકાય. કોર્સેટમાં જરૂર મુજબની સ્લીવ પણ અટૅચ કરાવી શકાય અથવા સ્ટ્રેપ બનાવી શકાય. હોલ્ટરનેક કોર્સેટ પણ સારું લાગશે અને એ થોડો ઇન્ડિયન લુક પણ આપશે.

કોર્સેટ ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો?

કોર્સેટ ઑનલાઇન ખરીદો ત્યારે કોઇ પ્રોફેશનલ વેબસાઇટ પરથી જ ખરીદવું. રેડી પીસ ખરીદો તો બસ્ટ અને હિપનું માપ જરૂર પૂછવું જેથી તમને તમારા માપ અનુસાર પર્ફેક્ટ કોર્સેટ મળી શકે.

એવું ખરીદો જે તમે અફૉર્ડ કરી શકો, કારણ કે બનાવટ અને ડિઝાઇનની સાથે એની કૉસ્ટ પણ ઊંચી જાય છે.

જો તમે વધુપડતી ફૅન્સી આઇટમ પહેરવામાં માનતા હો તો પહેલા વેસ્ટ ટ્રેઇનિંગ કોર્સેટ ખરીદો જેથી કોર્સેટ પહેરવાની આદત થાય અને કમરને પણ કમ્ફર્ટ લાગે. જો રેડી કોર્સેટ ન ફાવે તો ટેલર પાસે બનાવડાવો, જેથી પહેરવામાં આરામદાયક રહે.

ખરીદતા પહેલાં ઇન્ટરનેટ પર કોર્સેટ બાબત જેટલી બની શકે એટલી જાણકારી મેળવી લો, જેથી હાથમાં આવ્યા બાદ કંઈ અજુગતું ન લાગે; કારણ કે કોર્સેટ પર્હેયા બાદ કમર સ્લિમ દેખાશે, પરંતુ બસ્ટ લિફ્ટેડ લાગશે.