આજકાલ ટ્રેન્ડમાં છે કૉટન ક્રશ

29 October, 2014 05:11 AM IST  | 

આજકાલ ટ્રેન્ડમાં છે કૉટન ક્રશ



ખુશ્બૂ મુલાણી ઠક્કર

કૉટન ક્રશનું નામ તો સાંભળ્યું જ હશે અને જોયું પણ હશે. કૉટન ક્રશ એ કોઈ ફૅબ્રિક નથી, પરંતુ કૉટન કપડાને આપવામાં આવેલી એક ઇફેક્ટ છે. ક્રશ ઇફેક્ટ સૌથી વધુ કૉટન કપડામાં જ સારી લાગે છે. પહેલાં કૉટન ક્રશમાં માત્ર દુપટ્ટા જ જોવા મળતા; પરંતુ હવે ક્રશ ઇફેક્ટમાં સાડી, કુર્તી, સલવાર-કમીઝ અને સ્કર્ટ્સ પણ જોવા મળે છે.

ક્રશ ઇફેક્ટ

કૉટન કપડાને ક્રશ ઇફેક્ટ આપવી બહુ જ સહેલી છે. સૌપ્રથમ કૉટન કપડાને સ્ટાર્ચ કરી લેવું. ત્યાર બાદ એને સામસામે પકડવું અને ઝીણી-ઝીણી પ્લીટ્સમાં ફોલ્ડ કરતા જવું. જ્યાં સુધી આખું ફૅબ્રિક તમારા હાથમાં ન આવે ત્યાં સુધી ફોલ્ડ કરવું. ત્યાર બાદ એને બન્ને સાઇડથી ટ્વિસ્ટ કરી બાંધી દેવું અને એના પર સ્ટીમ આયર્ન  ફેરવવી. ૪ કે ૫ કલાક પછી ફૅબ્રિકને ખોલશો તો ક્રશ ઇફેક્ટ જોવા મળશે.

મેન્ટેઇન કરવું અઘરું

કૉટન ક્રશને બહુ જ કાળજીપૂર્વક મેન્ટેઇન કરવું પડે છે. ક્રશ ઇફેક્ટ આમ તો બે કે ત્રણ વૉશ પછી રહેતી પણ નથી, પરંતુ એ જો કાયમ રાખવી હોય તો જે કપડામાં ક્રશ ઇફેક્ટ છે એને વારે-વારે ધોવાં નહીં. પહેરી લીધા પછી માત્ર તડકામાં સૂકવી દેવું અને ફોલ્ડ કરીને મૂકી દેવું. ક્રશ ફૅબ્રિકનો ડ્રેસ ન સીવડાવવો. ટેલર એને આયર્ન નહીં કરી શકે. જો આયર્ન કરશે તો ક્રશ ઇફેક્ટ નીકળી જશે. ક્રશ ઇફેક્ટવાળાં કપડાં સીવડાવવાં નહીં, માત્ર રેડીમેડ જ લેવાં અને પહેરી લીધા પછી એને ફોલ્ડ કરી મૂકી દેવાં.

કેવી રીતે પહેરશો?

ક્રશ ઇફેક્ટવાળો ડ્રેસ જ્યારે પહેલી વાર પહેરવામાં આવે ત્યારે જ એ ફ્રેશ લાગે છે. જો ક્રશ ઇફેક્ટવાળા ડ્રેસને બરાબર ફોલ્ડ કરીને મૂકવામાં ન આવે તો એ ચોળાયેલો લાગે છે. એટલે ક્રશ ઇફેક્ટવાળો આખો ડ્રેસ ન સીવડાવતાં માત્ર એને હાઇલાઇટિંગ માટે જ વાપરવું. જેમ કે ડ્રેસના યોકમાં અથવા થþી ફોર્થ સ્લીવ આપી હોય તો એમાં નીચે ૪ ઇંચમાં ક્રશ ફૅબ્રિક વાપરવું. એમાં પણ ક્રશ ઇફેક્ટ મેન્ટેઇન રાખવી હોય તો ફૅબ્રિક પર ક્રૉસ સ્ટાઇલમાં સ્ટિચિંગ આપવા જેનાથી ક્રશ ઇફેક્ટ મેન્ટેઇન રહેશે. ક્રશ ઇફેક્ટ અનારકલીમાં સૌથી વધારે સરસ લાગે છે. જેમ કે યોકમાં કોઈ પણ કૉટન પ્રિન્ટેડ ફૅબ્રિક આપી નીચેના ફૅબ્રિકને ક્રશ ઇફેક્ટ આપી શકાય. અનારકલી ઘેરવાળો ડ્રેસ હોવાથી ફૅબ્રિક શરીરને ચોંટતું નથી અને સારું પણ લાગે છે. ક્રશ ઇફેક્ટનાં સ્કર્ટ્સ ઇન્ડો-વેસ્ટર્ન લુક આપી શકે. કૉટન ક્રશનાં સ્કર્ટ્સ ખરીદતી વખતે માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું કે એ ખ્-લાઇન ન હોય, પરંતુ ઘેરવાળાં હોય. ક્રશવાળા ફૅબ્રિકનો પોતાનો કોઈ ફોલ્ડ હોતો નથી, એને ફોલ્ડ આપવો પડે છે. એટલે જો ખ્-લાઇન પહેરવામાં આવે તો એ બૉડીનો શેપ લે છે. એટલે જ ઘેરવાળાં સ્કર્ટ્સ પસંદ કરવાં અને ખાસ કરીને સ્કર્ટની અંદર  લાઇનિંગ નાખવું જેથી એ શરીરથી અળગાં રહે. કૉટન ક્રશવાળી કુર્તી ખરીદતી વખતે પણ આ જ વસ્તુ ધ્યાનમાં રાખવી.

કોણ પહેરી શકે?

ક્રશ ઇફેક્ટવાળા કૉટન ફૅબ્રિકને તમે કૅઝ્યુઅલી, ફૉર્મલી અને વેસ્ટર્ન વેઅર ત્રણે તરીકે પહેરી શકો. જોકે સ્થૂળ શરીરવાળાઓએ કૉટન ક્રશ ફૅબ્રિક ન પહેરવું જોઈએ. સ્થૂળ શરીરવાળા માટે કૉટન કપડાં તો બેસ્ટ છે જ, પરંતુ જ્યારે કૉટન કપડાને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે ત્યારે એ ફૂલેલાં લાગે છે અને પર્હેયા પછી એ શરીરથી દૂર રહે છે. એટલે વધારે તેઓ વધુ જાડા લાગે છે. જો તમે પાતળાં હો તો કૉટન ક્રશ તમને સારું લાગી શકે. કૉટન ક્રશવાળાં કપડાં પહેરવાથી એક ભરાવદાર લુક પણ આવશે. સ્થૂળ શરીરવાળા કૉટન ક્રશ ઇફેક્ટવાળી સાડી પહેરી શકે જેમાં ક્રશ ઇફેક્ટ માત્ર પાલવમાં જ વાપરવામાં આવી હોય અથવા તો સાડીમાં એની ૪ કે ૫ ઇંચની બૉર્ડર મૂકવામાં આવી હોય. સ્થૂળ શરીરવાળાઓએ ક્રશ ઇફેક્ટવાળું બ્લાઉઝ ન પહેરવું. એનાથી હાથ વધારે જાડા લાગશે. જો તમે લાંબાં અને પાતળાં હો તો તમને ક્રશ ઇફેક્ટવાળાં પલાઝો પૅન્ટ્સ સારાં લાગી શકે અથવા ક્રશ ઇફેક્ટવાળું ટ્યુબ ટૉપ પણ સારું લાગી શકે.

સલવાર અને દુપટ્ટા

ક્રશ ઇફેક્ટવાળા સલવારમાં સ્ટાર્ચ કરવામાં નથી આવતું. માત્ર કૉટન મલના કપડાને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે છે. સલવારમાં નીચે ૩ કે ૪ ઇંચની એમ્બ્રૉઇડરીવાળી બૉર્ડર હોય છે જે પગમાં ફિટ બેસે છે અને એના કપડાને પ્લીટ્સ આપવામાં આવે છે જે યોક સાથે જૉઇન્ટ કરવામાં આવે છે. કપડામાં સ્ટાર્ચ ન હોવાથી ક્રશ ઇફેક્ટ લાંબા સમય સુધી રહેતી નથી. એટલે જો કાળજીપૂર્વક ન પહેરવામાં આવે તો ચોળાયેલી સલવાર પહેરી છે એવો લુક આવશે.

ક્રશ ઇફેક્ટવાળા દુપટ્ટા સૌથી વધારે સુંદર અને આકર્ષક લાગે છે. દુપટ્ટાના ફૅબ્રિકને પહેલાં સ્ટાર્ચ કરવામાં આવે છે અને પછી એને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે છે. દુપટ્ટાને વારે-વારે ધોવાની જરૂર પડતી નથી. એટલે એની ક્રશ ઇફેક્ટ એવી ને એવી જ રહે છે. માત્ર ફરક એટલો જ છે કે જે દુપટ્ટાનો પન્નો હોય એના કરતાં દુપટ્ટો પોણા ભાગનો થઈ જાય છે અને માત્ર એને એક સાઇડ પહેરી શકાય તેમ જ રાખી શકાય છે. બ્રાઇટ રેડ કલરનો ક્રશ ઇફેક્ટવાળો દુપટ્ટો અને એના પર ગોલ્ડ બૉર્ડર બ્લૅક એન્ડ બ્લૅક ડ્રેસ સાથે સ્માર્ટ લાગી શકે. ક્રશ ઇફેક્ટવાળા દુપટ્ટા ગમે ત્યારે પહેરો તો એ સ્માર્ટ જ લાગે છે. શરત માત્ર એટલી જ કે બ્રાઇટ ક્લરમાં પસંદ કરવા. દુપટ્ટાને ટ્વિસ્ટ અને ફોલ્ડ કરીને મૂકી દેવાથી એની ક્રશ ઇફેક્ટ વર્ષોનાં વર્ષો જળવાઈ શકે છે. અને આઉટ ઑફ ફૅશન થઈ ગયું હોય એવું પણ લાગતું નથી. કોઈ પણ પ્લેન ડ્રેસ સાથે ક્રશ દુપટ્ટો પહેરવામાં આવે તો એ એકદમ જ નીખરીને આવે છે.  જો તમારે પ્રિન્ટેડ ડ્રેસ સાથે ક્રશ દુપટ્ટો પહેરવો હોય તો ખાસ કરીને કૉન્ટ્રાસ્ટ કલરમાં પસંદ કરવો જેનાથી ડ્રેસ અને દુપટ્ટો બન્ને ઊભરીને આવે.

ઍક્સેસરીઝ   

જો તમે ક્રશ ઇફેક્ટવાળા ડ્રેસ અથવા દુપટ્ટાને કૅઝ્યુઅલી પહેરવા માગતા હો તો એની સાથે સિલ્વર અથવા ઑક્સિડાઇઝ જ્વેલરી સારી લાગી શકે. પગમાં ભરેલી મોજડી અથવા ચંપલ સારાં લાગી શકે. જો વધારે કંઈ ન પહેરવું હોય તો એક સ્ટેટમેન્ટ નેકલેસ સારો લાગી શકે. સાથે કોઈ પણ બ્રાઇટ કલરની કપડાની બૅગ એક કમ્પ્લિટ લુક આપી શકે.

જો તમે ક્રશ ઇફેક્ટવાળાં કપડાં ફૉર્મલી પહેરવા માગતા હો તો ડાયમન્ડ કે પ્યૉર સિલ્વરની જ્વેલરી સારી લાગી શકે. એમાં મોટી બૅગ લેવા કરતાં ડ્રેસને અનુરૂપ કલરનું ક્લચ અથવા સિલ્વર અથવા ગોલ્ડન શેડનું નાનકડું પર્સ વધુ સારું લાગી શકે. હેરમાં તમે અંબોડો અથવા ઓપન હેર રાખી શકો.

જો તમે ક્રશ મટીરિયલ ઇન્ડો-વેસ્ટર્ન તરીકે પહેરવા માગતા હો તો કોઈ પણ ટ્રેન્ડી જ્વેલરી સારી લાગી શકે. હાથમાં કડું કે બ્રેસલેટ, પગમાં ટાઇ-અપ્સ અને વાળમાં સાગર ચોટલો અથવા સાઇડ ખજૂરી ચોટલો સારો લાગશે. મેસી લુક પણ આમાં ખૂબ સારો લાગી શકે છે.

મેન્સ વેઅર

ક્રશ ઇફેક્ટવાળાં શર્ટ્સ તમે માત્ર ફિલ્મોમાં જ જોયાં હશે. જે પુરુષોને કંઈક નવું ટ્રાય કરવાનો શોખ હોય છે તેઓ જ આવાં શર્ટ્સ પહેરે છે. ક્રશ ઇફેક્ટવાળાં શર્ટ્સ કોઈ રીટેલર પાસેથી સહેલાઈથી મળતાં નથી, એને બનાવવાં પડે છે. જેમ કે પ્લેન કૉટન ફૅબ્રિકમાં ક્રશ ઇફેક્ટવાળાં શર્ટ્સ સારાં નથી લાગતાં. કૉટનમાં અલગ-અલગ પ્રિન્ટ્સ ટ્રાય કરવી પડે છે. જેમ કે ટાઇ ઍન્ડ ડાઇ, બાટિક અથવા શેડેડ ઇફેક્ટ. આવી પ્રિન્ટ્સ શર્ટ પર આપવા માટે કૉટન મલનું ફૅબ્રિક વાપરવામાં આવે છે જે થોડું પાતળું પણ હોય છે. જો તમારું શરીર ફિટ ન હોય તો આવાં શર્ટ્સ ન પહેરવાં. ખાસ કરીને શર્ટ્સ માટે કૉટન કપડા પર પ્રિન્ટ આપી એને ક્રશ ઇફેક્ટ આપવામાં આવે તો વધારે સારું લાગશે. આવાં શર્ટ્સ ખૂબ જ મેઇન્ટેનન્સ માગી લે છે. એટલે જો આવાં શર્ટ્સ ન પહેરવાં હોય તો શર્ટ સાથે તમે દુપટ્ટા સ્કાર્ફ તરીકે પહેરી શકો. જેમ કે બાંધણીના શર્ટ સાથે કોઈ પણ બ્રાઇટ કલરનો દુપટ્ટો સારો લાગી શકે. શરત માત્ર એટલી જ કે એ પ્રસંગને અનુરૂપ હોવો જોઈએ નહીંતર તમે હાસ્યાસ્પદ લાગશો. ક્રશ ઇફેક્ટવાળા શર્ટ અથવા દુપટ્ટા પહેરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું કે તમે એ વસ્તુને બરાબર ન્યાય આપી શકો.