ક્યાં સુધી પહોંચી છે બચ્ચાંઓની ફૅશન?

14 November, 2011 10:28 AM IST  | 

ક્યાં સુધી પહોંચી છે બચ્ચાંઓની ફૅશન?



બાળકો જેમ દિવસે ને દિવસે વધારે સ્માર્ટ બનતાં જાય છે એમ તેમના માટેની ચીજો પણ તેઓ જાતે જ પસંદ કરે છે અને એ પણ કોઈ મૉલ્સ કે સ્પેસિફિક સ્ટોરમાંથી. હવે જ્યારે બાળકો આટલાં સ્માર્ટ બની ગયાં છે ત્યારે આપણા ફૅશનવલ્ર્ડના એક્સપટોર્ પણ એટલા સ્માર્ટ છે કે તેમના માટે નિતનવી બ્રૅન્ડ્સ કે કૅટેગરીની ચીજો બજારમાં મૂકતા રહે છે અને એ એટલી હદ સુધી કે ક્યારેક કેટલીક ચીજો બાળકો માટે માન્યામાં ન આવે એવી હોય છે. જોઈએ ક્યાં સુધી પહોંચી છે બાળકોની ફૅશન.

બ્રૅન્ડ બેબી

ડિઝાઇનર્સના એક્સક્લુઝિવ બ્રૅન્ડ ફક્ત રેડ કાર્પેટ ગાઉન અને ટુક્સેડો સુધી જ સીમિત નથી. ચિલ્લરપાર્ટી માટે પણ ઘણી લોકલ અને ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સ મોજૂદ છે. બાર્બી, લિલીપુટ, લિટલ કાંગારુ, જુનિયર્સ, જિની ઍન્ડ જોની, જૅક ઍન્ડ જિલ જેવી કેટલીયે બ્રૅન્ડ્સ ખાસ બચ્ચાંઓ માટે કપડાં, શૂઝ અને ઍક્સેસરીઝ બનાવે છે અને બાળકોને આ બ્રૅન્ડ્સનાં કપડાં પહેરવાનું ઘેલું પણ હોય છે.

ડિઝાઇનર કિડ્સ

સેલિબ્રિટીઓએ ડિઝાઇનર કપડાંઓનું ઘેલું સામાન્ય લોકોમાં પણ ખૂબ લગાડ્યું છે અને બાળકો પણ એમાંથી બાકાત નથી રહ્યાં. થોડા સમય પહેલાં ડિઝાઇનર માલિની રામાનીએ પોતાનું કિડ્ઝ કલેક્શન લૉન્ચ કર્યું હતું, જેમાં તેમણે બચ્ચાંઓ માટે એક્સક્લુઝિવ કપડાં ડિઝાઇન કયાર઼્ હતાં.

બાળકો પાસે મૉડલિંગ

બાળકોના ફોટા સામે હોય તો હાઉ ક્યુટ, હાઉ સ્વીટ જેટલાં એક્સપ્રેશન સુધી તો ઠીક છે; પણ જો કોઈ બાળકીના ફોટાને જોઈને હાઉ સેક્સી કે હૉટ જેવી કમેન્ટ્સ મળવાનું શરૂ થઈ જાય તો? આવું જ થોડા સમય પહેલાં એક ફ્રેન્ચ મૅગેઝિનમાં થયેલું; જેમાં દસ વર્ષની બાળકીનો થોડા અડલ્ટ એક્સપ્રેશન, લાઉડ લિપ્સ્ટિક તેમ જ એક અડલ્ટ મૉડલ જેવાં જ રીવિલિંગ વસ્ત્રોમાં ફોટો કવર પર પબ્લિશ કરવામાં આવેલો અને સમગ્ર ફૅશનજગતે આ વાતનો જોરશોરથી વિરોધ પણ કરેલો. જોકે એ બાળકીની મમ્મીને એમાં વિરોધ કરવા જેવું નહોતું લાગ્યું. એક ફ્રેન્ચ બ્રૅન્ડ તો ૪થી ૧૨ વર્ષ જેટલી ઉમરનાં બાળકો માટે લૉન્જરી પણ ડિઝાઇન કરે છે. હવે આને ક્યુટ કહેવું કે ભદ્દું એ તો બાળકોના પેરન્ટ્સે નક્કી કરવાનું રહ્યું, પણ ફૅશનવલ્ર્ડમાં હવે બાળકોના ડિઝાઇનર્સ પણ જાણે હદ વટાવવા લાગ્યા છે.

બાળકોને દેખાવું છે સુંદર

બાળકોને પણ હવે ક્યુટ નહીં બ્યુટિફુલ અને પ્રિટી દેખાવું પસંદ છે. બાળકોને તેમનું નામ શું છે એમ પૂછતાં માય નેમ ઇઝ શીલા જવાબ તો આપે જ છે, પણ સ્ક્રીનમાં જોયા બાદ એ શીલા જેવા દેખાવાની પણ માગણી કરે છે. એનું એક કારણ એ પણ હોય છે કે ટીવીમાં કોઈ હિરોઇને સુંદર ડ્રેસ પહેર્યો હોય અને મમ્મી-પપ્પાએ એને સારો પ્રતિભાવ આપ્યો હોય તો દીકરી પણ એ જ ઇચ્છે છે કે મારે એના જેવું દેખાવું છે, કારણ કે પપ્પાએ કહ્યું હતું કે ‘કૅટરિના લુક્સ બ્યુટિફુલ.’

બાળકોમાં કપડાં સિવાય શેનો ક્રેઝ છે?

સનગ્લાસિસ : સનગ્લાસિસ શું ફક્ત મોટાઓ માટે જ છે? ના, એવું નથી. બાળકોને પણ કમ્પ્લીટ ડ્રેસ-અપ કરીને રંગબેરંગી સનગ્લાસિસ પહેરીને ફરવું ખૂબ સ્ટાઇલિશ લાગે છે. એમાં પણ બાળકો માટે સનગ્લાસિસમાં ખૂબ મોટી વરાઇટી મળી રહે છે.

હૅન્ડબૅગ્સ : મમ્મીની જેમ ખભા પર નાનકડું પર્સ લટકાવવાનો ક્રેઝ નાની બાળકીઓમાં ખાસ હોય છે અને હવે તો ડિઝાઇનર બ્રૅન્ડ્સ મોટી બૅગની નાની મિનીએચર પણ બનાવે છે જેથી સ્ટાઇલિશ બેબી સ્ટાઇલિશ મમ્મા જેવી જ હૅન્ડ બૅગ લઈને ફરી શકે.

શૂઝ : બાળકો પોતાનાં જૂતાં પર પણ ખૂબ ધ્યાન આપે છે. પહેલાં નાનાં બાળકો માટે ખાસ બનતાં સીટીવાળા કે મ્યુઝિકવાળા શૂઝ હવે આઉટડેટેડ છે. આજકાલ તો બાળકોને પણ ટ્રેન્ડી સ્પોર્ટ્સ અને ડિઝાઇનર શૂઝ પહેરવાં ગમે છે.