ઘરમાં મિયાઉં છે?

24 September, 2012 06:02 AM IST  | 

ઘરમાં મિયાઉં છે?



થોડા સમય પહેલાં એક સર્વેના તારણમાં કહેવામાં આવ્યું હતું કે જેમના ઘરમાં પેટ્સ હોય તેમનાં બાળકો વધુ પ્રેમાળ અને સમજદાર હોય છે. આ સિવાય કૂતરા કે બિલાડીને પાળતા લોકો બીજાની સરખામણીમાં થોડા વધુ ખુશ રહે છે અને તેમના જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ ઓછું હોય છે એ વાતમાં કોઈ શંકા નથી. બિલાડી પાળવી એ ભલે દેખાવમાં આસાન લાગે, પણ અઘરું કામ છે. ઘરમાં બિલાડી પાળવી હોય તો એની સંભાળ કઈ રીતે લેવી એની જાણ હોવી જરૂરી છે, કારણ કે આમ તમે પણ ખુશ રહેશો અને તમારી બિલાડી પણ તમારી સાથે, તમારા ઘરમાં ખુશ રહી શકશે.

ખોરાકી જરૂરિયાત

જો બિલાડીને જરૂરી એવો ખોરાક મળતો રહેશે તો એ લાંબું જીવશે તેમ જ હેલ્ધી રહેશે. બિલાડીની ખાવાની આદતો બગાડવી નહીં તેમ જ ધ્યાન રહે કે તમે એને યોગ્ય સમયાંતરે ખવડાવતા રહો જેથી તમારી બિલાડી એનર્જેટિક અને ખુશ રહે. એવી માન્યતા છે કે બિલાડીને દૂધ ન પચે, પરંતુ હકીકતમાં બિલાડીનાં બચ્ચાંઓ ગાયના દૂધમાં રહેલું લેક્ટોઝ પચાવી શકતાં ન હોવાને કારણે એમને ડાયેરિયા થઈ શકે છે. બિલાડીને પોષણ માટે હાઈ પ્રોટીન, રિચ ડાયટ અને વિટામિન ‘એ’ની જરૂર પડે છે. બિલાડીને પેટને લગતી બીમારીઓમાં રાહત મળે એ માટે યોગ્ય પ્રમાણમાં કાબોર્હાઇડ્રેટ્સની પણ જરૂર હોય છે. હવે બજારમાં બિલાડીઓ માટે બનાવેલું ખાસ ફૂડ પણ મળે છે. આ સિવાય એને ખવડાવવા માટેની ચીજો પણ કૅટ્સ માટે જ બનેલી હોય એ જરૂરી છે.

ગ્રૂમિંગ ટિપ્સ

મોટા ભાગે બિલાડીની ગણતરી ક્લીન ઍનિમલ્સમાં થાય છે, કારણ કે એ પોતાના ફરની સંભાળ પોતાની જીભ દ્વારા ચાટીને કરી લે છે. બિલાડીઓ પોતાના ગ્રૂમિંગ માટે પોતાની જીભ અને દાંત બન્નેનો ઉપયોગ કરે છે. ફર પર લાગેલી ધૂળ અને માટી કાઢવા માટે બિલાડી જીભનો ઉપયોગ બ્રશની જેમ કરે છે, પરંતુ આવામાં ક્યારેક એ પોતાના વાળ જ ગળી જાય છે. આવું ન થાય એ માટે તમે દાંતિયા કે બ્રશની મદદથી તેના ફરને ગ્રૂમ કરી આપો. લાંબા અને ટૂંકા બન્ને પ્રકારના વાળ ધરાવતી બિલાડી માટે ગ્રૂમિંગ જરૂરી છે. બિલાડીઓ પોતાને ક્લીન કરતી હોવા છતાં તમે એને નિયમિત પણે સ્નાન કરાવતા રહો એ જરૂરી છે. એ માટે માર્કેટમાં મળતા ખાસ પ્રકારના કૅટ શૅમ્પૂ અને સોપનો ઉપયોગ કરવો. આ શૅમ્પૂથી તમારી બિલાડીના વાળ નહીં ખરે.

કૅટ ટ્રેઇનિંગ

કૂતરાના પ્રમાણમાં બિલાડીને ટ્રેઇન કરવાની પ્રોસેસ મહેનત અને સમય માગી લે એવી છે. તમારામાં ધીરજ હોવી જરૂરી છે. બિલાડીના દુવ્ર્યવહાર માટે ક્યારેય એને બીજાને ન આપી દો કે છોડી ન દો. તમારી કિટી જ્યારે સારું વર્તન કરે ત્યારે એનાં વખાણ કરો અને શાબાશી આપો.