બટરફ્લાય, લિપસ્ટિક અને વિન્ગ્ડ

07 September, 2012 06:13 AM IST  | 

બટરફ્લાય, લિપસ્ટિક અને વિન્ગ્ડ

છેલ્લા થોડા સમયથી ન્યુડ શેડનાં સિમ્પલ શૂઝ ખૂબ ચાલી રહ્યાં છે જે પગના રંગ સાથે ભળી જાય છે અને મોટા ભાગના બધા જ રંગના ડ્રેસ પર સૂટ થાય છે. પહેલાંથી જ સ્ત્રીઓ ડાયમન્ડ સિવાય એવી કોઈ પણ ચીજ કે જે ખૂબ ચમકીલી હોય એને પહેરવાનું ટાળતી આવી છે અને એમાંય જો શૂઝની વાત આવે તો ચમકીલા અને ડાયમન્ડ્સ જેવી ડીટેલવાળાં શૂઝ પહેરવાની વાત ફક્ત પોતાના લગ્ન સુધી જ સીમિત હતી. જોકે ફૅશન હવે બદલાઈ રહી છે અને ડાયમન્ડ્સથી જડેલાં મોંઘેરાં શૂઝ ફરી ડિમાન્ડમાં આવી રહ્યાં છે. આ સિવાય સિમ્પલ સ્ટિલેટૉ ને ઓલ્ડ ફૅશન ગણાતી જુદા-જુદા આકારની હીલ ડિમાન્ડમાં છે.

લિપસ્ટિક હીલ્સ

હવે પાતળી પણ સિમ્પલ સ્ટિલેટૉને ભૂલી જાઓ, કારણ કે આલ્બેટોર્ ગાર્ડિયાની નામની એક ઇન્ટરનૅશનલ શૂ-બ્રૅન્ડે સ્ત્રીઓની સૌથી ફેવરિટ એવી લિપસ્ટિકને ફેવરિટ શૂ સાથે જોડી દીધી છે. આ શૂઝમાં હીલ્સની જગ્યાએ લિપસ્ટિક લગાવવામાં આવી છે. જોકે લિપસ્ટિક રિયલ તો નથી જ, પરંતુ લિપસ્ટિકના જુદા-જુદા શેડ મળી રહે છે. હૉલીવુડના ફૅશન-ડિઝાઇનરો અને મૉડલોમાં આ હીલ પૉપ્યુલર બની ચૂકી છે.

વિન્ગ્ડ હીલ્સ

પાંખોવાળી હીલ્સ, પરંતુ એને પહેરીને તમે ઊડી તો નહીં શકો, તોય આ પાંખો લગાવેલાં શૂઝ ખાસ કરીને યંગ છોકરીઓમાં ફેવરિટ છે. ડૉલ્ચે ઍન્ડ ગૅબ્બાના જેવી બ્રૅન્ડે આવા પ્રકારની હીલ્સ બનાવી છે. ઇન્ટરનૅશનલ પૉપસ્ટાર્સમાં તો આ પ્રકારની થોડી ફન્કી દેખાતી હીલ્સ ખાસ ડિમાન્ડમાં છે. બાળકોની રમકડાંની ગાડીઓમાં જે રીતે બન્ને બાજુ પાંખો લગાવેલી હોય છે એ રીતે આ શૂઝમાં પણ બન્ને બાજુએ લાંબી પાંખો લગાવેલી હોય છે. આ હીલ્સ વધુ ચાલવું ન પડતું હોય એવી ફૅસિલિટી ધરાવતા લોકો માટે જ છે, કારણ કે જ્યારે આવાં લાંબી પાંખવાળાં શૂઝ પહેરીને ચાલવું પડે ત્યારે કાં તો પગ દુખશે અને કાં તો શૂઝની પાંખો તૂટશે. આ શૂઝ એન્જલના કૉન્સેપ્ટથી ઇન્સપાયર્ડ છે, કારણ કે મોટા ભાગનાં એન્જલ્સનાં ચિત્રોમાં તેમના ઍન્કલ ફરતે પાંખો બનાવેલી હોય છે.

બટરફ્લાય હીલ્સ

બટરફ્લાય હીલ્સમાં બીજું તો કંઈ ખાસ નથી, પણ શૂઝની પાછળના ભાગમાં પતંગિયાની પાંખો લગાવવામાં આવી છે. પ્લેન કોઈ પણ શેડના શૂઝની પાછળના ભાગમાં બટરફ્લાય થોડું ફની પરંતુ ફેમિનાઇન લુક આપે છે. આ સિવાય કેટલાંક શૂઝ આખામાં નાનાં-નાનાં બટરફ્લાય લગાવવામાં આવે છે. આ શૂઝની પૅટર્ન હજી આપણે ત્યાં એટલી ફેમસ નથી થઈ, પરંતુ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ખાસ્સી ડિમાન્ડમાં છે. આ હીલ્સ પહેરવી હોય તો ડ્રેસ શૉર્ટ હોવો જોઈએ જેથી જૂતાં દેખાય.