બ્રાઇડ માટે બ્યુટી-ઑપ્શન્સ

02 November, 2011 08:39 PM IST  | 

બ્રાઇડ માટે બ્યુટી-ઑપ્શન્સ

 

એક છોકરી માટે પોતાનાં લગ્નથી વધારે મોટો કોઈ બીજો પ્રસંગ નથી અને માટે જ આ સૌથી મોટા દિવસે જો હું સૌથી સુંદર લાગું એ વાતનો આગ્રહ રાખવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. જોઈએ બ્રાઇડ માટેના કેટલાક સ્પેશ્યલ બ્યુટી ઑપ્શનો.

વહેલી શરૂઆત કરો

જો ખૂબ સારી અને સુંદર સ્કિન મેળવવી હોય તો એની સંભાળ લેવાની શરૂઆત અત્યારથી જ કરવી પડશે. આ માટે જરૂરી છે કે તમે તમારું રેગ્યુલર સ્કિન કૅર રૂટીન જાળવી રાખો. જેમની સ્કિન ખૂબ પ્રૉબ્લેમૅટિક હોય તેમણે લગ્નના ઓછામાં ઓછા ૬ મહિના પહેલાંથી જ સ્કિન કૅરની શરૂઆત કરી દેવી જોઈએ. મહિનામાં એક વાર ફેશ્યલ કે ડીપ ક્લેન્ઝિંગ ટ્રીટમેન્ટ કરવી જોઈએ, જેથી ત્વચાના ટૉક્સિન્સથી છુટકારો મેળવી શકાય. જો તમારી સ્કિન વધારે ઑઇલી થતી હોય તો ઑઇલ કન્ટ્રોલ ટ્રીટમેન્ટ્સનો સહારો લો; પણ આવી કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવતાં પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ જરૂર લો, કારણ કે જો તમે પોતાના ડૉક્ટર બનવાની કોશિશ કરશો તો રીઍક્શન થવાના ચાન્સિસ વધારે છે.

બૉડી કૅર

મોટા ભાગની યુવતીઓ પોતાનાં લગ્ન પછી અને પહેલાંની પાર્ટીઓ માટે એવાં આઉટફિટ્સ પસંદ કરે છે જેમાં ઘણી સ્કિન દેખાતી હોય છે અને જો એવું હોય તો એ સ્કિન સુંદર જ દેખાતી હોય એ જરૂરી છે. આ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બૉડી-સ્ક્રબ તેમ જ ફૂટ-સ્ક્રબ પણ વાપરો, જેથી મૃત ત્વચાનું લેયર બને જ નહીં. કોણી, ગોઠણ અને પગની એડીઓ પરની સૂકી અને કડક થઈ ગયેલી ત્વચા દેખાવમાં ખૂબ ખરાબ લાગે છે. આ માટે આ એરિયા પર ખાસ ધ્યાન આપો. જો બૅકલેસ ચોળીની પસંદગી કરી હોય તો બૅક પૉલિશિંગ ટ્રીટમેન્ટ પણ કરાવી શકાય, જેમાં તમારી બૅક સુંદર અને ચમકીલી લાગશે.

વાળની સંભાળ

કોઈ પણ નવો હેર-કલર, હેર-કટ કે સ્ટ્રૅટનિંગ, કલ્ર્સ જેવી ટ્રીટમેન્ટ ખાસ લગ્ન માટે ન કરાવો; કારણ કે જો લગ્નના બે-ચાર દિવસ પહેલાં જ આવી ટ્રીટમેન્ટ કરાવવા જશો તો તમારું આઉટફિટ, જ્વેલરી કે ઓવરઑલ લુક કંઈ પણ વાળ સાથે મૅચ નહીં થાય. જો કરાવવું જ હોય તો ઓછામાં ઓછા એક મહિના પહેલાં કરો, જેથી તમે તમારા લુકથી પરિચિત થઈ જાઓ. રેગ્યુલર ઑઇલિંગ અને ડીપ કન્ડિશનિંગ ખૂબ લાંબા સમય સુધી વાળને સારા રાખે છે. ઘરે જ બનાવેલા કેટલાક માસ્ક પણ વાળને સૉફ્ટ બનાવવામાં મદદ કરે છે. જોજોબા ઑઇલ પણ વાળને સૉફ્ટ બનાવશે. વાળને ધોતાં પહેલાં તેલથી મસાજ કરો. જેમને શરીર પર વધુપડતા વાળ હોય તેમના માટે લેઝર હેર રીમૂવલ ટ્રીટમેન્ટ સલાહભરી છે, કારણ કે આમ ત્વચા સૉફ્ટ પણ રહેશે અને તમે ૬-૮ અઠવાડિયાં સુધી એ અનવૉન્ટેડ વાળથી મુક્ત રહી શકશો.

લાસ્ટ મિનિટ ટચ

કેટલીક બ્રાઇડ્સ મીસો બોટોક્સ, સ્કિન-પૉલિશિંગ, રિજુનવેટિંગ જેવી નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટ પણ અપનાવે છે; જેથી સ્કિનને ગ્લો મળે. કેટલીક બ્રાઇડ ખાસ પોતાના ખાસ દિવસ માટે લાયપોસક્શન, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ, લિપ ફીલર જેવી ટ્રીટમેન્ટ કરાવવાથી પણ પાછી નથી હટતી; પણ આ ટ્રીટમેન્ટ લગ્નના બે મહિના પહેલાં કરાવી લેવી જરૂરી છે.