બ્રાઇડના ઈવનિંગ ગાઉન છે ઇન

17 December, 2014 06:09 AM IST  | 

બ્રાઇડના ઈવનિંગ ગાઉન છે ઇન




પલ્લવી આચાર્ય


લગ્નની દરેક સીઝનમાં કપડાંમાં કંઈ નવું ન આવે એવું બને જ નહીં. કોઈ વાર બૉલીવુડ સ્ટાઇલ હોય તો વળી કોઈ વાર એનાથી અલગ, પણ કંઈક નવું આવી ગયું હોય છે પછી એ વર-વધૂનાં કપડાં હોય કે જાનૈયા-માંડવિયાઓનાં.

ચણિયા-ચોળી અને લહેંગા

ભારતીય લગ્નોમાં વેસ્ટર્ન કલ્ચર ભલે ગમેતેટલો પગદંડો જમાવે, પણ ભારતીય કન્યા લગ્નમંડપમાં તો ટ્રેડિશન અને સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરવાનું જ પસંદ કરે છે. તેથી જ લગ્નમંડપમાં બ્રાઇડની પહેલી પસંદ ચણિયા-ચોળી, લહેંગા અને સાડી જ રહ્યાં છે એવું

ફૅશન-ડિઝાઇનરો અને બ્રાઇડલ વેઅર હાઉસોનું માનવું છે.

મટીરિયલ અને વર્કની બાબતમાં આ સીઝનમાં ઘણો બદલાવ છે એની વાત કરતાં ઐશ્વર્યા ડિઝાઇન સ્ટુડિયોના પરેશ ગડા કહે છે, ‘અગાઉ સ્ટોન વર્ક અને શાઇનિંગ ચાલતાં હતાં એના બદલે હવે સોબર લુક ચાલે છે. સાથે જરદોસી, રેશમ અને પીતા વર્ક વધુ ચાલે છે. નેટના બદલે જ્યૉર્જેટ અને શિફોન ચાલે છે.’

રૉ સિલ્ક, સૅટિન, ક્રેપમાં રેડ, ગ્રીન, મરૂન કલર્સ સાથે કટવર્ક, એમ્બ્રૉઇડરી, જરદોસી, મિરર વર્ક અને રેશમ વર્ક પણ બ્રાઇડની પસંદ રહ્યાં છે.

સારી વિથ ગાઉન

સારી વિથ ગાઉનનો નવો કન્સેપ્ટ રિસેપ્શન માટે ઇન્ટ્રોડ્યુસ થયો છે એવું જુહુ અને વિલે પાર્લેમાં બુટિક ધરાવતાં ફૅશન-ડિઝાઇનર સીમા મહેતાનું કહેવું છે. તે કહે છે, ‘રિસેપ્શનમાં સારી ગાઉન અને સંગીતસંધ્યામાં જૅકેટવાળાં ચણિયા-ચોળી આ વખતે બ્રાઇડની ચૉઇસ રહ્યાં છે.’

રિસેપ્શનમાં બૉલ ગાઉન પણ વધુ ડિમાન્ડમાં છે એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર સીમા મહેતા કહે છે, ‘ફેરી ટેલની પરીના ગાઉન જેવા એ કમરની નીચે ફ્લેરવાળા છે અને રિસેપ્શન માટે ધૂમ ચાલી રહ્યા છે.’

પલાઝો-પૅરલલ ટ્રાઉઝર

‘દિલ તો પાગલ હૈ’ મૂવીમાં માધુરી દીક્ષિતે પહેર્યું હતું એ ફ્લેરવાળું ટ્રાઉઝર પલાઝો ફરી ફૅશનમાં આવી ગયું છે એમ જણાવતાં સીમા એક વાત કબૂલે છે કે શરારા અને અનારકલી સૂટ પણ હજી ઇન છે. બ્રાઇડ આ બધું સંગીતસંધ્યામાં પહેરે છે. સંગીતસંધ્યામાં દરેક બ્રાઇડ એવાં કપડાં પ્રિફર કરે છે જે તેને કમ્ફર્ટેબલ હોય, કારણ કે અહીં નાચવાનું છે.

સ્ટિચ્ડ સાડી

જોકે કેટલાંક બ્રાઇડલ વેઅર હાઉસોનું માનવું છે કે લગ્નમાં વેસ્ટર્ન વેઅર ભલે ડિમાન્ડમાં રહ્યાં, પણ ટ્રેડિશનલ ફંક્શનમાં વેસ્ટર્ન વેઅર શોભતાં નથી. વિલે પાર્લેમાં આવેલા ઐશ્વર્યા ડિઝાઇન સ્ટુડિયોના મૅનેજિંગ ડિરેક્ટર પરેશ ગડાનું પણ કહેવું છે કે કેટલીક બ્રાઇડને વેસ્ટર્ન કલ્ચર જોઈતું હોય છે એથી સંગીતસંધ્યા અથવા તો રિસેપ્શન માટે ઈવનિંગ ગાઉન પર પસંદગી ઉતારે છે, પણ ઇન્ડિયન ફંક્શનમાં વેસ્ટર્ન કપડાં બહુ સૂટ નથી કરતાં.

ઐશ્વર્યા ડિઝાઇન સ્ટુડિયોએ ઇન્ડિયન બ્રાઇડને સૂટ કરે અને કમ્ફર્ટેબલ રહે એવી સ્ટિચ્ડ સાડી ઇન્ટ્રોડ્યુસ કરી છે. લાયક્રા ફૅબ્રિકની આ સાડી આ સીઝનમાં હાઈ ફૅશનમાં છે એવું આ સ્ટુડિયોનું કહેવું છે.

ઈવનિંગ ગાઉન

ભારતીય બ્રાઇડ અને ગ્રૂમ માટે વસ્ત્રો તૈયાર કરતા વેડિંગવેઅર હાઉસોને પણ એક વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે આ સીઝનમાં બ્રાઇડે ઈવનિંગ ગાઉન જેવી વેસ્ટર્ન સ્ટાઇલ પર પોતાની પસંદગી ઉતારી છે. વેસ્ટર્ન ગાઉનની ડિમાન્ડની વાત કરતાં બ્રીચ કૅન્ડી ખાતે આવેલા બેન્ઝર ડિપાર્ટમેન્ટ સ્ટોરના ડિરેક્ટર મિહિર સાવલા કહે છે, ‘આ સીઝનમાં મેંદી અને રિસેપ્શનમાં વેસ્ટર્ન ગાઉન બહુ ચાલ્યા છે. જ્યૉર્જેટ અને વેલ્વેટના આ ગાઉનમાં ફ્રેશ ડીપ કલર્સ, પિન્ક અને પર્પલ, ગ્રીન તથા બ્લડ રેડ કલર્સની વધુ ડિમાન્ડ છે.’