શરીર પ્રમાણે પહેરો ઍક્સેસરીઝ

26 July, 2012 05:50 PM IST  | 

શરીર પ્રમાણે પહેરો ઍક્સેસરીઝ

આજકાલ બધે જ શરીરના આકાર અને પ્રકારની વાતો થઈ રહી છે. પિયર શેપ, ઍપલ શેપ, ડાયમન્ડ, અવરગ્લાસ વગેરે-વગેરે. ખરેખર આ રીતે જો ડ્રેસિંગ કરવામાં આવે તો એ આકર્ષક લાગે છે. એક વાર પોતાના શરીરના આકારનો ખ્યાલ આવી જાય એટલે પછી એના પર શું શોભશે એનો ખ્યાલ આવવા લાગશે. જોકે હજી લોકો ઍક્સેસરીઝને ફ્રી સાઇઝ અને કૉમન જ માને છે, પરંતુ જે રીતે કપડાં શરીરના માપનાં જ પહેરવાં પડે એ રીતે ઍક્સેસરીઝ પણ બૉડી-ટાઇપ પ્રમાણે જ કરવી જોઈએ.

જ્વેલરી

બૉડી-ટાઇપ પ્રમાણે ઍક્સેસરીઝ પહેરો એટલે સૌથી પહેલાં પોતાના શરીરના પ્લસ પૉઇન્ટને ધ્યાનમાં રાખો અને એ જ ટાઇપની જ્વેલરી ખરીદો, જેમાં એ ફીચર્સ ઝાંખાં ન લાગવા લાગે. બલકે શરીરનો એ ભાગ જ્વેલરી પર્હેયા બાદ વધુ સુંદર લાગવો જોઈએ. ઉદાહરણ તરીકે જો તમને લાગતું હોય કે તમારા હાથનું પાતળું કાંડું સૌથી સુંદર છે તો હાથની જ્વેલરી જ પહેરો. તમને સુંદર બ્રેસલેટ અને સ્ટેટમેન્ટ રિંગ્સ સૂટ થશે. જો તમારા આખા શરીરમાં ગરદન સૌથી સુંદર લાગતી હોય તો લાંબા ઈયર રિંગ્સ કે કૉલર નેકલેસ પહેરીને એને વધુ આકર્ષક બનાવી શકાય.

બેલ્ટ

હાલમાં ખૂબ જ પાતળા બેલ્ટ ડિમાન્ડમાં છે. જોકે ખૂબ જાડા એવા ઓબી બેલ્ટ પણ ઘણી યુવતીઓ પહેરી રહી છે. હવે આમાંથી તમારે શું પહેરવું એ તમારા શરીરના બાંધા પર આધાર રાખે છે. બેલ્ટની પસંદગી તમારી ઓવરઑલ હાઇટ અને ધડની લંબાઈ પરથી નક્કી કરી શકાય. જો હાઇટ નાની હોય તો પાતળો બેલ્ટ સારો લાગશે; જ્યારે લાંબી લેડીઝને કમર પર પહોળો, થોડો ઉપરથી પહેરેલો બેલ્ટ સારો લાગશે. જોકે કેટલીક સ્ત્રીઓનું શરીર એ પ્રકારનું હોય છે જેમને બન્ને પ્રકારના બેલ્ટ સારા લાગશે. સ્લિમ અને સીધું બૉડી હોય તો બેલ્ટ પ્રૉપર કમર પર જ પહેરવો, કારણ કે એ રીતે શરીર થોડું ભરાવદાર લાગશે.

બૅગ

બૅગ એક એવી ઍક્સેસરી છે જે લુક બગાડી અથવા બનાવી શકે છે એટલે બૅગ એવી હોવી જોઈએ જે બૅલેન્સ્ડ લાગે. ફૅશન છે એટલે મોટી સાઇઝની હોબો બૅગ કે નાનું હેન્કરચીફ જેટલું ક્લચ જ વાપરવું જરૂરી નથી. ખૂબ પાતળી સ્ત્રીઓએ મિડિયમ સાઇઝની હૅન્ડબૅગ વાપરવી, જ્યારે ભરાવદાર શરીર હોય તો કોઈ પણ નાનકડી ચીજથી દૂર રહેવું તેમ જ બૅગનું હૅન્ડલ પણ શરીર પ્રમાણે પસંદ કરવું જોઈએ. જો હિપ્સનો ભાગ હેવી હોય તો હેવી બૅગ હેવી હિપ્સ કે પેટની આજુબાજુ ન આવવી જોઈએ માટે બૅગનું હૅન્ડલ ટૂંકું રાખવું. એ જ પ્રમાણે આવી બૉડી પર પાતળી બૅગ સારી લાગશે. આ જ મુદ્દો બ્રેસ્ટના ભાગ માટે પણ યાદ રાખવો જોઈએ. જો બ્રેસ્ટનો ભાગ હેવી હોય તો એટલી જ લંબાઈની હેવી બૅગ સારી નહીં લાગે.

શૂઝ

જો તમે વિચારતા હો કે શૂઝ માપના હોય તો પૂરતા છે તો થોભો; કારણ કે શૂઝ પગના ટાઇપ પ્રમાણે જ નહીં, પરંતુ બૉડી-ટાઇપ પ્રમાણે પણ પહેરવા જોઈએ. જાડા ઍન્કલ સ્ટ્રૅપમાં પગ નાના તેમ જ વધુ જાડા લાગશે. એમાંય જો તમે બૉટમથી હેવી હો તો આ થવાની શક્યતા વધુ છો. તમારા પગમાં પમ્પ્સ, સિમ્પલ ફ્લૅટ અને પાતળી પટ્ટીઓવાળાં સૅન્ડલ્સ સારાં લાગશે. જો પાતળા હો તો મોટા બૂટ અને બલ્કી પ્લૅટફૉર્મ હીલ્સનાં જૂતાં અવૉઇડ કરવાં. એના કરતાં સ્ટ્રૅપી સૅન્ડલ કે બેલેરીના તમારા પગમાં સારાં લાગશે.