બ્યુટી સૅલોંમાં જતાં પહેલાં સાવધાન

21 December, 2011 10:04 AM IST  | 

બ્યુટી સૅલોંમાં જતાં પહેલાં સાવધાન



કોઈ પણ બ્યુટીપાર્લરમાં જતાં પહેલાં કઈ ટ્રીટમેન્ટ્સ હાનિકારક નીવડી શકે છે એ જાણવું જરૂરી છે. રિસર્ચરો રોજ કોઈ ને કોઈ નવી શોધ કરતા જ રહે છે, જેમાં મોટા ભાગની કૉસ્મેટિક ટ્રીટમેન્ટના ગેરફાયદા વર્ણવવામાં આવે છે. કેટલીક વાર તમને ખૂબ વહાલી અને આરામદાયક લાગતી આ ટ્રીટમેન્ટ થોડા દિવસમાં કોઈ ભયાનક ચામડીના રોગમાં પરિણમી શકે છે. લેસર હેર રિમૂવલ, બોટોક્સ અને કેમિકલ પિલ જેવી ટ્રીટમેન્ટ્સ ખૂબ અઘરી હોય છે અને જો યોગ્ય પ્રોફેશનલ દ્વારા કરવામાં ન આવે તો પૅરૅલિસિસ, બર્ન, એચઆઇવી તેમ જ સ્કિન-કૅન્સર જેવા રોગો જીવનભર માટે આપી શકે છે.

બોટોક્સથી થતા રોગો

ચહેરા પરના સ્નાયુઓને ટેમ્પરરી પૅરૅલાઇઝ્ડ કરીને કરચલીઓ દૂર કરવા માટે ફેમસ એવી બોટોક્સની આ ટ્રીટમેન્ટ આ ટેમ્પરરી સ્ટેટને લાંબા સમયની બીમારીમાં ફેરવી શકે છે. ચહેરા પર હંમેશ માટે લાલાશ, બ્રાઉન પિગ્મેન્ટેશન, સ્નાયુઓમાં દુર્બળતા વગેરે ગંભીર રોગો બોટોક્સથી મળનારી સુંદરતાને લીધે થઈ શકે છે.

કઈ રીતે બચશો? : આ ટ્રીટમેન્ટ કરાવો એ પહેલાં કોઈ ડર્મેટોલૉજિસ્ટ કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તમારા સ્કિન-ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ્સ અને ટ્રીટમેન્ટની પસંદગી કરવાથી ડૅમેજ થવાના ચાન્સ ઘટાડી શકાય છે.

લેસર હેર રિમૂવલથી કાળા ડાઘ

લેસર હેર રિમૂવલની ટ્રીટમેન્ટ શરીર પરથી અણગમતા વાળથી હંમેશ માટે છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે, પણ આ ટ્રીટમેન્ટ સ્કિન માટે કેટલીક સાઇડ-ઇફેક્ટ સાથે આવે છે. હાઇપર-પિગ્મેન્ટેશન અને હાઇપો-પિગ્મેન્ટેશન આ બે સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. હાઇપર-પિગ્મેન્ટેશનમાં પ્રોસીજર કર્યા બાદ ત્વચા ડાર્ક થઈ જાય છે, જ્યારે હાઇપો-પિગ્મેન્ટેશનમાં સ્કિનટોન લેસરની લાઇટને લીધે વધુ લાઇટ થઈ જાય છે અને એ પાર્ટ પર મેલનિનની કમી થાય છે. થોડી ડાર્ક સ્કિન ધરાવતા લોકોમાં હાઇપો-પિગ્મેન્ટેશન વધુ કૉમન છે. આ સિવાય બળતરા, સ્કિન-કૅન્સર જેવા રોગોનું પણ રિસ્ક રહે છે.

કઈ રીતે બચશો? : કોઈ પણ રિસ્ક ઘટાડવા માટે તમારા એક્સપર્ટે જણાવેલી પ્રી અને પોસ્ટ નિયમોનું પાલન જરૂર કરો. લેસર પિગ્મેન્ટને અટ્રૅક્ટ કરતું હોવાથી તડકામાં કે બ્રાઇટ લાઇટમાં ત્વચા એક્સપોઝ કરવાથી બચાવશો તો એ ડૅમેજ ટાળી શકાશે.

હેરવૉશ અને હેર-ટ્રીટમેન્ટ્સ

સૅલોંમાં વાળની ટ્રીટમેન્ટ કર્યા બાદ મોટા ભાગે લોકો ગરદનના દુખાવા સાથે ઘરે પાછા આવે છે અને જો એવું ન થયું હોય તો તમે લકી છો. શૅમ્પૂ કે ડીપ કન્ડિશનિંગ કરતી વખતે વૉશબેસિન પર લાંબા સમય સુધી અનકમ્ફર્ટેબલ પોઝિશનમાં ગરદન રાખવાની હોવાથી ક્યારેક સ્ટ્રોક સુધીની તકલીફ પણ થઈ શકે છે અને આ તકલીફ બ્યુટી સૅલોં સ્ટ્રોક સિન્ડ્રૉમ તરીકે જાણીતી છે. આને લીધે મગજમાં બ્લડ-ક્લૉટ કે નસના દબાવાથી ચક્કર આવવાં જેવી તકલીફ પણ થઈ શકે છે.

કઈ રીતે બચશો? : જો તમને આ વાતનું રિસ્ક લાગતું હોય તો જ્યાં સુધી કમ્ફર્ટેબલ પોઝિશન ન મળે ત્યાં સુધી ટ્રીટમેન્ટ શરૂ કરવાની હા ન પાડો. ગરદન પાસે જાડા ટુવાલના પેન્ડિંગથી સપોર્ટ પણ આપી શકાય છે.

ફિશ પેડિક્યૉરથી હેપેટાઇટિસ-સી

ફૅશનેબલ અને ખૂબ રિલૅક્સ લાગતું ફિશ પેડિક્યૉર તમારા માટે ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે. જો કોઈ ક્લાયન્ટ પહેલેથી જ હેપેટાઇટિસ, એચઆઇવી કે લોહીના કોઈ રોગોથી પીડાતો હોય તો આ રોગો બીજા ક્લાયન્ટ્સમાં ફેલાવાના ચાન્સિસ ખૂબ વધુ છે અને એનું કારણ ટૅન્કનું પાણી અને ફિશ બન્ને હોઈ શકે.

કઈ રીતે બચશો? : કોઈ બીજા સાથે શૅર કરવી પડે એવી ફિશ-ટૅન્કનો ઉપયોગ ન કરો તેમ જ ફિલ્ટર કરેલા પાણી અને ફિશ માટે અલ્ટ્રાવાયલેટ લાઇટની સગવડ હોય એવી ટૅન્કમાં જ પેડિક્યૉર કરાવવાનો આગ્રહ રાખો. ટૅન્કનું પાણી નિયમિત બદલેલું અને બૅક્ટેરિયા લેવલ ચેક કરેલું હોવું જોઈએ.

હેરકલરથી હેરલૉસ

વાળને કેમિકલયુક્ત કલર કરવાથી એ વાળનું ટેક્સ્ચર જ સ્પૉઇલ નથી કરતું, સાથે-સાથે વાળ ખરે પણ છે. એને લીધે આગળ જતાં ટાલિયાપણું પણ આવી શકે છે. વાળના કલરમાં વપરાતું અમોનિયા નામનું કેમિકલ વાળને ડૅમેજ પહોંચાડે છે અને રંગોમાં રહેલું ઑક્સિડાઇઝર વાળના કોષોને ખોલે છે, જેને લીધે આ કૃત્રિમ રંગ વાળનો ઓરિજિનલ રંગ છીનવી લે છે.

કઈ રીતે બચશો? : હંમેશાં અમોનિયા-ફ્રી હેરકલર વાપરવાનો આગ્રહ રાખો અને એ માટે ઑર્ગેનિક રંગોનો વપરાશ સલાહભર્યો છે. જો સૅલોં એક્સપર્ટ તમને કલર કર્યા બાદ શૅમ્પૂ કે કન્ડિશનર વિશે કોઈ વિશેષ સલાહ આપે તો એને જરૂર અનુસરો. એ કલરને પ્રોટેક્ટ કરશે, વાળને ખરતા અટકાવશે અને મૉઇસ્ચર વાળમાં જ બ્લૉક કરી વાળને હેલ્ધી રાખશે.