શિયાળામાં બેસ્ટ કાર્ડિગન

21 November, 2012 06:48 AM IST  | 

શિયાળામાં બેસ્ટ કાર્ડિગન



શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત હવે થઈ ગઈ છે. આવામાં ઠંડીથી શરીર બચાવવું હોય, પણ સાથે સ્ટાઇલિશ પણ લાગવું હોય તો આ વર્ષે એક આઉટફિટ હિટ છે. કાર્ડિગન નામથી ઓળખાતા આ જૅકેટમાં અનેક વરાઇટીઓ છે અને રંગો પણ મળી રહે છે જેના કારણે આ વર્ષે યુવતીઓ સ્વેટર અને શૉલ છોડીને કાર્ડિગન પહેરવા પર વધુ ધ્યાન આપી રહી છે. જાણી લો આ નવી વિન્ટર સ્ટાઇલ વિશે.

વર્સટાઇલ : કાર્ડિગન પહેરવાનો ટ્રેન્ડ આખા વિશ્વમાં બધા જ ફૉલો કરી રહ્યા છે, કારણ કે આ આઉટફિટ ખૂબ જ વર્સટાઇલ છે. આજે દરેક યુવતીના વૉર્ડરૉબમાં એક કાર્ડિગન હોવું જરૂરી છે જેને ક્લાસિક પીસ તરીકે કોઈ પણ આઉટફિટ સાથે પહેરી શકાય છે. કાર્ડિગન પહેરતાંની સાથે જ જુદો અને ક્લાસિક લુક આપે છે, પરંતુ જો એનું સ્ટાઇલિંગ સહી રીતે કરવામાં આવ્યું હોય તો. બાકીના દિવસોમાં કાર્ડિગન ભલે ફક્ત ફૅશન માટે પહેરાતું હોય, પરંતુ શિયાળામાં ઠંડીથી બચવા માટે આ આઉટફિટ બેસ્ટ રહેશે.

સ્ટાઇલ અને પૅટર્ન : કાર્ડિગનમાં વરાઇટીઓ અનેક છે. લંબાઈ અને સ્લીવ પૅટર્ન બન્નેમાં. કાર્ડિગન જુદી-જુદી લંબાઈનાં આવે છે. કમરથી ટૂંકાં પણ અને ગોઠણ સુધીનાં લાંબાં પણ. કાર્ડિગન પોતાની જરૂર અને સૂટ થાય એ મુજબ સિલેક્ટ કરી શકાય. લાંબા કાર્ડિગનની હેમલાઇન સ્ટ્રેટ અથવા ઍસિમેટ્રિકલ હોય છે. કાર્ડિગન્સ જૅકેટ સ્ટાઇલનાં હોવાથી એને આગળના ભાગમાં બાંધવા માટે લેસ અથવા બે-ત્રણ બટન આપવામાં આવે છે. આ આઉટફિટમાં સ્લીવલેસનો ઑપ્શન વધુ હિટ છે, પરંતુ ઠંડીથી બચવા પહેરતા હો ત્યારે ફુલ સ્લીવ પહેરવી. સ્લીવ સ્કિનટાઇટ હોવી જોઈએ. ઠંડીથી બચવા માટે સ્લીવલેસ કાર્ડિગન જૅકેટ પહેરવાનો કોઈ અર્થ નથી.

રંગ અને ફૅબ્રિક : કાર્ડિગન હોઝિયરી અને વુલન મટીરિયલમાં મળી રહે છે. હોઝિયરી કરતાં ઠંડીમાં વુલન બેસ્ટ રહેશે. કાર્ડિગનમાં રંગો બધા જ મળી રહે છે એટલે બેસ્ટ બ્રાઇટ કલર પહેરી શકાય. બ્લૅક વર્સટાઇલ લાગશે. એ સિવાય પિન્ક, બ્લુ, પર્પલ અને ગ્રીન ઠંડીમાં શોભશે.

ઠંડીમાં બીજું શું?


આ સીઝનમાં ટ્રેન્ચ કોટથી એક કલરફુલ મેકઓવર મળી રહે છે. રેડ, ઑરેન્જ, યલો જેવા રંગોના ટ્રેન્ચ કોટ આ સીઝનમાં બેસ્ટ લાગે છે. આ સીઝનમાં બ્લૅક, ગ્રે અને બ્રાઉન જેવા રંગોથી દૂર રહો અને જિંદગીમાં ટ્રેન્ચ કોટરૂપે જ; પણ રંગોની થોડી તાજગી લાવો.

લેસનાં સ્ટૉકિંગ્સ આજકાલ ઇન ટ્રેન્ડ છે અને ન્યુડ શેડવાળાં પણ. જો તમને લાગતું હોય કે કાળાં લેગિંગ્સમાં તમારા પગની બ્યુટી નજરમાં નથી આવતી તો પછી ન્યુડ શેડવાળાં લેગિંગ્સ પહેરો. રંગબેરંગી સ્ટ્રાઇપ્સવાળાં લેગિંગ્સ પણ સ્કર્ટ સાથે સારાં લાગશે. આનાથી તમારા પગને હૂંફ પણ મળશે અને વિન્ટરમાં સ્ટાઇલ પણ જળવાઈ રહેશે.

ઠંડીમાં જ્યારે કાન પર ઠંડી હવા લાગતી હોય ત્યારે મોટી ટોપી એટલે કે બિની કૅપ પહેરો. જૂની મન્કી કૅપને પણ પૂરા ફેસ પર ન પહેરતાં ફોલ્ડ કરીને ફક્ત બિની કૅપ તરીકે માથા પર કાન ઢંકાય ત્યાં સુધી પહેરી શકાય. આ સીઝનમાં તટસ્થ રંગોના ઑપ્શનમાં ગ્રે અને ચૉકલેટ બ્રાઉન હૉટ છે. રેડ, પર્પલ, બ્લુ જેવા બોલ્ડ રંગોની હૅટ પણ પહેરવા માટે સારો ઑપ્શન છે.

આ સીઝનમાં ગોઠણ સુધીની લંબાઈવાળાં બૂટનો ટ્રેન્ડ ઘણો છે. આ શૂઝને શૉર્ટ ડ્રેસિસ, લેસ સ્ટૉકિંગ્સ અને હૅટ સાથે મૅચ કરો અને તમે લેટેસ્ટ વિન્ટર ફૅશન ટ્રેન્ડ માટે તૈયાર. આની સાથે એક સ્લિંગો કે હૉબો બૅગ ન ભૂલતાં.