કદી ભૂલતા નહીં આ સાત મેકઅપ મિસ્ટેક્સ

28 January, 2020 02:21 PM IST  |  Mumbai | RJ Mahek

કદી ભૂલતા નહીં આ સાત મેકઅપ મિસ્ટેક્સ

પ્રતીકાત્મક તસવીર

દરેક વ્યક્તિને કુદરતે સુંદરતા બક્ષી છે, પણ એ સુંદરતા વધુ નિખારવા આપણે મેકઅપ લગાવીએ છીએ. મેકઅપ લગાવવો એ પણ એક કળા છે. એક નાની ભૂલ તમારી બ્યુટી પર ગ્રહણ લગાવી શકે છે. તો ચાલો આજે વાત કરીએ મેકઅપ કરતી વખતે કઈ ભૂલો તમારે ન કરવી જોઈએ એના વિશે.

૧.  ફાઉન્ડેશન શેડની સાચી પસંદગી

ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ફાઉન્ડેશન તો ખરીદવું છે, પણ કયો શેડ લેવો? એનો સૌથી સહેલો જવાબ છે કે તમારા સ્કિન-ટોનથી સૌથી નજીકનો શેડ પસંદ કરવો જોઈએ. ઘણી વાર સ્કિન-ટોન કરતાં લાઇટ કે વધુ ડાર્ક હશે તો તમે છો એના કરતાં વધુ લાઇટ કે ડાર્ક દેખાશો.

૨. કન્સીલર શેડની સાચી પસંદગી

આપણે કન્સીલર આંખો નીચેનાં કાળાં કૂંડાળાંને ઢાંકવા, ખીલ કે ઍક્નેના ડાઘને કવર કરવા લગાવીએ છીએ. કન્સીલર હંમેશાં આપણા સ્કિન-ટોનથી માત્ર એક જ શેડ લાઇટ પસંદ કરવું જોઈએ. જો વધુ લાઇટ શેડ લગાવશો તો સ્કિન સાથે ભળી નહીં જતાં સફેદ ડાઘ જેવું દેખાશે.

૩. દિવસે ડાર્ક મેકઅપનો ઉપયોગ

આપણા સુંદર મજાના ચહેરા પર ગ્રહણ લગાડી શકે છે આ ભૂલ. દિવસે બહુ હેવી મેકઅપ કરો એના કરતાં હળવો મેકઅપ વધુ સારો લાગે. દિવસે ન્યુડ લિપસ્ટિક શેડ, મૅટ અને ન્યુડ આઇશૅડો સૂટ કરશે. ડાર્ક લિપસ્ટિક, હેવી ફાઉન્ડેશન, ડાર્ક બ્લશ કે આઇબ્રોઝ દિવસ કરતાં રાતના ઇવેન્ટ્સ કે ફંક્શનમાં વધુ સૂટ કરે છે.

૪. મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ

મેકઅપની શરૂઆત કરતાં પહેલાં ફેસને તૈયાર કરવો પડે. જો ડ્રાય સ્કિન હોય તો ફેસ ક્રીમ અને ઑઇલીથી મીડિયમ સ્કિનવાળાએ અલોવેરા જેલ લગાવ્યા બાદ મેકઅપ શરૂ કરવો. નહીં તો ડ્રાય સ્કિનવાળાના ફેસ પર ડ્રાય પૅચિસ આવશે અને ઑઇલી સ્કિન હશે તો મેકઅપ વધુ સમય ટકશે નહીં. તમારી સ્કિન ટાઇપ પ્રમાણે ફેસ પ્રાઇમર લગાવી મેકઅપની શરૂઆત કરી શકો છો.

૫. લિપબામનો ઉપયોગ

તમારી લિપસ્ટિક ક્રીમી હોય તો વાંધો નહીં, પણ જો મૅટ લિપસ્ટિક લગાવવાના હો તો પહેલાં લિપબામ કે જેલી લગાવો પછી જ મૅટ લિપસ્ટિક લગાવો. ઠંડીમાં ખાસ કરીને મૅટ લિપસ્ટિકનો ઉપયોગ ટાળો અથવા તમે કોઈ લિપ સ્ક્ર્બથી ડેડ સ્કિન રિમૂવ કરી મૅટ લિપસ્ટિક લગાવો નહીંતર લિપ્સ બહુ ખરાબ લાગે છે.

૬. બ્લેન્ડિંગનું મહત્ત્વ

ફાઉન્ડેશન લગાવો કે બ્લશ કે કૉન્ટુઅર કરો એ બરાબર લગાવ્યું નહીં હોય તો પણ બહુ ખરાબ લાગશે. તમે બ્રશથી લગાવતા હો કે આંગળીઓ વડે, પણ એ સ્કિનમાં મિક્સ થવું બહુ જરૂરી છે નહીં તો હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ શકો છો.

૭ આઇબ્રો પેન્સિલ

જો તમારી આઇબ્રો આછી હોય તો એના પર આઇબ્રો પેન્સિલ, જેલ કે પાઉડર લગાવી આકાર આપી શકો છો; પણ શેડની યોગ્ય પસંદગી ખૂબ જરૂરી છે. તમારા માથાના વાળનો જે રંગ છે એ રંગને મળતો શેડ લગાવવો જોઈએ. વધુ ડાર્ક કે બ્લૅક શેડથી આઇબ્રો નૅચરલ નહીં લાગે.

તો હવે જ્યારે તમે મેકઅપ કરો ત્યારે જરૂર આટલી વાતોનું ધ્યાન રાખશો. મેકઅપ જેટલો ઓછો કરશો તેટલાં નૅચરલ વધુ લાગશો. મેકઅપના થર કરવા કરતાં હળવો મેકઅપ હંમેશાં તમારી સુંદરતા ઓર વધારશે.

tips skin care