નવરાત્રિમાં બૅકલેસ પહેરવાના છો?

28 September, 2011 03:06 PM IST  | 

નવરાત્રિમાં બૅકલેસ પહેરવાના છો?

 

 

નવરાત્રિમાં પીઠ દેખાડતું બૅકલેસ બ્લાઉઝ પહેરતાં પહેલાં પીઠને થોડી ચમકાવી લો

આપણે જેટલું ધ્યાન ચહેરાને ચમકાવામાં આપીએ છીએ એટલું પીઠ પર ક્યારેય નથી આપતા, પણ બૅકલેસ કમખો પહેરતી વખતે ખરેખર એ વાતનો પસ્તાવો થાય છે. જો તમે બૅકલેસ બ્લાઉઝ તૈયાર રાખ્યું હોય તો પીઠને પણ તૈયાર કરી લો.


પીઠનું ક્લીન-અપ


બૅકલેસ ડ્રેસિસ ખૂબ સ્કિન દેખાડે છે એટલે એને પહેરતાં પહેલાં પીઠ ક્લિયર છે કે નહીં એના પર અચૂક ધ્યાન આપો. સ્કિન પરના ડાઘ અને સૂકી ત્વચા બૅકલેસ ડ્રેસમાં નહીં શોભે. જો તમારી પીઠ પર ડાઘ કે ખીલ હોય તો સ્નાન કરતી વખતે પીઠ પર સ્ક્રબિંગ અચૂક કરો. પાર્લરમાં પીઠનું ક્લીન-અપ પણ કરાવી શકાય.


ખીલની સારવાર


પીઠ પર થતા ખીલ એટલે કે બૅક્ને માટે બધા જ ઘરગથ્થુ ઉપચાર કર્યા છતાં જો ખીલ અને ડાઘ ઓછા ન થતા હોય તો ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી. ડર્મેટોલૉજિસ્ટ તમને ડાઘાઓથી છુટકારો મેળવવા માટે સાચી સલાહ આપશે અને જો જરૂર હશે તો દવા પણ સજેસ્ટ કરશે. આવા ડાઘ એક રાતમાં જતા નથી એટલે ડાઘ જાય નહીં ત્યાં સુધી એની ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ રાખો. જો ડાઘ વધારે હોય તો પ્લીઝ બૅકલેસ ન પહેરો, કારણ કે એ ખૂબ ખરાબ લાગે છે.


ડ્રાય સ્કિન


પીઠની બીજી સમસ્યા એટલે ડ્રાય સ્કિન. જોકે સૂકી ત્વચાનો પ્રૉબ્લેમ ડાઘ અને ખીલ કરતાં જલદી ગાયબ થાય છે, પણ એ માટે પીઠની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. ચહેરાની જેમ પીઠ પર પણ રોજ મૉઇસ્ચરાઇઝર લગાવો તેમ જ ભરપૂર પાણી પીઓ, કારણ કે ડ્રાય સ્કિનની તકલીફ શરીરમાં પાણીની કમીને લીધે પણ થાય છે. સ્નાન કરતાં પહેલાં પીઠ પર બૅબી ઑઇલથી મસાજ કરો અને ત્યાર બાદ સ્નાન કરો. એ પછી પીઠ પર સારું બૉડી લોશન લગાવો. જે દિવસે બૅકલેસ ડ્રેસ પહેરવાનો હોય એ દિવસે પીઠ પર સ્ક્રબિંગ કરો, જેથી ડ્રાય અને ડેડ સ્કિન (મૃત ત્વચા) દૂર થાય અને પીઠ સુંવાળી તેમ જ ચમકદાર દેખાય.


પૅડેડ બ્લાઉઝ


બૅકલેસ કમખો કે ચોળી પહેરો ત્યારે અંદર બ્રા પહેરીને બ્લાઉઝનો શો ખરાબ કરવા કરતાં બ્લાઉઝને જ પૅડેડ બનાવડાવો, જેથી એ બ્રા પર્હેયાની ગરજ સારે. પૅડેડ બ્લાઉઝ લુક પણ સારો આપે છે.


ધ્યાનમાં રાખો


પીઠ પર વાળ ન હોય. પીઠનું વૅક્સિંગ અચૂક કરાવો.

ચહેરા પર મેક-અપ કરવાની સાથે પીઠને ઇગ્નોર ન કરવી. ચહેરા પરના વધુપડતા મેક-અપને લીધે પીઠ ચહેરાના પ્રમાણમાં ડલ લાગી શકે.


બૅકની ફોર સ્ટેપ કૅર


સ્ટેપ ૧ : જો બૅક પર ખીલ હોય તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા બાદ ઍન્ટિ-બૅક્ટેરિયલ ક્લેન્ઝરથી પીઠ વૉશ કરો અને નૅપ્કિનથી હલકા હાથે દબાવીને પીઠ કોરી કરો.


સ્ટેપ ૨ : જો કોઈ ડાઘ કે ખીલ હોય તો રાત્રે ગરબા રમવા જતી વખતે જેમ ફેસ પર કન્સિલર લગાવીએ એમ પીઠ પર પણ એવા જ સ્કિન-ટૉનનું કન્સિલર લગાવો. ત્યાર બાદ થોડો શાઇની ટચ આપવા માટે ટિન્ટેડ બૉડી લોશન કે ગ્લિટર લગાવો.


સ્ટેપ ૩ : જો પીઠ પર કન્સિલર તેમ જ બીજો કોઈ મેક-અપ લગાવ્યો હોય તો ગરબા રમીને ઘરે આવ્યા પછી ધ્યાન રાખો કે તમે એ મેક-અપ બરાબર કાઢી નાખો. જોકે પીઠની સ્કિન ચહેરાની સ્કિન કરતાં જાડી હોય છે એટલે શક્ય છે કે મેક-અપ રિમૂવર સારી રીતે કામ ન કરે, પણ ડીપ સ્કિન ક્લેન્ઝર સારો ઑપ્શન રહેશે.


સ્ટેપ ૪ : ડેડ સ્કિનથી છુટકારો મેળવવા માટે એક્સફોલિએશન સૌથી સારો ઉપાય છે. અઠવાડિયામાં ઍટલિસ્ટ એક વાર પીઠ પર સ્ક્રબિંગ કરો.