ટ્રાવેલિંગમાં પણ લાગો સૌથી સુંદર

14 November, 2012 05:28 AM IST  | 

ટ્રાવેલિંગમાં પણ લાગો સૌથી સુંદર



દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ફરવા જવાનો પ્લાન જરૂર હશે. આ સીઝનમાં મોટા ભાગના લોકો વેકેશન માણવા નીકળે છે. આવમાં પિમ્પલ, ડાર્ક સર્કલ, ડ્રાય સ્કિન જેવી તકલીફો થઈ શકે છે અને છેલ્લે તમે દેખાશો થાકેલા અને કદરૂપા- એ પણ તમારા હૉલિડે  ફોટોગ્રાફ્સમાં. જો આવું ન ઇચ્છતા હો તો કેટલીક જરૂરી ચીજોનું ધ્યાન રાખો.

સ્કિન કૅર


કોઈ કૉલ્ડ હિલ સ્ટેશન હોય કે ટ્રૉપિકલ આઇલૅન્ડ, સનસ્ક્રીન મસ્ટ છે. હૉલિડે પર હો ત્યારે તમે રસ્તા પર રખડશો, શૉપિંગ કરશો અને બીચ પર લાંબી વૉક લેશો. તો આવામાં સ્કિન કાળી પડવી, સન બર્ન થવા આવી ચીજો સામાન્ય છે. માટે જો આ તકલીફોથી બચવું હોય તો તડકો હોય કે ન હોય સનસ્ક્રીન લગાવી રાખવું જરૂરી છે. અને તમારે એકલાએ નહીં પરિવારમાં બધાએ સ્કિનની આ રીતે સંભાળ લેવી અનિવાર્ય છે. જો શક્ય હોય તો એક પૉકેટ સાઇઝ છત્રી પણ સાથે રાખો.

કપડાં


તમને જે ચીજોની જરૂર પડશે એના પ્રત્યે દુર્લક્ષ ન કરો. પણ વધુપડતો સામાન પણ ન લો. થોડા ઇવનિંગ આઉટફિટ જેવા કે ગાઉન કે વનપીસ અને પુરુષો માટે મલનો ફૉર્મલ શર્ટ અને બ્લેઝર. લેડીઝ માટે વનપીસ ડ્રેસ, મૅક્સી ડ્રેસ કે ગોઠણ સુધીની લંબાઈના મિની ડ્રેસ પૅક કરવામાં આસાન રહેશે. મોટા ભાગનાં કપડાં કૅઝ્યુઅલ હોય એટલું સારું અને ત્યાર બાદ પ્રથમ પ્રાયૉરિટી જે જગ્યાએ જાઓ છો ત્યાંના હવામાનને આપો, કારણ કે ડિસેમ્બરમાં શિમલા કે કાશ્મીર જવાના હો તો સ્ટાઇલિશ થર્મલવેઅર અને વિન્ટરવેઅરમાં ઘણા પર્યાયો મળી રહે છે, જે પણ પહેરો પગમાં ફ્લિપ-ફ્લૉપ જ રહેવા દો, કારણ કે એ ઑલમોસ્ટ બધા પર સૂટ કરશે અથવા આખા પગ ઢંકાય એવા શૂઝ પહેરો.

મેક-અપ


જેટલું કરી શકો એટલું બધું જ પૅક કરો, પણ વધુપડતું નહીં. બ્લશ હોય કે ગ્લોસ બધું જ એકસાથે રાખો. તમારાં કપડાં સામે રાખો અને જે રંગ કે શેડ બધા પર સૂટ થતો હોય એ શેડ સાથે લઈ જાઓ. કાળું કાજલ, મસ્કરા, ન્યુડ લિપસ્ટિક, લિપ બામ અને મૉઇસ્ચરાઇઝ મસ્ટ છે અને આ ચીજો નવી સીલ પૅક નહીં પણ એકાદ વાર ટ્રાય કરી હોય, સારી લાગતી હોય તો જ રાખો. કોઈ નવા એક્સપરિમેન્ટ હૉલિડે પર હો ત્યારે ન કરવા.

જ્વેલરી

પ્રૉપર ડ્રેસ્ડ લાગવા માટે કોઈ એકાદ જ્વેલરીનું પીસ કે બીચવેઅર પર સૂટ કરે એવા મોટા પીસ સારા રહેશે. વધુપડતી ચમકીલી જ્વેલરી ન રાખો, કારણ કે આવી જ્વેલરી સાચવવી અને મૅનેજ કરવી ખૂબ મોટો માથાનો દુખાવો રહેશે. હૉલિડે પર છો એટલે સિલ્વર અને કલરફુલ જ્વેલરી બેસ્ટ. ઠંડી જગ્યાએ હો તો એક સારું વિન્ટર જૅકેટ પણ સારું દેખાશે.

દવાઓ લઈ જાઓ


જરૂરિયાતની બધી જ દવાઓ સાથે લઈ જાઓ. પરિવારમાં જેને-જેને જે પણ તકલીફ હોય તેની દવાઓ સાથે લઈ જવી. આ સિવાય માથાનો દુખાવો, લુઝ મોશન, ઊલટી, પેઇન કિલર માટેની ગોળીઓ તેમ જ ફસ્ર્ટ એઇડ કિટ સાથે લઈ જવાનું ન ભૂલો. ઠંડીમાં જાઓ ત્યારે પેટ્રોલિયમ જેલી, પગના વાઢિયા માટેની ક્રીમ, કૉલ્ડ ક્રીમ તેમ જ બૉડી લોશન ખાસ સાથે લઈ જાઓ. આ સીઝનમાં એની ખૂબ જરૂર પડશે. સા સિવાય જો વધુ ઠંડીના પ્રદેશમાં જવાના હો તો હાથ અને પગનાં મોજાં પણ લઈ જવાં.